મારી કલ્પના : પિન્કુ પોપટની ચાલાકી - Sandesh
  • Home
  • Featured
  • મારી કલ્પના : પિન્કુ પોપટની ચાલાકી

મારી કલ્પના : પિન્કુ પોપટની ચાલાકી

 | 9:21 pm IST

સુંદરવન નામનું એક નગર હતું. તે નગરમાં સૌથી મોટું અને સૌથી સુંદર આંખોને ગમી જાય એવું વન આવેલું હતું, તેથી તે નગરનું નામ સુંદરવન રાખવામાં આવ્યું હતું.

સુંદરવન નગરના રાજાને પોતાના વન સાથે બહુ જ પ્રેમ હતો. તે દરરોજ આ વનમાં આટો મારવા જતા હતા. તેના નગરમાં બધી પ્રજા સુખથી રહેતી હતી. રાજાને તેના સિપાઈએ કહ્યું કે, “રાજા, આપણા આ વનમાં અમુક શિકારી આવ્યા છે. તે આપણા વનમાં રહેતાં પશુ-પક્ષીઓને મારી તેમનું ચામડું, દાંત, નખ, શિંગડાં, માંસ વગેરેને વિદેશમાં વેચે છે. તેને વિદેશમાં લઈ જવામાં આવે છે.” રાજાએ આ વાત સાંભળી તો તે સાવ તૂટી ગયા તેમને બહુ દુઃખ થયું. રાજાએ તેમના સિપાઈને તે શિકારીની શોધ કરવા વનમાં મોકલ્યા.

તે વનમાં એક બોલતો પિન્કુ પોપટ રહેતો હતો. તે એક દિવસ વૃક્ષ પર બેઠો હતો. તેણે જોયું કે આ લોકો વનમાં રહેલાં પશુ-પક્ષીને મારે છે. આ વાત રાજાને જણાવવી પડશે. પિન્કુ પોપટ રાજા પાસે આવ્યો અને કહ્યું કે, “મહારાજ, આપણા વનમાં જે શિકારી આવ્યા છે તેમને મેં જોયા છે. તમે ચાલો મારી સાથે હું તમને બતાવું.” રાજાએ વનમાં મોકલેલા સિપાઈને પાછા બોલાવી લીધા અને બધા પોપટ પાછળ ચાલવા માંડયા.

પોપટ અને રાજા તથા તેમના સિપાઈ તેની પાછળ પાછળ. પિન્કુ પોપટે કહ્યું કે, “આ રહ્યા તે શિકારી.” રાજાએ તેમના સિપાઈને કહ્યું કે, “જાઓ, આ શિકારીને પકડો અને તેને પકડીને જેલમાં પૂરી દો. સિપાઈએ આ શિકારીને પકડી લીધા અને જેલમાં નાખી દીધા. રાજા પર આવેલી આ મુશ્કેલીમાં પિન્કુ પોપટ મદદગાર થયો અને રાજાએ તે પિન્કુ પોપટનો આભાર વ્યક્ત કર્યો. તો આ રીતે પિન્કુની ચાલાકીએ પેલા શિકારીને પકડાવ્યા.

બોધ : આપણે જંગલમાં રહેતાં પશુ-પક્ષીઓને મારવા એટલે કે તેમનો શિકાર કરવો ન જોઈએ. તેમને પોતાની જિંદગી તેમની રીતે જીવવા દો.