મુશર્રફે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, યુદ્ધ થશે તો આપણે હારી જઈશું - Sandesh
  • Home
  • World
  • મુશર્રફે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, યુદ્ધ થશે તો આપણે હારી જઈશું

મુશર્રફે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, યુદ્ધ થશે તો આપણે હારી જઈશું

 | 10:52 pm IST

 પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેનાધ્યક્ષ પરવેઝ મુશર્રફે એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો ઘણો છે. દરેક દેશનાં પોતાનાં હિત હોય છે. અત્યારે પાકિસ્તાન વિશ્વમાં એકલો પડી ગયો છે. તેનાથી દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે નબળો બને છે. સંયુક્ત રાષ્ટ્રમાં રાજકીય દબાણ સર્જીને નિર્ણયો લેવાતા હોય છે. પાકિસ્તાને કૂટનીતિ મજબૂત બનાવવી પડશે. ભારતે તેની કૂટનીતિનો ઉપયોગ કરી યુએનમાં બલૂચિસ્તાનનો ઉલ્લેખ કરાવી દીધો છે. પાકિસ્તાન વિરુદ્ધ ઠરાવો રજૂ થાય છે. તમે આંતરિક રીતે નબળા હો ત્યારે જ આવું બને છે, જો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાન હારી શકે છે.

ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર મુશર્રફે જણાવ્યું હતું કે, બંને દેશ પાસે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ક્ષમતા છે. રાતના અંધારામાં બંને સેના હુમલા કરી શકે છે, પરંતુ ભારત સમજી લે કે પાકિસ્તાન ભૂતાન નથી. અમારી પાસે શક્તિશાળી સેના છે. કોઈ એમ ન સમજે કે અમે ચૂપચાપ બેસી રહીશું.

મુશર્રફે આરોપ મૂક્યો હતો કે, ભારતમાં જાણી જોઈને પાકિસ્તાનવિરોધી વાતાવરણ સર્જવામાં આવ્યું છે. ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતમાં એક એવી લાગણી ઊભી કરાઇ છે કે પાકિસ્તાનને સજા કરો, પરંતુ તમે અમને સજા આપી શકતા નથી. ઊલટાની અમે તમને સજા આપીશું.

મુશર્રફે જણાવ્યું હતું કે, ભારત નાના દેશોને દબાવીને રાખે છે. નાના દેશો પર પોતાનો પ્રભાવ છાંટે છે. ભારતે જેવો સાર્ક સંમેલનમાં આવવાનો ઇનકાર કર્યો કે તરત ભૂતાન અને બાંગ્લાદેશે પણ ના પાડી દીધી. ભારત ઉરી જેવા નાના મુદ્દાને ચગાવી સ્થાનિક મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહ્યો છે.

આપણી પણ ઇજ્જત છે, પાક. કલાકારો ભારત ન જાયઃ મુશર્રફ
ભારતમાં પાકિસ્તાની કલાકારોના વિરોધ પર મુશર્રફે જણાવ્યું હતું કે, જો ભારત આપણો બહિષ્કાર કરે છે, આપણા કલાકારોને અટકાવે છે તો પાકિસ્તાની કલાકારોએ ભારત જવું જોઇએ નહીં. ભારતની સામે ઝૂકો નહીં. આપણી પણ એક ઇજ્જત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન