મારી કલ્પના : ટામેટાંની વાડી - Sandesh
  • Home
  • Featured
  • મારી કલ્પના : ટામેટાંની વાડી

મારી કલ્પના : ટામેટાંની વાડી

 | 2:53 pm IST

રામપુર નામનું એક ગામ હતું. તે ગામમાં કાંતાડોશી નામના એક માજી અને તેમનો દીકરો રહેતાં. આ પરિવાર સાવ સાધારણ પરિવાર હતો. તેમની પાસે એક નાનકડી વાડી હતી. આ વાડીમાં તેઓ દર વર્ષે ટામેટાંનો પાક વાવતાં અને ખૂબ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવતાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે ટામેટાંનું વાવેતર કર્યું હતું.

આ જ ગામમાં ગોપાલ, મોહન, રમણ, નરેશ તથા હરેશ આમ પાંચ ભાઈબંધ રહેતા. આ પાંચેય ભણવામાં ખૂબ હોશિયાર અને મહેનતુ હતા. તેઓ પાંચેય મિત્રો કાંતાડોશીના ખેતર પાસેથી રોજ સ્કૂલે જવા નીકળતા. ઉનાળાનો સમય ચાલતો હતો. સ્કૂલમાં પરીક્ષાઓ પણ શરૃ થઈ ગઈ હતી. રોજ બાળકો લાલ લાલ મોટાં મોટાં તાજાં તાજાં ટામેટાંની વાડી પાસેથી નીકળે. એમાં જ એક દિવસ સ્કૂલે જતાં જતાં ગોપાલે જોયં કે કાંતા ડોશીની ટામેટાંની વાડીમાં એક મોટી તગડી ગાય ઘૂસી ગઈ છે. ગાય ટામેટાંના પાકને નુકસાન કરતી હતી ને ખાતી પણ હતી.

ગોપાલથી આ જોઈને રહેવાયું નહીં. તેણે તેના બીજા મિત્રોને કહ્યું કે તમે સ્કૂલે જાવ હું થોડી વાર પછી આવું છું. તેના મિત્રોએ ગોપાલને બહુ સમજાવ્યો કે પરીક્ષાનો સમય થઈ ચૂક્યો છે. તું મોડો પડીશ તો સર વઢશે, પેપર આપવા નહીં દે, પરંતુ ગોપાલ ના માન્યો. તેણે તેના મિત્રોને કહ્યું કે તમે ચિંતા ન કરો હું સમયસર પહોંચી જઈશ. ગોપાલના મિત્રો નીકળી ગયા ત્યાર બાદ ગોપાલ વાડીમા ગયો અને ગાયને કાઢવા લાગ્યો, પરંતુ ગાય આમથી તેમ દોડવા લાગી. ગાય ગોપાલના હાથમા આવતી જ નહોતી. ગોપાલે મહામહેનતથી ખૂબ જ બળ લગાવીને ગાયને વાડીની અંદરથી કાઢી અને વાડીના દરવાજાને બહારથી બંધ કરી દીધો. પછી વિચાર્યું કે હાશ, ગાય નીકળી ગઈ નહીં તો કાંતાબાનો બધો જ પાક બગડી જાત. તેમને કેટલા બધા રૃપિયાનું નુકસાન થઈ જાત. સારું થયું મારું ધ્યાન ગયું અને ગાયને બહાર કાઢી નહીં તો કાંતાબા હેરાન થઈ જાત. એક તો ઉનાળામાં ટામેટાં મોઘાં જ હોય છે.

ગોપાલ આવું વિચારીને ખુશ થતો હતો ત્યાં જ અચાનક યાદ આવ્યું કે તે પરીક્ષા આપવા જતો હતો અને તેને ખૂબ જ મોડું થઈ ગયું છે. ગોપાલ રીતસરનો દોડીને સ્કૂલે પહોંચ્યો. જોયું તો પરીક્ષા શરૃ થઈ ગઈ હતી. ગોપાલને તેના સરે દોડીને આવતો જોઈ પૂછયું, ગોપાલ બેટા, કેમ આટલું બધું મોડું થઈ ગયું સ્કૂલે આવવામાં? આજે પરીક્ષા છે તને ખબર છેને? ગોપાલે તેના સરને માંડીને બધી જ વાત જણાવી અને તેણે સરને કહ્યું પ્લીઝ, મારી ભૂલને માફ કરીને મને પરીક્ષા આપવા દો. સરે તરત જ ગોપાલને પેપર આપ્યું અને ગોપાલે પરીક્ષા આપી.

પેપર પૂરું થતાં જ સરે બધા જ વિદ્યાર્થીઓને બોલાવી ગોપાલની ટામેટાંની વાડીને બચાવવાની વાત કરી. બધા જ વિદ્યાર્થીઓ ખુશ થયા અને તાળીઓ પાડવા લાગ્યા. પાછળથી જ્યારે કાંતાબાને ગોપાલે કરેલા પરાક્રમની ખબર પડી તો કાંતાબા પણ ખુશ થઈ ગયાં અને તેને રોજ તાજાં ટામેટાં ઘરે લઈ જવાનું કહ્યું.