કનૈયાલાલ મુનશી ગુજ. યુનિ.ના પ્રથમ કુલપતિ કેમ થઈ ના શક્યા – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • Chini Kam
  • કનૈયાલાલ મુનશી ગુજ. યુનિ.ના પ્રથમ કુલપતિ કેમ થઈ ના શક્યા

કનૈયાલાલ મુનશી ગુજ. યુનિ.ના પ્રથમ કુલપતિ કેમ થઈ ના શક્યા

 | 2:25 am IST

ચીની કમ

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં આ પદ માટે ૨૬થી વધુ અરજીઓ આવી છે. ગુજરાત યુનિવર્સિટી ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠાપાત્ર યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીના કુલપતિ પદે ઉમાશંકર જોશી, મગનભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ તથા કે. એસ. શાસ્ત્રી જેવા કેટલાય પ્રતિષ્ઠાપાત્ર મહાનુભાવો કુલપતિપદે રહી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્ર રાજનીતિથી દૂર હોવું જોઈએ તેમ કહેવાય છે, પરંતુ વાસ્તવમાં તેમ નથી. દરેક રાજકીય  પક્ષો પોતાની વિચારધારાને અનુકૂળ પોતાના વફાદાર માણસોની આ પદ પર નિમણૂક કરવાની ઈચ્છા ધરાવે છે. ભૂતકાળમાં જે તે પક્ષે આ કામ કર્યું છે. હવે ભગવાકરણ થઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાની ભલામણ છેક ૧૯૪૦માં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, શેઠ અમૃતલાલ હરગોવિંદદાસ તથા આનંદશંકર ધ્રુવ જેવાઓએ કરી હતી, પરંતુ તેની સ્થાપના આઝાદી પછી થઈ હતી.

ગુજરાત યુનિ.ની સ્થાપના

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાનો ઈતિહાસ રસપ્રદ છે. આજે ગુજરાત યુનિવર્સિટી વટવૃક્ષ બની છે અને રાજ્યમાં બીજી પણ યુનિવર્સિટીઓ ઊભી થઈ છે, પરંતુ તેની સ્થાપના અને સ્થાપનાની પાછળની રાજનીતિનો ઉલ્લેખ મોરારજી દેસાઈએ તેમની આત્મકથામાં કર્યો છે જે આ પ્રમાણે છે :

પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા માટે મુંબઈમાં મંત્રીમંડળે ૧૯૪૭માં નક્કી કર્યું હતું અને એક હજારની વસતીવાળા ગામડાંથી એની શરૂઆત કરી હતી. ૧થી ૪ ધોરણ માટે આ ફરજિયાત શિક્ષણ બનાવવામાં આવ્યું હતું, કારણ કે એથી વધારેને પહોંચી વળવા માટે રાજ્યની એ વખતે શક્તિ ન હતી. ત્યાં સુધી મુંબઈ રાજ્યમાં એક જ યુનિવર્સિટી હતી, જે મુંબઈ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી. સ્ત્રીઓને માટે એક શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી (કર્વે) યુનિવર્સિટી હતી, પણ સરકારે એને માન્યતા આપી ન હતી. અમારું મંત્રીમંડળ બન્યા પછી અમે એને માન્યતા આપી અને એને માટે કાયદો બનાવ્યો. ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક યુનિવર્સિટીઓ સ્થાપવા માટે એક એક સમિતિ પણ નીમવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીની સમિતિ એપ્રિલ, ૧૯૪૭માં નીમાઈ હતી. એ સમિતિના પ્રમુખ તરીકે પહેલાં શ્રી એમ. સી. ચાગલાને નક્કી કર્યા હતા, પરંતુ એમણે એમાંથી રાજીનામું આપ્યું એટલે શ્રી ગણેશ વાસુદેવ માવળંકરને એના પ્રમુખ બનાવ્યા હતા. તેઓ તે વખતે વડી ધારાસભાના સ્પીકર-અધ્યક્ષ હતા. એમણે સમિતિનો રિપોર્ટ આપ્યો તે પછી ગુજરાતમાં યુનિવર્સિટી સ્થાપવામાં આવી હતી. એ સમયે પૂનામાં પણ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી.

વાઈસ ચાન્સેલર

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવાનું નક્કી કર્યું ત્યારે એના પહેલા વાઈસ ચાન્સેલર કોને નીમવા એ સવાલ ઉપસ્થિત થયો હતો. આ પ્રશ્ને કડવાશ પણ પેદા કરી હતી. શ્રી માવળંકરની ઈચ્છા પહેલા વાઈસ ચાન્સેલર થવાની હતી, પરંતુ ગુજરાતમાં ઘણાં ભાઈઓ અને બહેનોનો આ સામે વિરોધ હતો અને તેઓ આ વિશે સરદાર સાહેબને જણાવવાનો મને આગ્રહ કરતા હતા. મેં એ સૌને જણાવ્યું હતું કે, ”હું આ વિશે સરદાર સાહેબને કોઈ આગ્રહ કરવાનો નથી. તમારે તમારી લાગણી એમને જણાવવી હોય તો એમને સીધી જ જણાવો.” મારા ઉપર સરદાર સાહેબનો એક એવો સંદેશો આવ્યો કે, ”તમારી સંમતિ હોય તો શ્રી કનૈયાલાલ મુનશીનું નામ એ સ્થાન માટે વિચારી શકીએ.” આ અરસામાં સરદાર સાહેબ મુંબઈ આવ્યા ત્યારે મેં એમની પાસે આ વાત છેડી અને કહ્યું કે, ”તમારી મરજી શ્રી મુનશીને વાઈસ ચાન્સેલર તરીકે નીમવાની હોય તો મારો પોતાનો એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ શ્રી મુનશી વાઈસ ચાન્સેલર થશે તો ઘણાંને કદાચ એ પસંદ નહીં પડે, કારણ કે એમણે ગુજરાતમાં ખાસ કોઈ કામ કર્યું નથી. આ વિરોધ જો થાય તો એને શમાવવાનું કામ મારા માટે મુશ્કેલીભર્યું બનશે એટલું મારે કહેવું જોઈએ.”

કોને બનાવવા ?

એટલે સરદાર સાહેબે એ વિશે પોતાનો મત બદલ્યો અને મને પૂછયું કે, ”તમે કોનું નામ સૂચવો છો ?” મેં એમને કહ્યું કે, ”મારી પાસે કોઈની ભલામણ કરવા માટે કોઈ જરૂરી વિગત નથી અને મારે કોઈને માટે ખાસ આગ્રહ કરવાનો પણ નથી એટલે કોઈ એક નામની ભલામણ હું કરી શકતો નથી, પરંતુ કેટલાંક માણસોના નામો હું તમારી પાસે મૂકી શકું. તેમાંથી તમને પસંદ પડે તેમને તમે નીમી શકો છો.” મેં એમને છ નામો આપ્યાં હતાં : શ્રી ગણેશ વાસુદેવ માવળંકર, શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી કે. જી. નાયક, શ્રી એન. એમ. શાહ, શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયા.

સરદાર સાહેબે કહ્યું કે, ”શ્રી માવળંકર અને શ્રી કાકાસાહેબ આમાં ન ચાલી શકે. એટલે કે, એમના માટે અત્યારે વિચાર ન કરી શકાય.” મેં એમને ત્યારે કહ્યું કે, ”તમે એમને નીમશો નહીં તો એનો અર્થ એમ થશે કે, મેં એમાં વિરોધ કર્યો છે. એમને નીમવા માટે મારો કોઈ વાંધો નથી. બીજાઓનો વિરોધ બીજાઓએ તમને જણાવ્યો છે.” ત્યારે એમણે એમ કહ્યું કે, ”હું જ એમને કહી દઈશ અને એમને સલાહ આપીશ કે એમણે આ વિશે વિચાર કરવો નહીં.”

દિવેટિયાની પસંદગી

ત્યાર પછી બધાં નામોના ગુણદોષનો વિચાર કરતાં એમણે શ્રી દિવેટિયાનું નામ પસંદ કર્યું. આ વિશે શ્રી દિવેટિયાને પૂછવાનું મને સોંપવામાં આવ્યું હતું. શ્રી દિવેટિયા શ્રી મુનશીના ખાસ મિત્ર હતા. એમને પૂછવા માટે મને કહેવામાં આવ્યું ત્યારે પહેલાં આ માટે મેં શ્રી બાળાસાહેબ ખેરની સંમતિ માગી, કારણ કે બાળાસાહેબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પણ હતા. એટલે આ નિમણૂક એમણે જ કરવાની હતી. એમણે પણ શ્રી દિવેટિયાને પસંદ કર્યા એટલે મેં શ્રી દિવેટિયાને એ અંગે પૂછયું અને એમણે એ માટે પોતાની સંમતિ આપી. મેં સરદાર સાહેબને આ સંમતિની જાણ કરી અને એમની સાથે સીધી વાત કરીને નક્કી કરવા પણ કહ્યું, જેથી પાછળથી કોઈ ગેરસમજ થાય નહીં. એ પ્રમાણે સરદારશ્રીએ એમને પૂછી લીધું અને એમણે હા પાડી એટલે એમની નિમણૂક કરવાનું નક્કી થયું.

માવળંકરનો પત્ર

ત્યાર પછી શ્રી માવળંકરને આ વસ્તુની જાણ થઈ એટલે એમણે આ વિશે પોતાનો વિરોધ દર્શાવતો પત્ર સરદાર સાહેબને લખ્યો. અમદાવાદમાંથી કેટલાક એમના મિત્રોએ પણ સરદાર સાહેબને એ વિશે લખ્યું. મને પહેલાં જે શંકા લાગતી હતી કે શ્રી માવળંકર જો પસંદ નહીં થાય તો એનો દોષ તેઓ મારા પર નાખશે એ શંકા સાચી પડી, કારણ કે એમના નામના વિરોધનો દોષ એમણે મારા પર નાખ્યો હતો. આવા વિરોધથી સરદાર સાહેબ ઉપર કાંઈક અસર થઈ અને શ્રી કનૈયાલાલ (કાનજીભાઈ) દેસાઈ, જેઓ પ્રદેશ સમિતિના પ્રમુખ હતા અને કોન્સ્ટિટયૂઅન્ટ એસેમ્બ્લી- બંધારણ સભાના અને પાર્લામેન્ટના સભ્ય પણ હતા, એમને એમણે ચર્ચા કરતાં કહ્યું કે, ”તમે મોરારજીભાઈને આ વિશે પૂછો અને એ જો હા કહેતા હોય તો એમને શ્રી દિવેટિયાને બદલે શ્રી માવળંકરને નીમવા માટે કહો.” શ્રી કાનજીભાઈએ આ સંદેશો મને કહ્યો ત્યારે મેં શ્રી કાનજીભાઈને ટેલિફોન પર કહ્યું કે, ”તમે આ ભાર મારા પર શું કરવા નાખો છો ? શ્રી માવળંકરનો વિરોધ તો તમે અને બીજા ભાઈઓએ કર્યો હતો, મેં નહોતો કર્યો અને તમારે સરદાર સાહેબ સાથે એ વિશે ચર્ચા કરી લેવી જોઈએ. તમે એમ ન કર્યું એટલે ખોટી રીતે હું એમાં વગોવાઉં છું.”

છેવટે જાહેરાત

શ્રી કાનજીભાઈએ એમની આ ગફલત સ્વીકારી અને સરદાર સાહેબ સાથે એમણે પણ ચર્ચા કરીને એમનો પોતાનો અને બીજાઓનો વિરોધ એમને સંભળાવ્યો. એટલે સરદાર સાહેબે એ વાત પડતી મૂકી અને શ્રી દિવેટિયાને વાઈસ ચાન્સેલર તરીકે લેવાનું છેવટે નક્કી કર્યું. સરદાર સાહેબની વાત મને મળી એટલે તુરત જ મેં શ્રી બાળાસાહેબ ખેરને આ વાત જણાવી. શ્રી ખેર એથી કાંઈક મૂંઝાયા પણ ખરા, પરંતુ એમનો મત પણ શ્રી માવળંકરને નીમવાનો ન હતો. એટલે જ શ્રી દિવેટિયાનું નામ પહેલેથી જ નક્કી થયું હતું. મેં એમને કહ્યું કે, ”સરદાર સાહેબની સૂચના હવે આવી ગઈ છે. આમ છતાં તમારે જો શ્રી માવળંકરને નીમવા હોય તો નીમી શકો છો, પરંતુ હું એમાં સંમતિ આપી નહીં શકું, કારણ કે શ્રી દિવેટિયાને સૌના કહેવાથી મેં પૂછયું છે અને એમણે જ મને હા પાડી છે. સરદાર સાહેબે પણ એ માટે સંમતિ આપી છે. એવા સંજોગોમાં હું શ્રી દિવેટિયાને એવું ન કહી શકું કે, તમારે બદલે શ્રી માવળંકરને નીમવાના છે.” શ્રી બાળાસાહેબ એ વાત સમજ્યા. એટલે આખરે એમણે શ્રી દિવેટિયાની નિમણૂક જાહેર કરી.

શ્રી માવળંકરના મનમાં આથી મારા વિશે લાંબા વખત સુધી ભારે ગેરસમજૂતી રહી હતી, પરંતુ મેં એમના ખાસ મિત્રને જે હકીકત બની હતી તે જણાવી અને છેવટે એમને પણ ખાતરી થઈ હતી કે, એમની નિમણૂક ન થઈ એમાં મારો હાથ ન હતો, પરંતુ મેં એમનો વિરોધ કર્યો એવી મારી વગોવણી કેટલાય વખત સુધી ચાલુ રહી હતી.

મોરારજી દેસાઈએ આ વાતનો ઉલ્લેખ તેમના જ શબ્દોમાં ‘મારું જીવન વૃત્તાંત’માં કર્યો છે.