મારી ફ્રેન્ડના પપ્પાએ શરીરે સ્પર્શ કરતાં જ હું પીગળી ગઈ - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મારી ફ્રેન્ડના પપ્પાએ શરીરે સ્પર્શ કરતાં જ હું પીગળી ગઈ

મારી ફ્રેન્ડના પપ્પાએ શરીરે સ્પર્શ કરતાં જ હું પીગળી ગઈ

 | 12:13 am IST

યૌવનની સમસ્યા :- સોક્રેટિસ

સોક્રેટિસજી, 

મારે તમારી સલાહ લેવી છે. તમે તમારી યૌવનની સમસ્યા કોલમમાં ઘણું માર્ગદર્શન આપો છો એની મને જાણ છે. તમારી કોલમ હું નિયમિત વાંચું છું એટલે તમને મારી દ્વિધા જણાવવા હિંમત કરી છે…. હું હાલમાં કોલેજમાં ટી.વાય.માં ભણું છું. મારું ફ્રેન્ડ સર્કલ ખૂબ મોટું છે. મારો પરિવાર સુખી સમૃદ્ધ છે. મને બીજી કોઈ સમસ્યા નથી, પરંતુ મને મારી ફ્રેન્ડના પપ્પા ખૂબ ગમે છે…! તેઓ અમને ખૂબ લાડ લડાવે છે. સાથે હરવા ફરવા લઈ જાય, ગિફ્ટ્સ આપે, પિક્ચર જોવા જઇએ, હોટલમાં જમવા જઈએ…! એમનો નેચર એટલો બધો સારો છે કે વાત ના પૂછો ! એ મને ઘણી વાર હગ કરે છે ત્યારે મને એટલો બધો આનંદ આવે છે કે તેનું વર્ણન થઈ શકે એમ નથી. હું પોતે જ એમને ટચ કરવા પ્રયાસ કરું છું. હું મારી જાતને રોકી શકતી નથી. હમણાં થોડા સમય પહેલાં સૌ સાથે પિક્ચર જોવા ગયા હતા ત્યારે તેમની નજીક જ બેઠી હતી. તેમણે મારો હાથ હાથમાં લેતાં ખૂબ ગમતા મેં તેમનો હાથ દબાવી દીધો… એટલે તેણે મારા શરીર પર હાથ ફેરવવા માંડયો! મેં પણ એવું બધું કર્યું ! પરંતુ પછી હું ડરી ગઈ અને મારી ફ્રેન્ડના ઘરે જવાનું જ બંધ કરી દીધું છે. એટલે મને ફોન કરીને, મીઠી મીઠી વાતો કરીને મળવા બોલાવે છે.! મારા વિના નથી ગમતું, એમ કહે છે.! મનેય તેમને મળવાનું બહુ જ મન છે, પણ મારાથી કંઈ ખોટું થઈ જશે એનો મને ડર છે. આમ તો મનેય ઇચ્છા થાય છે…. શું કરું ? તેમને મળું કે નહીં ?

લવલી…!

તારા નામ પ્રમાણે જ તું લવલી હશે એટલે જ તારા જેવડી ડોટરનો ફાધર તારી પાછળ લટ્ટુ બની ગયો છે. ડોટરની ફ્રેન્ડ્સ સાથે શારીરિક સંબંધોના અને કિસ્સા બનતા રહે છે. કેટલાકમાં તો ફરિયાદો પણ થાય છે. સંતાનો હોવા છતાં ઘણા પુરુષો અન્ય સ્ત્રીપાત્રો સાથે આવો સંબંધ બાંધી હવસનો ખેલ ખેલતા રહેતા હોય છે. એમાંય તારી જેવી ભોળી અને કુંવારી મળી જાય તો ફસાવવા અનેક તરકીબો કરતા હોય છે. તારી ફ્રેન્ડના પપ્પા સાથેના સંબંધમાં સેક્સ સિવાય કશું જ નથી. તું હજી કાચી વયની છે. તને પુરુષનું આકર્ષણ થવું સ્વાભાવિક છે. તેના સ્પર્શ માત્રથી તને રોમાંચ થાય જ…! અને એમાંય પરણેલા પુરુષો તો કુંવારીને વશ કરવામાં પાવરધા હોય છે. તમારી ફ્રેન્ડનો પિતા તારી સાથે શરૂઆતમાં તો ખૂબ સહજ રીતે જ વર્ત્યો છે. એની ડોટરની તું ફ્રેન્ડ હોવાથી એ તારી સાથે એવો વ્યવહાર કરતો રહ્યો કે તેને મન તો તું તેની ડોટર જેવી જ છે. એટલે એ તને તેની સાથે હરવા-ફરવા, હોટલમાં, પિક્ચર જોવા લઈ જતો હતો.

કદાચ એવું ય બને કે એના મનમાંય તારો ગેરલાભ ઉઠાવવાનો ઇરાદો ના હોય! પરંતુ સંજોગો એવા સર્જાય કે તેને ચાન્સ મળી ગયો. સૌ પ્રથમ વાત તો એ છે કે એ તને પહેલેથી જ ખૂબ ગમે છે. એનું વર્તન, સ્વભાવ એવા રહ્યા છે કે ગમવા જ માંડે! એ તને સાથે હરવા ફરવા લઈ જવા ઉપરાંત ગિફ્ટ પણ આપે એટલે તને ગમે જ! વળી એ બહાને તને હગ કરી લેતો એટલે કોઈને એમાં કંઈ ખરાબ ન લાગે. દરમિયાન તારા કાચા માનસમાં એની પ્રતિમા એવી ફિટ થઈ ગઈ કે તું એને વશ થવા સુધી પહોંચી ગઈ! એ તને ખૂબ જ ગમતા હોવાથી તું એની સાથે છૂટથી વાત કરે અને વર્તે એટલે એને તો મોકાની જ જરૂર હતી. ફિલ્મ જોતી વેળા એ મોકો મળી ગયો ! તેં જ એને ઉશ્કેર્યો એમ કહી શકાય. તેં એના હાથને હડસેલવાને બદલે દબાવ્યો! બસ… પછી કોઈ અવરોધ જ નથી રહેતો. એણે ઇચ્છા મુજબ તારા શરીર સાથે રમત રમી અને તું તો આમેય તારી જાત પર કન્ટ્રોલ કરી શકતી ન હતી, એટલે તેય નવો જ રોમાંચ અનુભવ્યો! તારા માટે તો આ પળો ક્યારેય ના ભુલાય એવી રોમાંચક બને એ સ્વભાવિક છે. પરંતુ આખરે તને ભાન થયું ખરું કે કંઈક ખોટું કરી રહી છે! હકીકતમાં ખોટું જ કર્યું છે. તારા કરતાં તારી ફ્રેન્ડના પપ્પા ગુનેગાર છે. તું તો કાચી નાદાન વયની છે ! પરંતુ એ તો આધેડ પરિપક્વ છે, એણે તો તું કંઈ ખોટું કરે તો તને રોકવી જોઈએ. એ કામ પ્રેમથી સમજાવીને પણ થઈ શકે. પરંતુ એને તો લાભ લેવો હતો એટલે એવું શા માટે કરે ? એ તો તું સારી છોકરી છે એટલે વાંધો નહીં બાકી એ માણસને બ્લેકમેઇલ કરવો ખૂબ સરળ બની જાય!

આખરે તને ભાન થયું એ સારી વાત છે. તેં એના ઘરે જવાનું છોડી દીધું એ યોગ્ય જ છે. જોકે, એ જાણી ચૂક્યો છે કે તને એનું આકર્ષણ છે અને તું એને વશ થવા રાજી થાય એમ છે, એટલે તો એણે તને ફોન કરીને મળવા બોલાવે છે… તારા વિના ગમતું નથી એમ કહે છે. અને એના ધાર્યા મુજબ જ તું પણ તેને મળવા અંદરથી તડપી રહી છે. તારો જે ડર છે તે પ્રારંભમાં દરેક યુવતી અનુભવે! એ મીઠો ડર છે…! તું જો હવે એને એકાંતમાં મળીશ તો તું જ એને તારી જાત સર્મિપત કરી દઈશ…! આ તારી અત્યારની માનસિક અવસ્થા છે. એટલે સૌપ્રથમ તો તું જ તારી જાત પર કાબૂ રાખ. તું એને હવે ક્યારેય મળવા ના જતી, તારી ફ્રેન્ડ સાથે સંબંધ રાખવો હોય તોય મર્યાદિત કરી નાંખજે. એ નરાધમનો ફોન આવે તો ઉઠાવતી નહીં. કોઈ રિસ્પોન્સ ક્યારેય ના આપતી! તારા માટે કોઈ રાજકુમાર જેવા સારા ગુણવાળા યુવાન પ્રેમ કરવા યોગ્ય ગણાય.

મારી તને સ્પષ્ટ સાફ સાફ એવી સલાહ છે કે હવે ક્યારેય એને મળતી નહીં. માઈન્ડને સારી પ્રવૃત્તિમાં જોડી દેજે…! સ્ટડી પૂરી કરીને સારો યુવક શોધજે…! બાકી તને જે કંઈક ખોટું થવાનો ભય છે તે સાચો જ પડશે… સમજી.

[email protected]