મારી કલ્પના : મિત્રો દ્વારા શહેરની સફાઈ કરવાનું અભિયાન - Sandesh
  • Home
  • Kids Corner
  • મારી કલ્પના : મિત્રો દ્વારા શહેરની સફાઈ કરવાનું અભિયાન

મારી કલ્પના : મિત્રો દ્વારા શહેરની સફાઈ કરવાનું અભિયાન

 | 3:59 pm IST

અમે ત્રણ ભાઈ-બહેન છીએ. હું રવિ, મારા ભાઈનું નામ લક્ષ્ય અને બહેનું નામ દક્ષા. બાળપણથી જ મારા ઘરમાં મારી મમ્મી અમારી ખૂબ સંભાળ રાખતી. અમારી સારી બાબતોને તે વખાણતી પણ જો અમે કોઈ ભૂલ કરે તો તે તરત જ અમને સમજાવતી. મારા મિત્રો જ્યારે પણ મારા ઘરે આવતાં મારી માતા તેમને પણ ખૂબ વહાલપૂર્વક રાખતી. રોજ અમે જ્યારે સૂવા જતાં એ પહેલાં મારી મમ્મી અમને એક નવી વાત શીખવતી. એક દિવસ મારી મમ્મીએ રાતે અમને ભાઈ-બહેનને કહ્યું કે જો આવતી કાલથી દરેક તેનું કામ જાતે જ કરશે. ઘરની દરેક વસ્તુ જ્યાંથી પણ લેવામાં આવે ફરી તે જ જગ્યાએ કામ પૂરું થતાં મૂકવી. બીજે દિવસે અમે બધાં મમ્મીની આગલી રાતની વાતને યાદ કરતાં સવારથી તૈયાર થઈ ગયાં હતાં. મારી નાની બહેન થોડી ટીખળખોર. તે તેની વસ્તુ મૂળ જગ્યા પર મૂકતી નહીં. મમ્મી તેને વહાલથી સમજાવતી. મમ્મીની સમજાવવાની રીત મને ગમી ગઈ.

હું સ્કૂલે તૈયાર થઈને ગયો. મારા મિત્રો ક્લાસરૂમમાં મસ્તી કરતા હતા. શિક્ષકને આવવાને હજુ વાર હતી. મારો બેસ્ટ ફ્રેન્ડ ક્લાસનો મોનિટર હતો. તે વિદ્યાર્થીઓને બૂમબરાડા પાડીને શાંત રાખવાનો પ્રયત્ન કરતો હતો.

પણ તેના તીખા અને કટાક્ષભર્યા શબ્દોને અન્ય વિદ્યાર્થી ધ્યાનમાં લેતા ન હતા. આ ઘટનાના બે કલાક બાદ રિસેસ પડી. મેં મારા મિત્રને મારા ઘરની વાત કરી. મારી મમ્મી જે રીતે સમજાવતી તે સમજાવ્યું. મારા મિત્રને વાત ગમી ગઈ. તેણે ક્લાસમાં જઈ દરેક વિદ્યાર્થીને સંબોધતાં કહ્યું કે ફક્ત એ વિદ્યાર્થી જ વાતો કરશે જે પૂરા ક્લાસની સફાઈ કરી શકે અને જો કોઈ ક્લાસની સફાઈ ન કરી શકે તે વિદ્યાર્થીએ ક્લાસના દરેક વિદ્યાર્થી પાસે જઈને કહેવાનું રહેશે કે આજે હું ક્લાસમાં વાતો કરતાં પકડાઈ ગયો. આ એક કીમિયાએ ક્લાસમાં ચમત્કાર કર્યો. અમારો ક્લાસ શાંત થઈ ગયો અને સૌથી સફાઈવાળો ક્લાસ થઈ ગયો.

અચાનક એક દિવસ બધા મિત્રોને સૂઝ્યું કે, કેમ આપણે આવી રીતે બધા એકસાથે મળીને શાળાની સફાઈ ન કરી શકીએ! અમે બધા જ ક્લાસના મોનિટરને ભેગા કર્યા અને અમારો વિચાર મૂક્યો. બીજા જ દિવસે સ્કૂલે બધા જ એક કલાક વહેલા આવ્યા. સ્કૂલના ગાર્ડન અને ક્લાસોની જાતે સફાઈ કરી. થોડી વારમાં તો ચમત્કારની જેમ સફાઈ થઈ ગઈ. આ સફળ પ્રયોગ થતાં જ અમારા પ્રિન્સિપાલે અમારી આ પ્રવૃત્તિની નોંધ લીધી અને એક ટીમ બનાવી અમે આખા ગામની સફાઈ કરવાનું અભિયાનનું શરૂ કર્યું.

પછીના એક અઠવાડિયામાં અમે બધા જ મિત્રો રોજનો એક કલાક ગામની સફાઈ કરવામાં આપવા લાગ્યા. અમારો ઉત્સાહ જોઈ ગામના બીજા લોકો પણ અમારા આ અભિયાનને સફળ બનાવવા જોડાયા.