My lover and my friend are talks too much, is there something between them?
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મારો લવર અને મારી ફ્રેન્ડ બહુ ગુસપુસ કરતાં રહે છે, એ બંને વચ્ચે કંઈક રંધાઈ તો રહ્યું નથીને?

મારો લવર અને મારી ફ્રેન્ડ બહુ ગુસપુસ કરતાં રહે છે, એ બંને વચ્ચે કંઈક રંધાઈ તો રહ્યું નથીને?

 | 7:22 pm IST
  • Share

યૌવનની સમસ્યા : સોક્રેટિસ

સોક્રેટિસજી.

મારી એક ફ્રેન્ડ હંમેશાં ‘સંદેશ’ અખબારની સરાહના કરતી રહેતી હતી, એટલે મેં મારા પપ્પાને કહીને ચાલુ કરાવ્યું. થોડા દિવસમાં જ મારી ફ્રેન્ડ ‘સંદેશ’ની કેમ પ્રશંસા કરતી હતી તે સમજાઈ ગયું. સમાચાર સારા ખરા જ પણ સાથે તેની પૂર્તિઓ અમારા ઘરમાં બધાને બહુ જ ગમી ગઈ છે. મને તો બુધવારની પૂર્તિ અને એમાં આવતી આપની ‘યૌવનની સમસ્યા’ કોલમ તો બહુ જ ગમે છે. હાલ હું નર્સિંગનો કોર્સ કરું છું. અમે એક કોલેજની હોસ્ટેલમાં રહીએ છીએ. મને એક છોકરા સાથે લવ થઈ ગયો છે. અમે નાસ્તો કરવા કે જમવા સાથે જઈએ છીએ. મારી બીજી બે ફ્રેન્ડ્સ પણ સાથે હોય છે. મારો બોયફ્રેન્ડ મારી ફ્રેન્ડ્સ સાથે પણ બહુ સારી રીતે વાત કરે છે. પણ ક્યારેક મને એવું થાય છે કે એ મને નહીં પણ મારી ફ્રેન્ડને લવ કરે છે. એ બંને બહુ ગુસપુસ કરતાં રહે છે. હું શું છે એમ પૂછું તો જવાબ પણ આપતાં નથી મને થાય છે કે હું મારી ફ્રેન્ડ સાથે અબોલા લઈ ફ્રેન્ડશિપ જ કટ કરી નાખું અથવા મારા લવરને તેની સાથે બોલવાનું બંધ કરવા કહી દઉં, પણ ક્યાંક લવ તૂટી જાય તો? તમે જ કહો મારે શું કરવું જોઈએ?

સુરિ (નામ બદલ્યું છે)

તારો ઈ-મેઇલ ખૂબ જ સ્પષ્ટ ને ટુ ધ પોઇન્ટ છે. તમે ‘સંદેશ’ ચાલુ કર્યું એ ખૂબ જ ગમ્યું.

હવે વાત કરીએ તારી સમસ્યાની. તમારા કિસ્સામાં તમે સાથે ર્નિંસગનો કોર્સ કરતા હોવાથી સાથે જ હોવ છો. પરિણામે મૈત્રી થઈ અને તમે બંનેએ લવનો એકરાર પણ કરી લીધો. બહુ જ ઝડપથી એકબીજાનાં થઈ ગયાં. એક વાત ખાસ નોંધવી રહી કે પ્રેમમાં બે વિરોધાભાસી બાબતો મુખ્ય છે. એક તો પ્રેમમાં આધિપત્યભાવ જન્મતો હોય છે. મારા પ્રેમપાત્ર પર મારો જ અધિકાર. એની સાથે અન્ય વિજાતીય પાત્ર જુએ, હસે, બોલે કે લાગણી દર્શાવે તે સહન જ ન થાય. આ પ્રારંભ છે, પરંતુ સામે છેડે પ્રેમમાં પરિપક્વતા આવે ત્યારે અધિકારની ભાવનાનો છેદ ઊડી જાય છે. કોઈ જ ઈર્ષ્યાભાવના રહેતી નથી. અધિકાર વૃત્તિની જગ્યાએ વિશ્વાસ, વફાદારી, ત્યાગ, સમર્પણ, ક્ષમા વગેરે ગુણો વિકસે છે. આ તારી સમસ્યાને સમજવા માટે બહુ મહત્ત્વનું છે. તને તારા લવર અને તારી ફ્રેન્ડ પર શંકા થવી સહજ છે. ઘણા એવા કિસ્સા બનતા હોય છે, એટલે સૌપ્રથમ તો તારે તેને પ્રેમને પરીક્ષાની સરાણે ચઢાવવો પડશે. એ બંને ગુસપુસ કરે એ કંઈ નવાઈની વાત નથી. એ બંને માટે તું મિત્રતા, પ્રેમનું પાત્ર છે. હકીકતમાં તેઓ તારા પ્રત્યે લાગણી હોવાથી તારી જ વાતો કરતાં હોઈ શકે, પરંતુ એ બહુ જ હળવાશવાળી હોઈ શકે. એ તારી હસીમજાક કરીને આનંદ મેળવતાં હશે. આ બહુ જાણીતી બાબત છે. એ બંને વચ્ચે ખરેખર કંઈ રંધાતું હશે તો બહાર આવશે. તું ધીરજ રાખ, ધારો કે એ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હોય તોય એ તારા ભલા માટે કહી શકાય એથી તું આગળ વધતા અટકી જાય અને જિંદગી બરબાદ થતી બચી જાય. બાકી તું જે વિચારે છે તે બાલિશતા છે. શંકામાત્રથી સારી સખીને ન ગુમાવાય. તેથી ફયદાને બદલે નુકસાનની શક્યતા છે. એ ગિન્નાઈને તારી પાસેથી તારા પ્રેમીને પડાવવા પ્રયાસ કરશે. સફળ નહીં થાય છતાં પરેશાન તો કરશે જ એટલે એવું કંઈ ન કરતી. તારા લવરને પણ કંઈ ન કહેતી. નહીં તો બંને વચ્ચે કડવાશ પેદા થશે. અને તેનું કારણ તને માનવામાં આવશે. પ્રેમનો પાયો વિશ્વાસ છે એટલે તું એ હચમચે નહીં તેનો ખાસ ખ્યાલ રાખજે. આમ છતાં જો તારો પ્રેમી તારી ફ્રેન્ડમાં લપેટાય તો તેને છોડી દેવામાં જ સાર હશે.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો