સંગીત-સૂરના સારસ્વત પંડિત ઓમકારનાથ - Sandesh
  • Home
  • Columnist
  • સંગીત-સૂરના સારસ્વત પંડિત ઓમકારનાથ

સંગીત-સૂરના સારસ્વત પંડિત ઓમકારનાથ

 | 4:16 am IST

સામયિક :- પ્રભાકર ખમાર

ગુજરાતનું ગૌરવ છે કે, અનેક વિશ્વવિખ્યાત વિભૂતિઓએ આ પાવનકારી ભૂમિમાં જન્મ લીધો છે. એમાંના એક સંગીત-સૂરના સારસ્વત સમ્રાટ પંડિત ઓમકારજી ઠાકુર છે. ભારતના ઉત્તમ કોટીના સંગીતકારોની શ્રેણીમાં પં. ઓમકારજીનું સ્થાન અદ્વિતીય છે.

ખેડા જિલ્લાના ભાદરણ નજીક આવેલ ઝાઝ ગામમાં ગરીબ પરિવારમાં પં. ઓમકારજીનો જન્મ ઈ. સ. ૧૮૯૭માં થયો હતો. પિતા ગૌરીશંકર પાસે વિદ્યા અને વૈરાગ્ય સિવાય કોઈ મિલકત નહોતી એટલે આજીવિકા અર્થે પગપાળા પ્રવાસ કરીને કુટુંબ ભરૂચ પહોંચ્યું, પરંતુ પિતા ગૌરીશંકરે ભરૂચ પહોંચીને સંસારનો ત્યાગ કર્યો, પરિણામે સંતાનોને ઉછેરવાની તમામ જવાબદારી માતા ઝવેરબાને માથે આવી પડી અને તે તેમણે પારકાં ઘરકામ કરીને ઉપાડી લીધી. ઓમકારજીએ માતાના આ પરિશ્રમમાં સહભાગીદાર બનવા ઘણી નાની ઉંમરે એક વકીલને ત્યાં રસોઇયાના સહાયક તરીકેની નોકરી સ્વીકારી લીધી.

આ વિકટ સંજોગોમાં પણ પંડિતજીએ સંગીતનો જે જન્મજાત શોખ હતો એ ન છોડયો. ઘણી વાર નદીકિનારે એક વૃક્ષ નીચે એકલા પોતાના મધુર કંઠ દ્વારા સંગીતની મજા માણતા હતા. એક વાર એમના મધુર કંઠથી આકર્ષાઈ રામલીલાના એક સંચાલકે તેમને માસિક આઠ રૂપિયાના પગારથી રોકી લીધા. આમ ભારતના એક મહાન સંગીતકારે તેમનાં સંગીતજીવનની શરૂઆત રામલીલાથી કરી હતી.

મન હોય તો માળવે જવાય એ કહેવત અનુસાર એમના મધુર કંઠથી પ્રભાવિત બનીને ભરૂચના એક પારસી સદ્ગૃહસ્થ શાપુરજીએ તેમને પંડિત વિષ્ણુ દિગંબરજી સ્થાપિત ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીતનું શિક્ષણ લેવા મોકલ્યા. અહીં રોજ નવ કલાક સંગીતની સાધના કરી પંડિતજીએ પોતાનો કંઠ સૂરીલો અને બુલંદ બનાવ્યો. ઓમકારજીએ સાત વર્ષ ત્યાં અભ્યાસ કરી સંગીત ક્ષેત્રે નિપુણતા પ્રાપ્ત કરી. એ પછી સમયની સરી જતી સરિતામાં પંડિતજી ભારતના મશહૂર સંગીતકારોમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી દેશભરમાં વિખ્યાત સંગીતજ્ઞા તરીકે નામાંકિત થયા, ત્યાર બાદ એમની પ્રવૃત્તિ ભારત પૂરતી મર્યાદિત રહી નહીં. બલકે વિદેશના અનેક દેશોમાં તેઓને ભારતીય સંગીતનો વિજયધ્વજ લહેરાવવાનું બહુમાન પ્રાપ્ત થયું.

પંડિતજીની સંગીતમય યાત્રામાં ઇંગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, હોલેન્ડ, અફઘાનિસ્તાન, ઈટાલી, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, અમેરિકા, હંગેરી, નોર્વે, સ્વિડન, કેન્યા વગેરેનો સમાવેશ થાય છે. પહેલી વિશ્વશાંતિ પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે વિવિધ રાગોમાં ગાયેલ ‘વંદે માતરમ્’ ગીત દ્વારા લાખોની જનમેદનીનાં હૈયાં હર્ષ પુલકિત બન્યાં હતાં.

સંગીત એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ અનેક સંશોધકોનાં મંતવ્ય-સંશોધન અનુસાર સંગીત અનેક રોગોની સારવાર માટે અસરકારક ઈલાજ છે. જેને સંગીતચિકિત્સા(મ્યુઝિક થેરપી) તરીકે ઓળખવામાં આવે છે. આનું અદ્ભુત ઉદાહરણ જર્મનીના સરમુખત્યાર મુસોલિનીનું છે.

મુસોલિનીની લેખિત આત્મકથામાં આવો પ્રસંગ નોંધાયો છે. ઈ. સ. ૧૯૩૩માં ઈટાલીમાં મુસોલિની અને પં. ઓમકારજી સાથે મળી ગયા. ભોજનસમારંભ ચાલી રહ્યો હતો. કોઈકે મુસોલિનીને ઓળખ આપી કે આ તમારી સામે ઊભા છે તે શાસ્ત્રીય સંગીતના સમ્રાટ ભારતના પંડિત ઓમકારનાથ ઠાકુર છે. મુસોલિનીને સંગીત પ્રત્યે બહુ આદર ન હતો છતાં એણે પંડિતજીને પોતાને ત્યાં સંગીત માટે આમંત્રણ આપ્યું. મુસોલિની એવું માનતો કે તેના પર સંગીતની કદી અસર થતી નથી. પં. ઓમકારજીએ વિવિધ રાગ દ્વારા સ્વર-સૂર-સંગીતની એવી આહ્લાદક રજૂઆત કરી કે મુસોલિની એમના સંગીત પર આફરીન થઈ ગયો. મુસોલિની ‘ઇન્સોમિયા’ રોગથી પીડાતો હતો. એણે પંડિતજીને વિનંતી કરી કે આ રોગથી મુક્ત થવા સંગીતમાં એવી કોઈ શક્તિ હોય તો મારો ઈલાજ કરો. એ પછી ઓમકારનાથજીએ કેટલાક દિવસ સુધી મુસોલિનીની ઉપસ્થિતિમાં સંગીતના એવા સૂર રેલાવવા માંડયા કે મુસોલિની એ રોગથી મુક્ત બન્યો હતો.

મહાત્મા ગાંધી પણ ઓમકારજીનાં સંગીતથી પ્રભાવિત હતા. કોલકાતામાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશનમાં ઓમકારનાથજીએ નીલાંબરી રાગમાં ‘વંદે માતરમ્’ ગીત રજૂ કર્યું. જે સાંભળી ગાંધીજીએ કહ્યું હતું, ”જે કામ મારાં અનેક ભાષણોથી થઈ શકતું નથી તે પંડિતજીનાં એક ગીતથી જ થઈ શકે છે.” કોલકાતામાં આ ગીત સાંભળીને ત્યાંના પત્રકારોએ છાપ્યું હતું કે જો ‘વંદે માતરમ્’ ગીતના રચયિતા બંકીમચંદ્ર હયાત હોત તો એ ગીતની આટલી ઉત્કૃષ્ટ રજૂઆતને કારણે તેઓ પંડિતજીને ભેટી પડત એવી ગીતના શબ્દ અને સંગીતની પ્રભાવિકતા એમાં પ્રગટ થઈ હતી.

ગરવી ગુજરાતના આ ગૌરવશાળી સંગીતકાર ઓમકારજીને ૧૨૧મા જન્મવર્ષે સ્મરણાંજલિ સાથે અમદાવાદની ‘સપ્તક’ સંસ્થાને દર વર્ષે સંગીત સમારોહનું આયોજન કરી સંગીતનું જીવંત રસપાન કરાવવા માટે ધન્યવાદ.