ખૂન (રક્ત) અને ખૂન (હત્યા) વચ્ચે શો સંબંધ? - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS

ખૂન (રક્ત) અને ખૂન (હત્યા) વચ્ચે શો સંબંધ?

 | 2:51 am IST

એક વાતની સો વાતઃ દીપક સોલિયા

કૌન રોતા હૈ કિસી ઔર કી ખાતિર અય દોસ્ત, સબ કો અપની હી કિસી બાત પે રોના આયા. નેચરલી, માણસને પોતાનું દુઃખ સૌથી વધુ અડે. ગુજરાતની ગ્રામીણ પ્રજાને ઓછી આવક અને અગવડો ખૂંચે છે એટલે એમણે હાલની ચૂંટણીમાં એવો મત આપ્યો કે શાસકો બદલો. બીજી તરફ્, ગુજરાતની શહેરી પ્રજાને હિન્દુ રાષ્ટ્રના ભવ્ય વિકાસનું સપનું તૂટવાનો ડર સતાવી રહ્યો હોવાથી એમણે એવો મત આપ્યો કે શાસન બદલવાની જરૂર નથી. સરવાળે, ગ્રામીણ કરતાં શહેરી અવાજનું વધારે વજન પડયું. એટલે શાસક પક્ષ ભાજપની જીત થઈ.

આ ટૂંકી ચૂંટણી-દાસ્તાનમાં ‘હિન્દુ’ શબ્દ મહત્ત્વનો છે. ભારતમાં હિન્દુ-મુસ્લિમના મામલે સદીઓથી વાસણો ખખડયાં કરે છે. એમાં ઉશ્કેરણી-ભંભેરણી ભળે ત્યારે વાસણો મોટા પાયે ખખડે અને બાહ્ય ઉશ્કેરણી ન થાય ત્યારે વાસણોનો ખખડાટ સામાન્ય કક્ષાનો (મોટા ભાગના ઘરોમાં જોવા મળે એટલો) હોય છે. આ સમસ્યાનું મૂળ સમજવું હોય તો સૌથી પહેલાં હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો ફ્રક સમજવો રહ્યો.

આ શ્રેણીમાં આમ પણ અત્યારે આપણે ફ્રક સમજવાની કવાયત કરી રહ્યા છીએ. સચીન-રાહુલ તથા મોદી-મનમોહનસિંહ જેવા નજીક-નજીકના નં. ૧ અને નં. ૨ વચ્ચેના ફ્રક બાદ અમિતાભ, ધ ગ્રેટ અને એક સામાન્ય માનવી વચ્ચેના ફ્રક વિશે ગયા લેખમાં વાત કરી. એમાં તારણ એવું નીકળ્યું કે લોકોના મનમાં દમદાર મહામાનવની શાનદાર છબિ હોય તો પણ, જીવનની સમગ્રતાની અને રોજિંદા જીવનની વાત કરીએ તો આમ આદમી અને મહાન આદમીના જીવન વચ્ચે તત્ત્વતઃ ઝાઝો ફ્રક નથી હોતો. બીમારી આમ આદમીને પણ સતાવે અને મહામાનવને પણ કનડે. નોકરી-ધંધા વગરના દીકરાની ફ્કિર સામાન્ય બાપ કરે એ જ રીતે અમિતાભ પણ પોતાના અભિષેકની કરિયરની ફ્કિર કરે એ સ્વાભાવિક છે. સરવાળે, માણસ સામાન્ય હોય કે મહાન, ઇન્સાન છેવટે ઇન્સાન હોય છે, જીવન છેવટે જીવન હોય છે.

તો, ઊંચ-નીચના ભ્રમખંડનની આ દિશામાં હવે એક નવો સવાલ વિચારીએઃ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ફ્રક શું છે? આ મામલો સેન્સિટિવ છે, કારણ કે આમાં આપણે બધા પક્ષકારો (કન્સર્ન્ડ પાર્ટીઝ) છીએ. આવા સેન્સિટિવ મામલા સમજવાનો એક સુરક્ષિત અને સારો રસ્તો એ છે કે પોતાની વાત કરવાને બદલે પોતાના જેવા જ બીજા કોઈની વાત કરવી. જેમ કે, અમેરિકાના શ્વેત-અશ્વેતો. એમાં આપણે કન્સર્ન્ડ પાર્ટી (પક્ષકાર) ન હોવાને લીધે જૂથ વચ્ચેના ફ્રકને વધુ શાંતિથી, ધીરજથી, પ્રેમથી, કોમન સેન્સથી સમજી શકીશું અને એનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરી શકીશું

ઓકે, તો અમેરિકાની એક રસપ્રદ વાતથી શરૂઆત કરીએ. થયું એવું કે ૧૯૯૦ના દાયકાના આરંભે આખું અમેરિકા એક શબ્દથી રીતસર ફ્ફ્ડતું હતું. એ શબ્દ હતો, ક્રાઈમ એટલે કે ગુનાખોરી. અમેરિકામાં ગુનાખોરીનો ગ્રાફ્ સતત વધી રહ્યો હતો. હત્યા, લૂંટફટ, બળાત્કારો, ડ્રગ્ઝનું સેવન વગેરે બધું ઝડપથી વધી રહ્યું હતું. હૃદયમાં નિર્દયતા અને હાથમાં ગન લઈને ફ્રી રહેલા જુવાનિયાંનો એક મોટો ફ્ડકો સમગ્ર અમેરિકાના મનમાં પેસી ગયો હતો. આવામાં, અમેરિકાના ક્રિમિનોલોજિસ્ટ (ગુનાશાસ્ત્રી) જેમ્સ એલન ફેક્સે અમેરિકાના એટર્ની જનરલ માટે તૈયાર કરેલા એક અહેવાલમાં નોંધ્યું કે એકદમ આશાવાદી અંદાજ બાંધીએ તો ટીનેજર્સ (કિશોર-કિશોરીઓ) દ્વારા થતી હત્યાઓનું પ્રમાણ આગામી દાયકામાં ૧૫ ટકા વધશે અને નિરાશાવાદી અંદાજ મુજબ આ પ્રમાણ ૧૦૦ ટકાથી પણ વધી જશે. એમના જ શબ્દોમાં, ‘ક્રાઈમ-જુવાળનું હવે પછીનું મોજું એટલું આકરું હશે કે લોકો એવું વિચારશે કે ૧૯૯૫નો એ જૂનો જમાનો કેટલો સારો હતો.’ ઇવન પ્રમુખ બિલ ક્લિન્ટને પણ કહેવું પડયું કે જો અમે ટીનેજર્સ દ્વારા આચરવામાં આવતા ગુનાખોરીને નહીં નાથી શકીએ તો દેશ અંધાધૂંધીમાં ધકેલાઈ જશે અને મારા પછીના શાસકો ઉજ્જવળ અર્થતંત્ર વિશે ભાષણો આપવાને બદલે સડકો પર લોકોની હત્યા ન થાય એ માટે શું થઈ શકે એની ચિંતામાં ડૂબેલા રહેશે.

પણ એવું કશું ન થયું. ૧૯૯૫ પછી અચાનક ક્રાઈમનો ગ્રાફ્ ઊંચો જવાને બદલે નીચે આવવા લાગ્યો. આખા અમેરિકામાં ગુનાખોરીનું પ્રમાણ વર્ષોવર્ષ ઘટવા લાગ્યું. તે એટલી હદે કે પાંચ વર્ષ પછી ૨૦૦૦ની સાલમાં અમેરિકામાં હત્યાનું પ્રમાણ ૩૫ વર્ષમાં સૌથી નીચું નોંધાયું. એકલા ન્યૂયોર્કની વાત કરીએ તો એ શહેરમાં ૧૯૯૫માં ૨૨૬૨ હત્યા થયેલી, જ્યારે ૨૦૦૦ની સાલમાં અહીં ૫૪૦ હત્યાઓ થઈ.

માત્ર હત્યાની જ નહીં, લૂંટફટ-હુમલા-બળાત્કારોની ઘટનાઓમાં પણ મોટો ઘટાડો નોંધાયો.

ગુનાખોરીમાં આવા ઘટાડાની કોઈએ અપેક્ષા નહોતી રાખી. ઘટાડા બાદ નિષ્ણાતો કારણોની તલાશમાં લાગી ગયા. એમને મુખ્ય ત્રણ કારણો જડયાં. ૧) અર્થતંત્રના વિકાસને કારણે બેકારી ઘટી અને યુવાનો ગુનાખોરી છોડીને કામધંધે લાગ્યા. ૨) ગન કંટ્રોલ (બંદૂકની ખરીદી અને ઉપયોગ પરના અંકુશ) વધવાથી હત્યાઓ ઘટી. ૩) પોલીસોએ નવા અને અસરકારક વ્યૂહ અપનાવીને ગુનાખોરી ઘટાડી.

તમામ નિષ્ણાતો આ તારણો સાથે સહમત હતા. છેવટે આ તારણો નિષ્ણાતો પાસેથી પ્રસાર માધ્યમોમાં અને માધ્યમોમાંથી લોકોના મનમાં જડબેસલાક ગોઠવાઈ ગયાં.

પણ આ કારણો અને તારણો સાચાં નહોતાં એવી દલીલ અર્થશાસ્ત્રી લેવિટ અને એમના જોડીદાર પત્રકાર-લેખક ડબનરે એમના જગવિખ્યાત પુસ્તક ‘ફ્રીકોનોમિક્સ’માં કરી. આ લેખકોનું કહેવું હતું કે ગુનાખોરી ઘટવાનું એક બહુ મહત્ત્વનું કારણ કોઈના ધ્યાનમાં નહોતું આવ્યું. એ કારણ હતું, એક મહિલા. એનું નામ હતું નોર્મા.

કોઈ પતંગિયું એક ખંડમાં પાંખો ફ્ફ્ડાવે અને બીજા ખંડમાં વાવાઝોડું ફૂંકાય એવો વિચિત્ર આ મામલો હતો. નોર્માની એક નાનકડી ચેષ્ટાએ આખા અમેરિકાની ગુનાખોરી ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવી. થયું એવું કે ૧૯૭૦માં નોર્મા ૨૦ વર્ષની હતી ત્યારે બે વાર એ કુંવારી માતા બની ચૂકી હતી અને બંને વાર એણે પોતાનાં બાળકો દત્તક આપી દીધાં હતાં. આ નોર્મા દારૂની બંધાણી હતી, ડ્રગ્ઝ પણ લેતી. એ અભણ હતી અને રોજગાર મેળવવા જેવી કોઈ આવડત એનામાં નહોતી. આવી સ્થિતિમાં, ૨૦ની ઉંમરે ત્રીજી વાર ગર્ભવતી થયેલી નોર્મા ગર્ભપાત કરાવવા માગતી હતી, પણ તેના રાજ્ય ટેક્સાસનો (અને અમેરિકાના મોટા ભાગના રાજ્યોનો) કાયદો ગર્ભપાતને ગેરકાયદે ગણાવતો હતો. આવામાં, અબળા નોર્માની વહારે કેટલાક સબળા લોકો આવ્યા અને એમણે નોર્માને મુખ્ય ફ્રિયાદી બનાવીને ક્લાસ-એક્શન લોસૂટ (જનહિતને લગતો કેસ) નોંધાવ્યો. કેસમાં મહિલા ફ્રિયાદીનું નામ છુપાવવા ફ્રિયાદી તરીકે નોર્માને બદલે જેન રો એવું નામ લખાયું. સામા પક્ષે કાઉન્ટી ડિસ્ટ્રીક્ટ એટર્ની તરીકે હેન્રી વેડ હતા. સરવાળે, આખા અમેરિકામાં આ કેસ ‘રો વિરુદ્ધ વેડ કેસ’ તરીકે ખૂબ ગાજ્યો. આ કેસમાં મહિલા એટલે કે નોર્મા એટલે કે જેન રોની જીત તો થઈ, પણ ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં એટલું મોડું થઈ ગયેલું કે ગર્ભપાત થઈ શકે તેમ નહોતો. એટલે છેવટે જેન રોએ બાળકને જન્મ આપવો પડયો અને પછી એણે બાળક દત્તક પણ આપી દીધું. ખેર, આ કેસને કારણે આખા અમેરિકામાં ગર્ભપાત કાયદેસર બની ગયો.

‘ફ્રીકોનોમિક્સ’ના લેખકો લેવિટ અને ડબનરનું તારણ એવું છે કે ૧૯૭૦ના એ કેસ પછી ગર્ભપાત વધ્યા, જેના પરિણામે બે-અઢી દાયકા બાદ ગુનાખોરી ઘટી. આ આખી દલીલમાં જેન રો ‘અશ્વેત’ હતી એ બાબતને લેવિટ અને ડબનરે પોતાના પુસ્તકમાં અવગણી હતી. તેમ છતાં, ગર્ભપાત અને ગુનાખોરીના વચ્ચેના સંબંધની તેમની દલીલને અશ્વેતોની ગુનાખોરી સાથે સાંકળવામાં આવી અને આખા અમેરિકામાં (ઇવન વ્હાઈટ હાઉસમાં પણ) આ મુદ્દે હોબાળો મચ્યો. એ હોબાળા વિશે તથા સમાજના વિવિધ જૂથો વચ્ચેના ભેદભાવની આંટીઘૂંટીઓ વિશે વિગતે વાત કરીશું, આવતા લેખમાં. (ક્રમશઃ)