મારો પ્રિય મિત્ર - Sandesh

મારો પ્રિય મિત્ર

 | 12:04 am IST

મારી કલ્પના ૪૦૭

મારું નામ શાન છે. આજે હું વાત કરીશ મારા પરમ મિત્રની. દરેકને એક પાક્કો મિત્ર હોય જ છે તેમ મારો પણ એક પાક્કો મિત્ર છે. તેનું નામ દિવ્યેશ છે. અમે બંને નાનપણથી એકબીજા સાથે રહ્યા છીએ અને અત્યારે પણ પાકા મિત્રો છીએ. અમે બંને ઘણીવાર એકબીજા સાથે ઝઘડીએ પણ ક્યારેય એકબીજા સાથે મિત્રતા ન તોડીએ. બંને એક સાથે હસીએ, કૂદીએ અને ખૂબ જ ધમાલ કરીએ. અરે ઘણીવાર તો હું શાળાનું ગૃહકાર્ય પણ તેના ઘરે કરવા જતો રહેતો. ત્યાં હું અને દિવ્યેશ ગૃહકાર્ય પતાવીને ધમાલ મસ્તી કરીએ. ઘણી વખત તો હું તેના ઘરે જમી પણ લેતો. અમે બંને એક જ શાળામાં ભણતા હતા, શાળાની રિસેસમાં નાસ્તો કર્યા પછી દોડપકડ વગેરે રમતો રમીએ અને શાળાએથી ઘરે આવ્યા પછી હાથ-પગ ધોઈ નાસ્તો કરી રમવા જઈએ. ક્રિકેટ તો અમારા બંનેની મનગમતી રમત હતી, રોજ મેદાનમાં જઈ ક્રિકેટ રમતા હતા. હું અને દિવ્યેશ એક જ ફ્લેટમાં રહેતાં હતાં. મારા ઘરની બાજુમાં તેનું ઘર હતું જેથી અમે એકબીજાના ઘરે જઈ ધમાલ મસ્તી કરી શક્તા. મારા પપ્પા અને દિવ્યેશના પપ્પા એક જ જગ્યાએ સરકારી નોકરી કરતા હતા. આથી અવારનવાર દિવ્યેશના પપ્પાની તેમજ અમારી બદલી થતી રહેતી હતી. રોજ સાથે રમતા અને ભણતા દિવસો પસાર થતાં હતા અને તેવામાં એ દિવસ પણ આવી ગયો અને દિવ્યેશના પપ્પાની બદલી બીજા શહેરમાં થઈ ગઈ અને અમે બંને છૂટા થઈ ગયા. અમારી જેમ અમારા માતા-પિતાની પણ એટલીજ સારી મિત્રતા હતી. જેના કારણે રજા ના દિવસે કે કોઈ પ્રસંગ હોય ત્યારે અવારનવાર દિવ્યેશના ઘરે તેને મળવા જવાનું થતું રહેતું હતું. ભલે અમે છૂટાં પડી ગયા હોય, પણ જ્યારે મળીએ ત્યારે પહેલાંની જેમ ખૂબ જ ધમાલ મસ્તી કરીએ.

આમ પાક્કો મિત્ર આપણાથી ગમે તેટલો દૂર રહેતો હોય પણ તેને ભૂલવો જોઈએ નહીં. હંમેશાં તેને યાદ રાખવો જોઈએ કારણ કે જીવનમાં એક પાક્કો મિત્ર હોવો જરૂરી છે. પરંતુ જો તમારો કોઈ મિત્ર કુટેવો ધરાવતો હોય અથવા દુર્ગુણો ધરાવતો હોય તો તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અથવા તેનાથી દૂર રહેવું જોઈએ. જો કે મારો મિત્ર દિવ્યેશ વિનયી અને સંસ્કારી હતો. આમ, શ્રેષ્ઠ મિત્ર તરીકેની તમામ લાયકાતો ધરાવતો હોવાથી હું તેને ક્યારેય ભૂલી શકીશ નહીં.

[email protected]