મારી કલ્પના : સાચી મિત્રતા - Sandesh
  • Home
  • Featured
  • મારી કલ્પના : સાચી મિત્રતા

મારી કલ્પના : સાચી મિત્રતા

 | 8:57 am IST

દરિયામાં ઊંડે સુધી વસેલું એક દરિયાઈનગર હતું. આ નગર બહુ જ સુંદર હતું. અહીં અનેક જાતની માછલીઓ તથા જલપરીઓ જોવા મળતી હતી. દરિયાઈનગરનો એક રાજા હતો. તેનું નામ ઇન્દ્રવર્મા હતું. ઇન્દ્રવર્મા રાજા બહુ દયાળુ અને ઉદાર હતો. આ રાજા પ્રજાની ખૂબ મદદ કરતો, તેથી તેની પ્રજાને પણ તેનાથી સંતોષ હતો. તેની પુત્રી ભુવનેશ્વરી દરિયાઈ રાજકુમારી હતી. તે ખૂબ જ સ્વરૃપવાન હતી. તેની ઘણી બધી સખીઓ હતી. તેમાંથી એક જલપરી હતી. તે ખૂબ જ ખુશમિજાજ હતી. બંને સખીઓ દુઃખમાં એકબીજાનો સાથ નિભાવતી હતી. તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. રાજકુમારી ભુવનેશ્વરીના ઘણા બધા દુશ્મનો હતા. તેમાંથી એક દરિયાઈ રાક્ષસ મેજન્ટા હતો.

એક દિવસની વાત છે. રાજકુમારી ભુવનેશ્વરીને તેની સખીઓ તથા જલપરી સાથે સેર કરવાનું મન થયું. તેણે તેની તમામ સખીઓ અને જલપરીને બીજા દિવસે સેર કરવા માટે કહ્યું. બીજા દિવસે રાજકુમારીની સખીઓ તથા જલપરી વહેલી સવારે સેર કરવા માટે નગરની બહાર નીકળ્યાં. દરિયાઈ રાક્ષસ મેજન્ટાએ ત્યારે રાજકુમારીની સખી જલપરીનું રૃપ બદલીને રાજકુમારીનું અપહરણ કરી લીધું. મેજન્ટા રાક્ષસ માયાવી હતો, તેથી તેનો અંત કરવો મુશ્કેલ હતો

જલપરીએ આ વાત રાજા ઇન્દ્રવર્માને કરી. તેણે કહ્યું કે રાક્ષસે માંગ કરી છે કે, “મને દરિયાઈનગરનો રાજા બનાવો, બદલામાં હું રાજકુમારીને છોડી દઈશ.” જલપરીને એક યુક્તિ સૂઝી. તે મેજન્ટા રાક્ષસની ગુફા પાસે ગઈ અને મેજન્ટા રાક્ષસને બોલાવીને કહ્યું, “તું પહેલાં રાજકુમારી ભુવનેશ્વરીને છોડી મૂક અને દરિયાઈનગરનો રાજા બની જા.” કારણ કે જ્યારે દરિયાઈ રાક્ષસ મેજન્ટા દરિયાઈ રાજકુમારી ભુનેશ્વરીને છોડી મૂકે તો રાજા અને તેની સેના તેના પર આક્રમણ કરી શકે, પણ આ યુક્તિ અસફળ થઈ. મેજન્ટા રાક્ષસ ન માન્યો.

જલપરીને બીજી યુક્તિ સૂઝી. તેને યાદ આવ્યું કે મારા પૃથ્વીવાસી મિત્રો ભીમ, રાજુ, ક્રિષ્ના આ મેજન્ટા રાક્ષસને મારવામાં તથા રાજકુમારીને આઝાદ કરવા માટે મારી મદદ કરશે. તે દરિયાની બહાર નીકળી દરિયાકિનારે આવી. ગજબની વાત એ હતી કે દરિયાકિનારે તેના મિત્રો સેર કરતાં હતાં. જલપરીએ આખી વાત તેના મિત્રોને જણાવી અને વિનંતી કરી કે રાજકુમારીને છોડાવવામાં મારી મદદ કરો. તેના પૃથ્વીવાસી મિત્રો માની ગયાં. તેમાંથી ભીમે પૂછયું કે, “અમે પાણીની અંદર કેવી રીતે આવીશું? દરિયાની અંદર અમારાથી બહુ સમય હવા વગર ન રહેેવાય” ત્યારે જલપરીએ કહ્યું, “મારી પાસે જાદુઈ માળાઓ છે, તે પહેરીને તમે દરિયાની અંદર પણ શ્વાસ લઈ શકશો.” તેઓ માની ગયાં. જલપરી અને તેના પૃથ્વીવાસી મિત્રો દરિયાઈનગરમાં પહોંચ્યાં. મેજન્ટા રાક્ષસની ગુફા આગળ પહોંચીને બળ અને યુક્તિથી જલપરીના આ મિત્રોએ મેજન્ટા રાક્ષસનો અંત કરી રાજકુમારીને આઝાદ કરી.

રાજકુમારી તથા રાજાએ પૃથ્વીવાસીઓ અને જલપરીનો આભાર માન્યો. આભાર માટે તેમણે પૃથ્વીવાસીઓ અને જલપરીને દાવત આપી.

બોધ : મુસીબતમાં આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ અથવા મુશ્કેલી વખતે આપણે બળ અને યુક્તિથી કામ લેવું જોઈએ.