murder-in-rajkot-incident-caught-in-cctv
  • Home
  • Featured
  • રાજકોટમાં ધોળા દિવસે હત્યારાએ 60 સેકેન્ડમાં માર્યા છરીના 37 ઘા, ઘટના CCTVમાં કેદ

રાજકોટમાં ધોળા દિવસે હત્યારાએ 60 સેકેન્ડમાં માર્યા છરીના 37 ઘા, ઘટના CCTVમાં કેદ

 | 3:25 pm IST

રાજ્યમાં ક્રાઇમનો ગ્રાફ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક ઘટનાથી રાજ્યની સુરક્ષાના લીરેલીરા ઉડ્યા છે. રાજકોટમાં આ ઘટના સીએમના હોમ ટાઉનમાં થતા વધુ અહેવાલોમાં ચમકી છે. રાજકોટના વિનસ પાન નામે પેઢી ધરાવતા એક આધેડને શનિવારે બપોરે યુનિવર્સિટી રોડ પર રવિરત્નપાર્ક પાસે જાહેરમાં તેમના જ મિત્રે એક મિનિટમાં છરીના 37 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે આરોપી ફિરોઝને જામનગરથી ઝડપી લીધો હતો.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટના રવિરત્ન પાર્ક પાસે બની હતી. અહીં એક અજાણ્યા શખ્સ દ્વારા બાઇક અથડાવી રોક્યા બાદ હત્યારાએ હરેશ માધવજીભાઇ મકવાણા (ઉ.45) નામના વ્યક્તિ પર 60 સેકન્ડમાં 36 ઘા મારી ધોળા દિવસે ખુલ્લેઆમ રહેંશી નાખતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

આ ઘટનાની પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે બાઇક નંબર પરથી અજાણ્યા આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા કરનાર શખ્સ મૃતકનો ભૂતકાળનો ભાગીદાર હતો. જેણે ધંધાની હરિફાઇમાં હત્યાને અંજામ આપ્યો છે. પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.

હત્યારા પર કાળ કેટલી હદે સવાર હતો તે સીસીટીવી પરથી જોઇ શકાય છે. હત્યારાએ છરીના ઉપરા છાપરી એટલા ઘા માર્યા કે, તે વ્યક્તિના આંતરડા પણ બહાર આવી ગયા હતા અને રસ્તા પર લોહીના ખાબોચીયું ભરાઇ ગયું હતું. યુવકને બાદમાં લોકોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ હરેશભાઇનું મોત નીપજ્યું હતું. પોલીસે હાલ સીસીટીવીના આધારે હત્યારા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન