મારી કલ્પના : તોફાની રાજુને ભારે પડી હોળી! - Sandesh
  • Home
  • Kids Corner
  • મારી કલ્પના : તોફાની રાજુને ભારે પડી હોળી!

મારી કલ્પના : તોફાની રાજુને ભારે પડી હોળી!

 | 6:30 pm IST

‘હોલી હૈ ભાઈ હોલી હૈ, બુરા ન માનો હોલી હૈ.’ આવા અવાજો સાથે સુંદરપુરની શાળામાં હોળી-ધુળેટીની તૈયારી શરૂ થઈ. રાજુ તથા બધા જ મિત્રો ખૂબ જ ખુશ હતા. તેમાં પાછો રાજુ તો બધાથી વધારે ખુશ હતો. બધા મિત્રો હોળીના આગલા દિવસે રંગો, ગુલાલ અને પિચકારી લઈને આવી ગયા હતા. હવે તો શાળામાં પણ બે દિવસની રજા પડી ગઈ હતી, એટલે બધાને ભારે ઉત્સાહ અને જલસો પડી ગયો હતો. બધા આ તહેવારનો આનંદ સારી રીતે ઉઠાવી રહ્યા હતા.

આમ કરતાં હોળીનો દિવસ આવી પહોંચ્યો. રાત્રે ગામના ચોકમાં હોળી પ્રગટાવવામાં આવી. ગામનાં બધાં વડીલો, મહિલાઓ અને બાળકોએ ખૂબ જ ખુશીથી પ્રહ્લાદની યાદમાં હોળીની ઉજવણી કરી. પછી બધાંઓ ધાણી, ચણા અને ગોળ ખાઈને ઉધરસ પણ મટાડી દીધી.

હવે ઊગ્યો બીજો દિવસ, એટલે ધુળેટીનો દિવસ. સવારના ૮ વાગ્યાથી આખા સુંદરપુર ગામમાં ધુળેટી અને રંગોની ધૂમ મચી ગઈ. એમાં રાજુનાં તોફાન-મસ્તીની તો વાત જ નહીં કરવાની. અરે! તે તો ગમે તેના ઘરમાં જઈ વડીલો અને સ્ત્રીઓ પર રંગ લગાવી આવે અને પાણીથી પણ પલાળી દેતો. તેણે બપોર સુધી તો આખા ગામમાં ખૂબ ઉત્પાત મચાવ્યો, બધાંને ખૂબ જ હેરાન કર્યા. અરે! તેણે પોતાની શેરીનાં પ્રાણીઓને પણ ન છોડયાં, તેને પણ રંગ લગાવ્યો. ઘરની બહાર બેઠેલા કૂતરાને પણ રાજુએ ન છોડયો. કૂતરાને પણ ખૂબ રંગ લગાવી પરેશાન કર્યો. તે કૂતરાએ પણ આ રંગથી બચવા માટે અન્ય પ્રાણીઓને પણ ખૂબ પરેશાન કર્યાં.

પછી તો ગામનાં બધાં જ વડીલો, સ્ત્રીઓ અને પ્રાણીઓ ખૂબ જ પરેશાન થઈ ગયાં હતાં. એટલે બધાં જ બપોરના સમયે ભેગાં થયાં અને વિચાર્યું કે, આ રાજુ આપણને બધી જ હોળી-ધુળેટીમાં પરેશાન કરે છે, તો આપણે પણ તેને પાઠ ભણાવવો જ પડશે તો જ તે સમજશે. પછી તો બધાંએ ભેગાં મળી એક ઉપાય વિચાર્યો. એ ઉપાય મુજબ જ્યાં રાજુ બધાંને પરેશાન કરતો હતો ત્યાં બધાંએ આવીને એક જ સાથે રંગ, ગુલાલ અને પાણીથી રાજુને ખૂબ ભીંજવી દીધો. અરે! એટલો રંગ છાંટયો કે રાજુને શ્વાસ લેવો મુશ્કેલ પડવા લાગ્યો. પછી બધાંએ રંગ નાખવાનું બંધ કર્યું. રાજુએ પણ બધાંની માફી માગી અને કહ્યું, “હવેથી હું કોઈ દિવસ આવી રીતે કોઈને હેરાન-પરેશાન નહીં કરું.” કોઈ પણ દિવસ આવી રીતે હોળી નહીં રમું.

આમ, રાજુની માફી માગ્યા બાદ જ બધાં પોત-પોતાનાં ઘરે ગયાં. બપોરનું ભોજન લઈ બધાં ફરીથી પોતાના કામે વળગી પડયાં અને રાજુને પણ સાચે જ પાઠ મળી ગયો. એટલે તે પણ ઘરે જઈ પોતાનું લેશન કરવા બેસી ગયો અને ફરી પાછું બીજા દિવસથી શાળાનું જીવન શરૂ થઈ ગયું.

બોધ : ગમે તેવો તહેવાર હોય, પણ કોઈને હેરાન કરીને તહેવારની ઉજવણી ન કરવી જોઈએ.