મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતના ૧/૩ હિસ્સા જેટલી મિલકતનું જ વીલ અને વસિયત દ્વારા ઉત્તરદાન કરી શકે છે - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતના ૧/૩ હિસ્સા જેટલી મિલકતનું જ વીલ અને વસિયત દ્વારા ઉત્તરદાન કરી શકે છે

મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતના ૧/૩ હિસ્સા જેટલી મિલકતનું જ વીલ અને વસિયત દ્વારા ઉત્તરદાન કરી શકે છે

 | 1:00 am IST

વીલ યાને વસિયતનામું વીલ કરનારના પોતાની મિલકત વિશેના ઇરાદા કે ઇચ્છા મુજબની જાહેરાત તરીકે ઓળખાવી શકાય. વીલ એ અંગ્રેજી શબ્દ છે જેનો ગુજરાતીમાં અર્થ થાય છે ‘ઇચ્છા’. કોઇ વ્યક્તિના મૃત્ય ુબાદ તેની પોતાની મિલકત કોને મળે અને તેની વ્યવસ્થા કઇ રીતે થાય તે માટેનો કોઇ લેખ યા દસ્તાવેજ કોઇ વ્યક્તિ બનાવે તો તે વીલ યા વસિયતનામું કહેવાય. વીલ અથવા વસિયત એ વ્યક્તિ તેના મરણ સમયે અથવા મરણ પછી અમલમાં લાવવા ધારેલ ચોક્કસ ઇરાદા-ઇચ્છાનું નિશ્ચિત રીતે કરેલ જાહેરાત છે, કાયદા મુજબ વારસ અથવા વહીવટકારની નિમણૂક કરવી તેને વસિયત કહેવાય. જો કોઇ વ્યક્તિ પોતાની હયાતી દરમિયાન વીલ યાને વસિયતનામું તૈયાર કરી ગયેલ ન હોય તો તેની મિલકત માટે વારસાઇ ધારો લાગુ પડે છે. વીલનો અમલ વીલ કરનાર વ્યક્તિ ગુજરી ગયા બાદ જ થઇ શકે છે. આમ વીલ એટલે કોઇ વ્યક્તિના મૃત્યુ બાદ વીલ કરનાર વ્યક્તિની ઇચ્છા મુજબ તેની પોતાની સ્વર્પાિજત સ્થાવર તથા જંગમ મિલકતોની વહેંચણી યા વ્યવસ્થા કરવા માટેનો કાયદેસરનો દસ્તાવેજ કે લેખ. વીલની નોંધણી ફરજિયાત નથી યાને વીલ સાદા કાગળ ઉપર પણ લખી શકાય છે. આમ છતાં કોઇએ વીલને રજિસ્ટર્ડ કરાવવું હોય તો તે સબ-રજિસ્ટ્રાર સમક્ષ કરાવી શકે છે. વીલ રજિસ્ટર્ડ કરાવવા માટે કોઇ સ્ટેમ્પ વાપરવાની જરૂર નથી. વીલ યાને વસિયતનામા પર બે પુખ્ત વયની વ્યક્તિઓની સાક્ષી તરીકે સહીઓ હોવી જોઇએ. વીલ-વસિયતનામા દસ્તાવેજ પર વસિયત કરનારે જાતે સહી કરી હોવી જોઇએ. જો વસિયતકર્તા સહી કરવા સક્ષમ ન હોય તો તેના અંગૂઠાના નિશાન હોવું જોઇએ. વીલના સાક્ષીઓએ વસિયત કરનારને વસિયતનામા પર સહી કરતા જાયેલા હોવા જોઇએ. વીલના સાક્ષીઓએ વસિયતકર્તાની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ. હાલના સંજોગોમાં વીલ યાને વસિયતનામાના દસ્તાવેજના દરેક પાના પર સહી હોઇ એ સલાહભર્યું છે. વીલમાં જે સાક્ષીઓની સહી લેવામાં આવે તે વસિયતકર્તાથી નાની ઉંમરના હોય તે હિતાવહ છે. વીલ ગમે તેટલી વખત બનાવી અથવા બદલી શકાય છે.

દરેક સમાજ, ધર્મ અને પ્રાંતના લોકો માટે દરેકના પર્સનલ લો લાગુ પડતા હોય છે. તે મુજબ મુસ્લિમ વ્યક્તિના મિલકતો માટે મુસ્લિમ પર્સનલ લો લાગુ પડે છે અને મુસ્લિમ પર્સનલ લો મુજબ દરેક મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતમાંથી માત્ર ૧/૩ ભાગ જેટલી મિલકતનું જ વીલ/વ્યવસ્થા કરી શકે છે યાને દરેક મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતમાંથી ૧/૩ વધુ મિલકતોનું વીલ કરી શકે નહીં. આમ, મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતમાંથી ૨/૩ મિલકતમાં પોતાના કાયદેસરના વારસને બાકાત કરી શકે નહીં. મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતના ૧/૩ હિસ્સા જેટલી મિલકતનું જ વીલ/વસિયત દ્વારા ઉત્તરદાન કરી શકે છે. જો મુસ્લિમ વ્યક્તિ વીલ દ્વારા ૧/૩ હિસ્સા કરતાં વધારે મિલકતનું ઉત્તરદાન કરે તો તે અંગે બેનિફિશયરી સિવાયના અન્ય વારસોની સંમતિ મેળવવી જરૂરી છે. ૧/૩ હિસ્સા કરતાં વધારે મિલકતના ઉત્તરદાનના કેસમાં અન્ય વારસદારોની સંમતિની ગેરહાજરીમાં બેનિફિશયરીને કાયદેસર મળવાપાત્ર ૧/૩ હિસ્સાનું વીલ પણ બિનઅસરકારક ઠરે છે.

આ મુજબનો સિદ્ધાંત નામદાર મધ્ય પ્રદેશ હાઇકોર્ટ દ્વારા કલ્લોબાઇ હબીબખાનની વિધવા અને બીજા વિ. બાબુખાન, મુનાવરખાન અને બીજા, સેકન્ડ અપીલ નં. ૩૭/૧૯૯૪ના કામે તા. ૦૬-૦૪-૨૦૦૯ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

આ કેસમાં એપેલન્ટોએ મુનાવરખાનના હિસ્સાવાળી મિલકત અંગે તેઓએ કરેલ રજિસ્ટર્ડ વીલ આધારે માલિક બનેલ હોવાનું ઠરાવવા જાહેરાતનો દાવો કરેલો. જે દાવાના કામે ટ્રાયલ કોર્ટે તા. ૧૧-૦૩-૧૯૯૧ના રોજ હુકમ કરી વીલ સાબિત થયેલાનું માનેલ પરંતુ સામાવાળાઓની યાને વીલના કરનારના અન્ય વારસદારોની સંમતિ ન હોવાથી વીલનો અમલ થઇ ન શકે તેવું ઠરાવેલ, જે હુકમ થયેલ અપીલના કામે પણ લોઅર એપેલેટ કોર્ટે ઠરાવેલ કે, મુસ્લિમ લો મુજબ પુત્રી કરતા પુત્ર સંતાન બમણો ભાગ મેળવવા હક્કદાર હોવાનું ઠરાવેલ. જેથી નામદાર હાઈકોર્ટ સમક્ષ હાલનો આ કેસ ઉપસ્થિત થયેલ. આથી આ કેસમાં ઠરાવવામાં આવ્યું હતું કે, ‘મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ અસક્યામતોના ૧/૩ હિસ્સા જેટલી મિલકતનું જ વીલ/વસિયત દ્વારા ઉત્તરદાન કરી શકે છે. તેમ છતાં જો મુસ્લિમ વ્યક્તિ વીલ દ્વારા ૧/૩ હિસ્સા કરતા વધારે મિલકતનું ઉત્તરદાન કરે તો તે અંગે બેનિફિશયરી સિવાયના અન્ય વારસોની સંમતિ મેળવવી જરૂરી છે. ૧/૩ હિસ્સા કરતા વધારે મિલકતના ઉત્તરદાનના કેસમાં અન્ય વારસદારોની સંમતિની ગેરહાજરીમાં બેનિફિશયરીને કાયદેસર મળવાપાત્ર ૧/૩ હિસ્સાનું વીલ પણ બિનઅસરકારક ઠરે છે.

આથી નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટે હાલની અપીલ ડિસમિસ કરેલ અને મુનાવર દ્વારા એપેલેન્ટની તરફેણમાં ૧/૩ કરતા વધુ હિસ્સા માટે કરેલ વીલ બીનઅસરકારક જાહેર કરેલ.

ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે, દરેક સમાજ, ધર્મ અને પ્રાંતના લોકો માટે દરેકના પર્સનલ લો લાગુ પડતા હોય છે. તે મુજબ મુસ્લિમ વ્યક્તિના મિલકતો માટે મુસ્લિમ પર્સનલ લો લાગુ પડે છે અને મુસ્લિમ પર્સનલ લો મુજબ દરેક મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતમાંથી માત્ર ૧/૩ ભાગ જેટલી મિલકતનું જ વીલ/ વ્યવસ્થા કરી શકે છે યાને દરેક મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતમાંથી ૧/૩ વધુ મિલકતોનું વીલ કરી શકે નહીં. આમ, મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતમાંથી ૨/૩ મિલકતમાં પોતાના કાયદેસરના વારસને બાકાત કરી શકે નહીં. મુસ્લિમ વ્યક્તિ પોતાની કુલ મિલકતના ૧/૩ હિસ્સા જેટલી મિલકતનું જ વીલ/વસિયત દ્વારા ઉત્તરદાન કરી શકે છે. જો મુસ્લિમ વ્યક્તિ વીલ દ્વારા ૧/૩ હિસ્સા કરતા વધારે મિલકતનું ઉત્તરદાન કરે તો તે અંગે બેનિફિશયરી સિવાયના અન્ય વારસોની સંમતિ મેળવવી જરૂરી છે. ૧/૩ હિસ્સા કરતા વધારે મિલકતના ઉત્તરદાનના કેસમાં અન્ય વારસદારોની સંમતિની ગેરહાજરીમાં બેનિફિશયરીને કાયદેસર મળવાપાત્ર ૧/૩ હિસ્સાનું વીલ પણ બિનઅસરકારક ઠરે છે.