મારે જોબમાં પ્રગતિ કરવા માટે શું કરવું જોઈએ? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • મારે જોબમાં પ્રગતિ કરવા માટે શું કરવું જોઈએ?

મારે જોબમાં પ્રગતિ કરવા માટે શું કરવું જોઈએ?

 | 1:32 am IST

પ્રશ્ન : મારું નામ હિરલ છે. જન્મ તારીખ ૪-૯-૧૯૯૪. રવિવાર. જન્મ સમય સવારે ક.૧-૦૪ છે. જન્મ સ્થળ ભાવનગર. મારી ઈચ્છા સરકારી નોકરી પોલીસની છે, મને નોકરી ક્યારે મળશે? લગ્નયોગ જણાવવા વિનંતી.

જવાબ : આપની જન્મકુંડળીનો અભ્યાસ કરતા જણાય છે કે સરકારી કે જાહેરક્ષેત્રની સરકારી સમકક્ષ નોકરી મળવાનાં યોગ મધ્યમ બળવાન અને શુભ ફળદાયી છે. શિસ્ત અને સંરક્ષણનો કારકગ્રહ મંગળ છે. જોમ-જુસ્સો-ગૌરવ પણ મંગળ સૂચવે છે. તમે મંગળવારે ઈષ્ટદેવ-કુળદેવીની ભક્તિ વિશેષ કરો. ગણપતિની ભક્તિ કરવાથી અવરોધ હળવા બને. પાત્ર પસંદગી માટે ઉંમરના ૨૫/૨૬ વર્ષે યોગકારક સમય ગણાય. એપ્રિલ-૨૦૧૯થી માર્ચ-૨૦૨૦નો સમય વધુ શુભફળ સૂચવે છે. વ્યાયામ-સાત્વિક વાંચન-પોઝિટિવ વલણમાં વધારો થાય તેવા પ્રવચન-પ્રવૃત્તિ વધારે લાભ થાય.

પ્રશ્ન : મારું નામ શીતલબેન છે. મારા પુત્રનું નામ જય છે. જન્મ તારીખ-૧-૮-૨૦૦૪ છે. સમય રાત્રે ૧૦-૧૦. જન્મ સ્થળ બાયડ છે. તેને અભ્યાસમાં રસ પડતો નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર : આપના પુત્રની જન્મકુંડળીનો વિગતવાર અભ્યાસ કરતાં જણાય છે કે ઉચ્ચ અભ્યાસના યોગ બળવાન નથી પરંતુ જરૂરી અભ્યાસ માટે સકારાત્મક પ્રયત્નો કરી શકાય. કળા, કારીગરી, સંગીત તથા ટેકનિકલ બાબતોમાં પ્રગતિ કરી શકે તેમ છે. સારા ટ્રેડમાં ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ આઈ.ટી.આઈ. કે ડિપ્લોમા થઈ શકે છે.

(૧) દરરોજ સવારે વહેલા ઊઠીને ઊગતાં સૂર્યના દર્શન કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે.

(૨) સાત્વિક વાંચન તથા સરસ્વતિનો મંત્ર-ગાયત્રી મંત્રથી અભ્યાસમાં રુચિ વધી શકે છે.

(૩) મનગમતી પ્રવૃત્તિમાં આગળ જઈને સારો વિકાસ થઈ શકે તેમ છે.

(૪) દક્ષિણ દિશામાં-દરિયા કિનારા નજીકના વિસ્તારમાં લાભદાયી યોગ બને છે.

પ્રશ્ન : મારું નામ અલ્પેશ છે. જન્મ તારીખ- ૮-૯-૧૯૮૨ છે. સમય સવારે ૮-૦૦. સ્થળ-અમદાવાદ. નોકરી-ધંધામાં મેળ પડતો નથી. હાલ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોબ કરું છું. પ્રગતિ માટે માર્ગદર્શન આપશો.

ઉત્તર : આપના જન્મ સમયના ગ્રહયોગો ધીમી છતાં મક્કમ પ્રગતિ સૂચવે છે. દલાલી કે ભાગીદારીમાં લાભ નથી. ટેકનિકલ ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રગતિ જણાય છે. એકાદ નાનો અભ્યાસક્રમ કરીને મશીનરી-ઉદ્યોગ ક્ષેત્રે જી.આઈ.ડી.સી. કે અન્ય ઔધોગિક વસાહતમાં નોકરી શોધવાની સલાહ છે.

(૧) મંગળ તથા શનિ ગ્રહના જાપ દરરોજ ૧ માળા (૧૦૮ મંત્ર) કરવાથી ટેકનિકલ ક્ષેત્રે અનુકૂળતામાં વધારો થાય.

(૨) એકાદવાર શાંતચિત્તે “વિદુર નીતિ” પુસ્તક વાંચવાની સલાહ છે. જેનાથી તમને કાર્યક્ષેત્ર પસંદગીમાં યોગ્ય માર્ગદર્શન જરૂર મળશે.

(૩) જળાશય નજીક આવેલા શિવાલયના એકાદવાર ભાવપૂર્વક શ્રદ્ધાથી દર્શન કરવા. સોમનાથ (પ્રભાણ પાટણ) ઉત્તમ ગણાય.

પ્રશ્ન : મારું નામ ધર્મેશ મિસ્ત્રી છે. જન્મ તારીખ- ૨૪-૧-૧૯૭૧. સમય રાત્રે ૨-૧૦. સ્થળ વડોદરા. મને સારી નોકરી ક્યારે મળશે? હમણાં આર્થિક ભીડ અનુભવાય છે.

ઉત્તર : આપની જન્મકુંડળીનો વિગતવાર અભ્યાસ કરતાં જણાય છે કે ઓક્ટોબર-૨૦૧૮થી એપ્રિલ-૨૦૧૯નો સમયગાળો પ્રગતિ માટે યોગકારક બને છે. મોસાળ પક્ષની વ્યક્તિનો સાથ સહકાર મેળવવા પ્રયત્ન કરવો જેથી લાભદાયી નીવડશે.

(૧) સોમવારે-ગુરુવારે, રવિવારે વિશેષ પ્રયત્નો કરવા.

(૨) મંગળવારે-શનિવારે પ્રતિભાવ ઓછો મળે.

(૩) સુદ આઠમ (દુર્ગાષ્ટમી) તથા પૂનમે લક્ષ્મી નારાયણના દર્શન કરવા. પોકેટમાં કે ટેબલ ઉપર લક્ષ્મી નારાયણની છબી રાખવાની સલાહ છે.

પ્રશ્ન : મારું નામ નિકીતા છે. જન્મ તારીખ- ૫-૪-૧૯૯૧. સમય-૧૨-૦૫. સ્થળ મહુવા, જિ.ભાવનગર, મારા લગ્ન ક્યારે થશે? તે જણાવવા વિનંતી.

ઉત્તર : આપની જન્મકુંડળીનો અભ્યાસ કરતાં જણાય છે કે ઓક્ટોબર-૨૦૧૮થી ઓગષ્ટ-૨૦૧૯ના રવિવાર માસનો સમયગાળો પાત્ર પસંદગી માટે વધુ યોગકારક બને છે. જન્મ સ્થળથી દક્ષિણ દિશાના પ્રદેશ-વિસ્તારમાં પ્રગતિ સૂચક પરિવારમાં પ્રયત્નો કરવાની સલાહ છે, જેમાં સફળતા મળે.

(૧) દરરોજ સવારે સૂર્યનારાયણના દર્શન કરવા. આદિત્ય હૃદયનો પાઠ કરવાથી પ્રયત્નોમાં અનુકૂળતા વધશે.

(૨) મંગળવારે- શનિવારે વિશેષ કાળજી રાખવી. બીન જરૂરી પ્રવાસ ટાળવો. આ દિવસે અવરોધ-અગવડતા અનુભવાય.

(૩) દર રવિવારે ખીર રોટલીનું ભોજન કરીને સૂર્યનારાયણની ભક્તિ વિશેષ કરવી. ઉપવાસ ફરજિયાત નથી.

પ્રશ્ન : મારું નામ અમૃતભાઈ છે. જન્મ તારીખ-૭-૭-૧૯૮૫. સમય રાત્રે ૧૦-૪૩. સ્થળ દહેગામ. મેં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. સરકારી નોકરી માટે ઘણાં પ્રયત્નો કર્યા. ઘણી પરીક્ષા આપી હજુ સફળતા મળતી નથી. યોગ્ય માર્ગદર્શન આપશોજી.

ઉત્તર : તમને સરકારી કે તે સમકક્ષ જાહેરક્ષેત્રની સારી નોકરી મળવાના યોગ છે. સાચી દિશામાં મહેનત કરવાની જરૂર છે. આપની કુંડળીનો અભ્યાસ કરતાં જણાય છે કે પ્રકાશન સંસ્થા-પ્રિન્ટિંગ પ્રેસ-કોમર્સ લાઈનના કાર્યક્ષેત્રમાં તથા પત્રવ્યવહાર-જનસંપર્ક અધિકારી જેવી કામગીરીમાં સફળતા મળે તેમ છે. માત્ર સરકારી નોકરીની રાહ જોઈને બેસી રહેશો નહીં. નવેમ્બર-૨૦૧૮થી જૂન ૨૦૧૯ પ્રગતિ સૂચક છે.

(૧) વિષ્ણુ સહસ્ત્ર નામાવલિનો પાઠ દરરોજ કરવો.

(૨) દર બુધવારે તથા અમારો પીપળાના વૃક્ષના દર્શન કરી બની શકે તો પીપળાના વૃક્ષની પાંચ પ્રદક્ષિણા કરવી.

(૩) મોસાળ પક્ષની વ્યક્તિના માર્ગદર્શન મદદથી આગળ વધી શકાય તેમ છે.

પ્રશ્ન : મારું નામ ઉર્વી દેસાઈ છે. જન્મ તારીખ-૧૭-૭-૧૯૯૩ છે. સ્થળ બારડોલી (દ.ગુજરાત) સમય ૪-૪૩ સવારે. પાત્ર પસંદગી-સગપણ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર : આપની કુંડળીનો અભ્યાસ કરતાં જણાય છે પાત્ર પસંદગી માટે ઉંમરના ૨૬/૨૭ મા વરસે શુભ યોગ બને છે. આ અંગે પ્રયત્નો શ્રાવણ માસની પૂનમ પછી કરવાની સલાહ છે.

સામેનું પાત્ર પ્રગતિશીલ અને મહેનતું હશે. નજીકના સગાં-સ્નેહીમાં પરિચીત પરિવારમાં સગપણ થાય તેમ ગ્રહયોગો સૂચવે છે.

(૧) આપની વૃષભ રાશિ સાચી છે. રવિવાર, સોમવાર, ગુરુવાર, શુક્રવારના દિવસો આ અંગેના પ્રયત્નો માટે શુભફળ સૂચવે છે.

(૨) શનિવારે આ અંગેના પ્રયત્નો કરવા નહીં. અવરોધ-અગવડતા જણાય.

(૩) મંગળદોષનો ભય રાખશો નહીં.

(૪) મેષ (અ.લ.ઈ.) અને ધનુ (ભ.ધ.ઢ.ફ) રાશિની વ્યક્તિઓ સાથે લેણાદેણી ઓછી ગણાય. આ બાબતે વિશેષ કાળજી રાખવી.

– ભૂપેન્દ્ર ધોળકિયા