મારી કલ્પના : અભિમાની હાથી - Sandesh
  • Home
  • Kids Corner
  • મારી કલ્પના : અભિમાની હાથી

મારી કલ્પના : અભિમાની હાથી

 | 3:15 pm IST

એક હાથી હતો. તેનું નામ ગોલુ હતું. ગોલુ બહુ જ અભિમાની હતો. ગોલુને તેના સિવાય કોઈ બળવાન લાગતું નહોતું. એક દિવસ ગોલુ પીપળાનાં પાન ખાવા પીપળાના ઝાડ પાસે ગયો. ઝાડ પર ઘણા બધા મંકોડા હતા. ગોલુ હાથી જેવો પીપળાનાં પાન ખાવા ગયો ત્યાં તરત જ મંકોડાના રાજાએ કહ્યું, “હાથીભાઈ, અમે ઝાડ ઉપરથી ઊતરી જઈએ પછી તમે નિરાંતે પાન ખાજો.” પણ ગોલુ માન્યો નહીં અને ગોલુએ એક ડાળખી તોડી નાખી. તેમાં કેટલાક મંકોડા હતા, જેમાં કેટલાક મંકોડાને વાગ્યું તો કેટલાક મરી ગયા. ઝાડનાં પાન ખાઈ લીધાં પછી ગોલુને તરસ લાગી એટલે ગોલુ તળાવે પાણી પીવા ગયો. ત્યાં તળાવમાં માછલીઓ હતી. તળાવની માછલીઓએ કહ્યું, “અમે પેલે પાર જતી રહીએ પછી તમે પાણી પીજો.” પણ ગોલુ માન્યો નહીં અને પાણી સૂંઢમાં ખેંચીને છોડવા લાગ્યો. કેટલીક માછલીઓ પાણીમાં પડી તો કેટલીક બહાર પડી અને મરી ગઈ.

બીજે દિવસે જ્યારે ગોલુ પીપળાનાં પાન ખાવા આવ્યો ત્યારે મંકોડાઓએ ગોલુને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું. જેવો ગોલુ પાન ખાવા આગળ વધ્યો કે બધા મંકોડાએ તેની ઉપર હુમલો કર્યો અને જ્યાં ત્યાં ચટકા ભરવા લાગ્યા. ગોલુએ કહ્યું, “મને માફ કરો, આજ પછી આવું નહીં કરું.” આ સાંભળી મંકોડાઓએ ગોલુને માફ કરી દીધો. ગોલુનું શરીર બળવા લાગ્યું હતું. તે તરત જ તળાવમાં ગયો. ત્યાં માછલીઓએ પણ ગોલુને સબક શીખવવાનું નક્કી કરી લીધું હતું. ગોલુ જેવો તળાવમાં ગયો કે માછલીઓ તેના કાન અને સૂંઢમાં ઘૂસી ગઈ અને કરડવા લાગી. ગોલુએ વિનંતી કરી કે, “મને માફ કરી દો, આજ પછી આવું ક્યારેય નહીં કરું.” આ સાંભળી માછલીઓએ તેને માફ કરી દીધો. ત્યારબાદ તો ગોલુ પીપળાનાં પાન ખાવા જાય તો મંકોડાઓને પૂછીને જ ખાતો અને પાણી પીવા જાય ત્યારે માછલીઓને પૂછીને જ પાણી પીતો.

બોધ : ક્યારેક કોઈને પોતાનાથી કમજોર ન સમજવું.