મારો યાદગાર પ્રસંગ - Sandesh

મારો યાદગાર પ્રસંગ

 | 12:04 am IST

મારી કલ્પના ૪૨૨

જીવનમાં ઘણાં પ્રસંગો બનતા હોય છે, પરંતુ યાદગાર કહેવાય એવા અમુક પ્રસંગો જ બને છે. ઉનાળું વેકેશન પડતા હું મમ્મી સાથે વડોદરા મારી માસીના ઘરે ગઈ હતી. નાના પણ માસીના ઘરે જ રહે. તેમના ડબલ સ્કૂટર (સાઈડ કારવાળા સ્કૂટર)માં મને ફરવાનું ખૂબ ગમે છે.

સવારે આઠેક વાગ્યે હું મારી માસી અને મારા નાના એમનું ડબલ સ્કૂટર લઈ માર્કેટમાં શાકભાજી લેવાં ગયાં હતાં. શાકભાજી ખરીદી હું અને મારી માસી નાનાના સ્કૂટર પાસે આવ્યા. ત્યાં અચાનક જ એક મોટો ધડાકો થયો. જોયું તો આધેડ વયના એક બહેન ટેમ્પા સાથે અથડાઈને ડિવાઈડર પર ઊછળીને પડયાં હતાં. લોહી ખૂબ જ વહી રહ્યું હતું. લોકોનું ટોળું ભેગું થઈ ગયંુ હતું. કોઈ સજ્જને ૧૦૮ને ફોન પણ કરી દીધો. તો કોઈ ફોટા પાડી રહ્યા હતા.

મેં મારા માસીને કહ્યું ૧૦૮ આવતાં વાર લાગશે અને આ બહેનને તાત્કાલિક સારવારની જરૂર છે નહિ તો પ્રાણ પંખેરુ ઊડી જશે. એક કામ કરો માસી તમે રિક્ષામાં ઘેર જાઓ હું નાના સાથે આ બહેનને લઈને દવાખાને જાઉં છું. ટોળામાંથી ત્રણ જણની મદદ લઈ ઘાયલ બેનને સાઈડ કારમાં સુવાડી મારા નાના સાથે ખૂબ જ ઝડપથી ડબલ સ્કૂટર ભગાડીને અમે દસ જ મિનિટમાં દવાખાને પહોંચી ગયા. કંમ્પાઉન્ડર અને નર્સ તાત્કાલિક સારવાર વિભાગમાં લઈ ગયા. ડોક્ટરો હાજર જ હતા. તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી.

અકસ્માતનો કેસ હોવાથી પોલીસ અધિકારી અમારા સ્ટેટમેન્ટ લેવા આવી ગયા. મને કહ્યું આવું સાહસ કરાય? એમ્બ્યુલન્સની રાહ તો જોવી હતી. મેં કહ્યું આવા કેસમાં મિનિટ નહિ સેકન્ડનો ફરક માણસની જિંદગી બચાવી શકે છે. થોડાં સમય બાદ ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું શરીરમાંથી લોહી ખૂબ જ  વહી ગયંુ છે. જો દસ મિનિટ પણ મોડા પડયા હોત તો બચાવવામાં મુશ્કેલી થાત. જોકે લોહીની બોટલ ચાલુ કરી દીધી છે અને હવે ભય-મુક્ત છે. ડોક્ટરે દવાઓનું લિસ્ટ આપ્યું અને તાત્કાલિક દવા મંગાવી લેવા કહ્યું. હું તરત નાના પાસેથી પૈસા લઈ દવાઓ લઈ આવી અને ડોક્ટર સાહેબને આપી. પોલીસ અધિકારીએ મને શાબાશી આપી અને મારા વખાણ કર્યા. ચિંતાની કોઈ વાત ન હતી અને પોલીસ પણ ત્યાં હાજર હોવાથી હું અને નાના ઘેર આવ્યા. ઘરે આવી સઘળી વાત કરી. કોઈની જિંદગી બચાવવાનો અનેરો આનંદ અમને બધાને હતો.

મને જ્યારે જ્યારે આ અદ્ભુત પ્રસંગ યાદ આવે ત્યારે ત્યારે શરીરમાં ધ્રુજારી આવી જાય છે. જીવનમાં સારા નરસા બનતાં પ્રસંગોમાં આ એક ખૂબ જ યાદગાર પ્રસંગ મારા જીવનમાં બની ગયો. જે ક્યારેય દિલમાંથી વિસરી શકતો નથી…

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન