કચ્છઃ પોલીસ ઉપર હત્યાના આરોપીએ કર્યો હુમલો, કોન્સ્ટેબલે કર્યું હવામાં ફાયરિંગ - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છઃ પોલીસ ઉપર હત્યાના આરોપીએ કર્યો હુમલો, કોન્સ્ટેબલે કર્યું હવામાં ફાયરિંગ

કચ્છઃ પોલીસ ઉપર હત્યાના આરોપીએ કર્યો હુમલો, કોન્સ્ટેબલે કર્યું હવામાં ફાયરિંગ

 | 5:07 pm IST

જુનાગઢની જેલમાં હત્યા કેદની સજા ભોગવી રહેલો અને પેરોલ પર ફુટ્યા બાદ નાસતો ફરતો મુળ નખત્રાણા તાલુકાના ચરાખડા ગામનો ખુંખાર બની ગયેલો કેદી હવે જાણે લોહી તરસ્યો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. હજુ થોડા દિવસો પૂર્વે ભુજ પોલીસ મથકના ત્રણ કર્મચારી ઉપર છરી વડે હુમલો કરી નાશી છુટ્યા બાદ શનિવારની રાત્રીના વડાછટ ગામની સીમમાં માનકુવા પોલીસ મથકના કોન્સ્ટેબલ પર ફરસી ઉગામી હતી. જોકે સતર્ક કોન્સ્ટેબલે તરત જ તેની રાઈફલમાંથી હવામાં ફાયરિંગ કરતા તેનો મનસુબો પાર પડયો નહોતો. પરંતુ ચકમો આપવામાં તે સફળ રહ્યો હતો.

કાસમ મામદ નોતિયાર મુળ ચરાખડા ગામનો વતની છે અને તેના કુટુંબીની જ હત્યા કેસમાં તે જુનાગઢ જેલમાં સજા ભોગવી રહ્યો છે. જેલમાંથી પેરોલ પર છુટયા બાદ હાજર થવાના બદલે નાસતો ફરે છે જેને પકડવા પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તે ભુજમાં લોહીયાળ બન્યા હતા. ત્યારબાદ વડાછટ ગામે પણ રાત્રીના અંધારામાં બે અધિકારી અને ૧૦ જવાનોની પાર્ટીને ચકમો આપી નાશી છુટયો હતો.

ઘટના પર નજર કરીએ તો માનકુવા પોલીસને બાતમી મળી હતી કે ભાગેડુ કાસમ ભુજ તાલુકાના વડાછટ ગામે તેના મામાને ઘેર મળવા આવવાનો છે અને તુરંત જ ત્યાંથી જતો રહેશે. જેથી બે પોલીસ અધિકારી અને ૧૦ જવાનો મળી ૧ર જણાનો કાફલો વટાછટ પહોંચી ગયો હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે કાસમ ગામની નજીકની સીમની તળાવ પાસેની બાવળોની ગીચ ઝાડીમાં સંતાઈ ગયો છે.જેથી પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને ઝાડીને ફરતે ઘેરો ઘાલ્યો હતો.

અંધારૃ થવાની સાથે જ પોલીસે બાવળની ઝાડીને ચારેબાજુ ઘેરો ઘાલ્યો હતો અને તેની શોધખોળ આદરી હતી. રાત્રીના લગભગ પોણા આઠ વાગ્યાના સુમારે અચાનક જ કાસમ હાથમાં ફરસી સાથે ઝાડીમાંથી બહાર નીકળ્યો હતો અને નજીક ઉભેલા કોન્સ્ટેબલ લીલાભાઈ ખુમાભાઈ દેસાઈ પર ફરસી ઉગામી હતી. જોકે તેના જનૂની સ્વભાવથી પોલીસ જવાનો એલર્ટ હતા. સદનસીબે તેણે કરેલા અણધાર્યા પ્રહારનો ઘા કોન્સ્ટબલે ચૂકવી દીધો હતો અને હવામાં ફાયરિંગ કર્યું હતું. આ થોડી ક્ષણોનો લાભ લઈ કાસમ અંધારામાં નાસી ગયો હતો. મોડી રાત સુધી પોલીસે તેને શોધવા પ્રયાસો કર્યા હતા પરંતુ તે હાથ લાગ્યો નથી.

આ મામલે પોલીસ કોન્સ્ટેબલે માનકુવા પોલીસ મથકમા તેની વિરૃદ્ધ ફરિયાદ કરતા પોલીસે આઈપીસી ૩૦૭ તેમજ જીપી એકટ ૧૮પ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે કાસમ વિરૃદ્ધ ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. ર૯મીએ કાસમે તેને પકડવા દિનદયાળ નગરમાં આવેલ ભુજ બી ડિવી. પોલીસ મથકના ત્રણ જવાનોને છરી ઝીંકી દીધી હતી અને નાશી છુટ્યો હતો.

તેની શોધખોળ ચાલુ છે : માનકુવા પીઆઈ
સમગ્ર ઘટના અંગે માનકુવા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર ડી.એમ.ઢોલને પુછતા તેમણે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે કાસમ તેના મામાના ઘેર આવવાનો છે અને હાલ તળાવની પાસે આવેલી બાવળની ઝાડીમાં છુપાયો છે જેથી પોલીસે તે સ્થળને ચારે બાજુથી ઘેરી લીધું હતું. રાત્રીના પોણા આઠ વાગ્યાના સુમારે કાસમ ઝાડીમાંથી બહાર આવ્યો હતો અને નજીકમાં ઉભેલા કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ પર ફરસી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ કોન્સ્ટેબલે તે ઘા ચુકવી દીધો હતો અને તેની ઈન્સાસ સર્વિસ રાઈફલમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગતરાતથી જ પોલીસ તેની શોધખોળ ચલાવી રહી છે તે ડુંગર વિસ્તારમાં છુપાઈ ગયો હોવાની શકયતા છે જેને શોધવા પ્રયત્નો ચાલુ જ છે અને તે વિસ્તારની ચારેતરફ નાકાબંધી કરી દેવામાં આવી છે.