મારો પ્રિય વિષય - Sandesh

મારો પ્રિય વિષય

 | 12:04 am IST

મારી કલ્પના : ૪૦૬

રામપુર ગામમાં એક સરસ મજાની શાળા હતી. શાળામાં વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદ ઉત્સાહથી ભણતા હતા. અને એમાં જો રમત-ગમત કે કોઈ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિ હોય તો વાત જ કંઈ અનેરી હોય છે. દરેક વર્ગમાં બાળકો આનંદ સાથે મસ્તી પણ કરે. તેમાં જેનિસ નામનો એક વિદ્યાર્થી હતો. ભણવામાં તે ખૂબ હોશિયાર અને મહેનતુ. તેને નવું નવું શિખવું ખૂબ ગમે. એક વખત શિક્ષકે વર્ગમાં પ્રવેશતાં જ કહ્યું આજે આપણે કંઈક નવું કરીએ બાળકો આતુરતાથી સાંભળવા લાગ્યા. શિક્ષકે કહ્યું આજે તમારે તમારા વિચારો રજૂ કરવાના છે અને તેનો વિષય આ પ્રમાણે છે, મારી વહાલી મા અને મને ગમતો વિષય. જે વિદ્યાર્થી પોતાના મૌલિક વિચારો રજૂ કરશે તે બેસ્ટ સ્ટુડન્ડ ગણાશે અને તેને પુરસ્કાર મળશે. ત્યારે જેનિસની તો ખુશીનો પાર ન રહ્યો. તે ઊભો થયો અને તેણે કહ્યું ટીચર હું તો મારા પ્રિય વિષય વિશે સરસ મજાનું લખીશ.

જેનિસે તો શરૂ કર્યું લખવાનું, મારી શાળામાં અનેક વિષયો ભણાવવામાં આવે છે. જેમાં ભાષા, હિન્દી, પર્યાવરણ, ડ્રોંઈગ, પરંતુ આ બધા વિષયોમાં મારો પ્રિય વિષય ગણિત છે. ગણિત વિષય મને ખૂબ જ ગમે અને ગણિતમાં રસ પડવાથી વિદ્યાર્થી જાતે જ દાખલા ગણતો થઈ જાય છે. બીજા વિષયોની જેમ ગણિતમાં કાના માત્ર કે જોડાક્ષર અઘરા શબ્દોની માથાકૂટ હોતી નથી. ગણિત વિષયનો પાયો ઘડિયા અને અંકો દ્વારા રચાય છે. જેનું અંક જ્ઞાન અને ઘડિયા સારા તેનું ગણિત સારું ગણિત એક એવો વિષય છે, જેમાં વિદ્યાર્થી સોમાંથી સો માર્કસ મેળવી શકે છે. મારી તો સવારની શરૂઆત જ ગણિતથી થાય છે. રોજિંદા વ્યવહારમાં પણ ગણિત ખૂબ ઉપયોગી છે. કોઈપણ નાનો સરખો ધંધો ચાલુ કરવો હોય અથવા ઘર ચલાવવું હોય સામાન્ય ગણતરી તો આવડવી જ જોઈએ.

ગણિતના તાસમાં હું તો સૌથી વધુ એકગ્રતા અને રસ દાખવીને વિષયનો આનંદ માણતો હોવ છું. જીવનની દરેક પળે ડગલે ને પગલે ગણિતનું જ્ઞાન જરૂરી છે. વિવિધ રમતો દ્વારા પણ ગણિત શીખી શકાય છે, જેથી ગણિત ભણવું સરળ લાગે છે. જેમાં ગોખણપટ્ટીને કોઈ સ્થાન નથી. આમ, ગણિત જીવનનો એક ભાગ છે, ગણતરી વિના કોઈપણ કામ આગળ વધતું નથી. માટે જ સામાન્ય ગણતરી પણ શીખવી જરૂરી છે. ગણતરીની આ દુનિયામાં આપણું આખું જીવન વણાયેલું છે. શિક્ષક ખુશ ખુશ થઈ ગયા તેમણે જેનિસને શાબાશી આપી અને તેને એક પેન પુરસ્કારરૂપે આપી.

[email protected]