મારા ભાઇના વિવાહયોગ ક્યારે છે? - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS

મારા ભાઇના વિવાહયોગ ક્યારે છે?

 | 4:38 am IST

પ્રશ્ન : મારો ભાઈ હજુ સુધી અપરણિત છે. તેનો વિવાહયોગ ક્યારે છે? લગ્ન ક્યારે થશે? જન્મ તારીખ ૧૭ માર્ચ-૧૯૮૫, સમયઃ સવારે ૧૦-૩૧ છે. પિતૃદોષ-કાલસર્પ દોષ- ગ્રહણદોષની ધાર્મિક વિધિઓ કરાવી છે. આપનું માર્ગદર્શન અત્યારે આપવા વિનંતી.

– અંકિતા ખમાર

જવાબ : ચિ.અંકિતાબેન, આપના ભાઈની જન્મ તારીખ ૧૭-માર્ચ-૧૯૮૫ ની તમામ વિગતો અને ગણિતને આધારે જણાય છે કે જન્મકુંડળીમાં વૃષભ લગ્ન, બારમા સ્થાને રાહુ-મંગળની યુતિ છે. સાતમે વૃશ્ચિકનો શનિ છે. ચંદ્ર ગુરુ ભાગ્ય સ્થાને મકર રાશિમાં છે. લગ્ન વિલંબના યોગ છે. આગામી એપ્રિલથી ઓક્ટોબર-૨૦૧૮ દરમિયાન પાત્ર પસંદગી- સગપણ માટે પ્રબળ યોગ બને છે. મોસાળ પક્ષના સહયોગથી (મામા-માસીના પ્રયત્નોથી) આ કાર્યમાં સફળતા મળવાના યોગ છે. ચૈત્ર વદ એકાદશીનો જન્મ છે તથા શ્રવણ નક્ષત્ર છે. તેથી દર મહિને શ્રવણ નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે ઈષ્ટદેવની ભક્તિ વિશેષ કરવી. સોમવારે, ગુરુવારે, રવિવારે પ્રયત્નો વિશેષ કરવા.

દર રોજ રાત્રે શક્ય હોય ત્યાં સુધી ચંદ્રના દર્શન કરવા. સુદ બીજથી વદ ચોથ-પાંચમ સુધી રાત્રે અને વદ પાંચમથી વદ ચૌદશ દરમિયાન વહેલી સવારે ચંદ્રના દર્શન સારી રીતે થઈ શકે છે.

દર બુધવારે વિષ્ણુ સહસ્ત્રના નામાવલિનો પાઠ કરવો.

દરરોજ તુલસીક્યારે સવારે દર્શન કરીને લક્ષ્મીનારાયણનું સ્મરણ કરવું.

પ્રશ્ન : મારું નામ આશિષ છે. જન્મ તારીખ-૭ એપ્રિલ-૧૯૮૯ જન્મ સમય દિવસે ૧૧-૪૫. જન્મ સ્થળ- આબુ રોડ (રાજસ્થાન) છે. મે-૨૦૧૨માં ડિગ્રી મિકેનિકલ એન્જી.નો અભ્યાસ કર્યો છે. એક જોબ મળી તે છૂટી ગઈ છે. સરકારી નોકરી માટે પ્રયત્નો ચાલુ છે. ઘણાં પ્રયત્નો છતાં એક-બે માર્ક માટે રહી જવાય છે. કુંડળીમાં દોષ હોય તો વિસ્તારથી જણાવવા વિનંતી.

– આશિષ

જવાબ : આપની જન્મ તારીખ મુજબ ચૈત્ર સુદ બીજને શુક્રવારે, અશ્વિની નક્ષત્ર તથા મેષ રાશિમાં જન્મ છે. જન્મકુંડળીમાં સાતમે શનિ છે તથા ભાગ્યસ્થાને રાહુ છે. તેથી વ્હાઈટ કોલર જોબ મળવાની શક્યતા ઓછી છે. ખાનગી ક્ષેત્રમાં ઔધોગિક બાબતો. યંત્ર-મશીનરી સાથે લેવાદેવી છે. તેથી તે બાબતે કંઈ પૂર્વગ્રહ રાખ્યા વિના નોકરી સ્વીકારશો.

આગામી માર્ચથી ઓગષ્ટ-૨૦૧૮ સુધીમાં સારો સમય છે. ધીમેધીમે પરંતુ મક્કમ રીતે પ્રગતિ થવાનો યોગ છે. જન્મકુંડળીમાં મીનનો સૂર્ય છે. તેથી સરકારી નોકરી માટે જિંદગીનો કિંમતી સમય વેડફી દેવો ઉચિત નથી. જન્મસ્થળથી દક્ષિણ દિશામાં- દરિયા કિનારે ભાગ્યોદય-પ્રગતિ સૂચક યોગ જણાય છે. તેથી અંકલેશ્વર-સુરત-ભરૂચ-વાપી-વલસાડ વગેરે સ્થળે જી.આઈ.ડી.સી માં કે ઔધોગિક એકમોમાં પ્રયત્ન કરીને વહેલી તકે પગભર થઈ શકો તેમ છો.

દર મંગળવારે ગણપતિ કે કુળદેવી માતાજીની ભક્તિ વિશેષ કરવી.

દર રવિવારે સૂર્યનારાયણની ભક્તિ વિશેષ કરવી.

ઔધોગિકક્ષેત્રને લગતાં અખબાર-રોજગાર સમાચારનો અભ્યાસ કરવાની સલાહ છે.

સારું સૂર્યનો નંગ ( માણેક) વિધિપૂર્વક ધારણ કરી શકાય.

પ્રશ્ન : મારી જન્મ તારીખ ૧-૫-૧૯૯૬ છે. મંે. બી.એ. કર્યું છે. મને નોકરી ક્યારે અને કયા ક્ષેત્રમાં મળશે તે જણાવવા વિનંતી.

– એક યુવકા

જવાબ : આપની જન્મ તારીખ ૧-૫-૧૯૯૬ મુજબ સંવત ૨૦૫૨-વૈશાખ સુદ તેરસને બુધવાર તથા કન્યા રાશિ છે. હાલમાં ગોચર ગ્રહોને ધ્યાનમાં લઈએ તો એકાઉન્ટ-હિસાબ કિતાબ કે પત્રવ્યવહાર હોય તેવી ખાનગી ક્ષેત્રની નોકરીમાં અનુકૂળતા જણાય છે. ફેબ્રુઆરીથી મે-૨૦૧૮ દરમિયાન પિતરાઈ ભાઈ બહેનના સરકારથી રહેઠાણની નજીકના વિસ્તારમાં નોકરી શોધી શકો તેમ છો. શરૂઆતમાં નાની-ઓછા પગારની નોકરી મળે. ધીમેધીમે પ્રગતિ થશે. ફાર્મસી-ઉદ્યોગ ક્ષેત્રે કલેરીકલ નોકરી મેળવવા પ્રયત્ન કરો. વાંચન વધારીને વર્તમાન પ્રવાહોથી સતત વાકેફ રહો તે જરૂરી છે.

દરરોજ સૂર્યોદય સમયે સૂર્યના દર્શન કરવા. સૂર્યનારાયણને જળ ચઢાવવું.

દરરોજ સૂર્યોદય સમયે તુલસી કયારે દર્શન કરવા અને ત્રણ તુલસી પત્ર ઈષ્ટદેવનું સ્મરણ કરીને આરોગવાની સલાહ છે.

જન્મ દિવસે ગુરુ સ્વગૃહી શુભ સ્થિતિમાં છે. સૂર્ય ઉચ્ચનો છે તેથી તમારા જૂના શિક્ષકો-અધ્યાપકો સાથે સંપર્ક વધારવાથી આજીવિકા સંબંધી શુભ સમાચાર મળે. સહયોગ જરૂરથી મળશે.

પ્રશ્ન : મારી જન્મ તારીખ ૧-૧૧-૧૯૯૪ જન્મ સમય- સવારે ૯-૫૬ સ્થળ- જામનગર. મારા લગ્ન ક્યારે થશે? લગ્નજીવન કેવું રહેશે?

– એક વાચક

જવાબ : આપના જન્મ સમયની વિગતોને આધારે જણાય છે કે કારતક વદ-૧૩ ને મંગળવારે જન્મ છે. જન્મનક્ષત્ર હસ્ત છે. કન્યા રાશિ ઉપર નામ સાચું છે. વૈધૃતિ યોગમાં જન્મ છે. જન્મકુંડળીમાં બારમા સ્થાને નીચ રાશિમાં તુલાનો સૂર્ય છે. સૂર્ય રાહુ સાથે છે. મંગળ દોષ નથી. શનિદોષ હળવો જણાય છે. તેથી પાત્ર પસંદગી બાબતે ઉતાવળ કરવાની સલાહ નથી. મોસાળપક્ષના પ્રયત્નોથી કામ સરળ બને તેમ જણાય છે. ઓગષ્ટ-૨૦૧૮ થી ઓગષ્ટ-૨૦૧૯ દરમિયાન લગ્નયોગ પ્રબળ જણાય છે. મંગળવારે તથા શનિવારે આ અંગે પ્રયત્નો કરવા નહીં. અવરોધ-વિલંબ સૂચવે છે.

દરરોજ સવારે સૂર્યનારાયણના દર્શન કરવા,.આદિત્ય હૃદયનો પાઠ કરવો.

દર રવિવારે કુળદેવી માતાજીની ભક્તિ વિશેષ કરવી.

દર માસની શિવરાત્રિના દિવસે શિવાલયના દર્શન કરી રૂદ્રાભિષેક પૂજન કરાવવાની સલાહ છે.

પ્રશ્ન : મારો પુત્ર પ્રિયંક અભ્યાસમાં કેવી પ્રગતિ કરશે? સ્વભાવે જીદ બહુ કરે છે. જન્મ તારીખ ૨૭-૧૨-૨૦૧૩- સમય-પરોઢિયે ૫-૨૫.

– યોગેશભાઈ પરમાર

જવાબ : પ્રિયંકભાઈની જન્મ તારીખ ૨૭-૧૨-૨૦૧૩ની જન્મકુંડળીનો અભ્યાસ કરતા જન્મ સમયે પોષ વદ નવમી તિથિ અને ચિત્રા નક્ષત્ર છે. કન્યા રાશિ ઉપર સાચું નામ છે. જન્મકુંડળીના વ્યવસ્થાને શનિ-રાહુની યુતિ છે. તેથી સ્વભાવમાં જીદનું પ્રમાણ હોય તે સ્વાભાવિક છે. હકારાત્મક વલણ રહે તેવું વાંચન સાહિત્ય તથા રચનાત્મક ગેઈમના સાધનોનો વપરાશ ઘરમાં વધારવો. જેથી પોઝિટિવ વલણ કેળવાશે. અભ્યાસમાં પણ આ બાબતને લીધે સારી પ્રગતિ થાય તેમ છે.

દર ગુરુવારે સરસ્વતિની પ્રાર્થના કરવી.

દર રવિવારે ભોજનમાં ખીરનો ઉપયોગ કરવો. ઉપવાસ જરૂરી નથી.

સારું ચંદ્રનું નંગ (સોમ) ચાંદીની વીંટીમાં કે પેન્ડલમાં ધારણ કરવું.