મુઝફ્ફરપુર બાલિકા કાંડઃ માલિક બ્રજેશ ઠાકુર સહિત ૧૯ આરોપીઓ દોષી, ૨૮મીએ સજા - Sandesh
  • Home
  • India
  • મુઝફ્ફરપુર બાલિકા કાંડઃ માલિક બ્રજેશ ઠાકુર સહિત ૧૯ આરોપીઓ દોષી, ૨૮મીએ સજા

મુઝફ્ફરપુર બાલિકા કાંડઃ માલિક બ્રજેશ ઠાકુર સહિત ૧૯ આરોપીઓ દોષી, ૨૮મીએ સજા

 | 2:44 am IST

। નવી દિલ્હી ।

બિહારના ચકચારી મુઝફ્ફરપુર બાલિકાગૃહ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે બાલિકાગૃહના માલિક બ્રજેશ ઠાકુર સહિત ૧૯ આરોપીઓને દોષી ઠેરવ્યા છે. કોર્ટે ૨૮ જાન્યુઆરીએ તમામ દોષીઓ માટે સજાની જાહેરાત કરશે. સાકેત કોર્ટે એક આરોપી મોહમ્મદ ઊર્ફ વિક્કીને પુરાવાના અભાવમાં નિર્દોષ છોડી મૂક્યો છે. સીબીઆઈએ આ કેસમાં કુલ ૨૦ લોકોને આરોપી બનાવ્યા હતા. તમામ આરોપીઓને બાલિકાગૃહમાં રહેનાર બાળકી અને કિશોરીઓનાં યૌનશોષણ કરવા બદલ દોષી ઠેરવાયા છે. સાકેત કોર્ટના જજ સૌરભ કુલશ્રેષ્ઠે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સહિત ૧૯ લોકોને ૧,૦૪૫ પાનાના તેના આદેશમાં દોષી ઠેરવ્યા છે. દોષીઓમાં કેટલીક મહિલાઓ પણ સામેલ છે જેમની પર બાલિકાગૃહની છોકરીઓ સાથે થયેલા દુષ્કર્મને છુપાવવાનો આરોપ છે. આ તમામ મહિલાઓ બાળકીઓનો અવાજ દબાવવા માટે તેમને જાતજાતની યાતના આપતી હતી. બાલિકાગૃહમાં તૈનાત કૂકથી માંડીને ગેટકીપર સુધીના લોકો પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. સુનાવણી દરમિયાન પીડિત કિશોરીઓની જુબાની નોંધવામાં આવી હતી. કેટલીક કિશોરીઓએ આરોપીઓને જોઈને તેમને ઓળખી પણ લીધા હતા.

૩૪ કિશોરીઓ સાથે યૌનશોષણ થયું હતું

CBIએ આ કેસમાં બાલિકાગૃહના માલિક બ્રજેશ ઠાકુરને મુખ્ય આરોપી બનાવ્યો છે હતો. બાલિકાગૃહમાં ૩૪ કિશોરીઓ સાથે યૌન ઉત્પીડન થયું હતું. મેડિકલ ટેસ્ટમાં પણ આ કિશોરીઓનાં યૌનશોષણની પુષ્ટિ થઈ હતી. સુનાવણી દરમિયાન પીડિતાઓએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તેમને નશીલી દવાઓ આપીને ઊંઘાડી દેવામાં આવતી હતી અને પછી યૌનશોષણ કરવામાં આવતું હતું.

સામાજિક કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ સામેલ

બાલિકાગૃહમાં સામાજિક કલ્યાણ વિભાગના ઘણા અધિકારીઓ સામેલ હતા. તમામ આરોપીઓ ભેગા મળીને કિશોરીઓ સાથે હેવાનિયત આચરતા હતા. ૨૦૧૮ની સાલમાં તાતા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સના રિપોર્ટમાં આ આખો કાંડ બહાર આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન