મારી કલ્પના : મારી શાળા - Sandesh
  • Home
  • Kids Corner
  • મારી કલ્પના : મારી શાળા

મારી કલ્પના : મારી શાળા

 | 3:08 pm IST

અભલોડ નામના એક ગામમાં વિવેકાનંદ માધ્યમિક શાળા છે. તે શાળામાં મેં ધોરણ ૮થી ૧૦ સુધી અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં સ્કૂલમાં નવા શિક્ષકો, મિત્રો અને નવા નવા ચહેરા જોવા મળતા જે પાછળથી મિત્રો બની જતા. શાળામાં ભણવાનો ખૂબ જ આનંદ આવતો. ખાસ કરીને સૌ મિત્રો સાથે મસ્તી કરવામાં અનેરો આનંદ મળતો. સ્કૂલમાંથી દર વર્ષે પ્રવાસ યોજવામાં આવતો. આ પ્રવાસમાં બાળકો ખૂબ જ હોંશથી જોડાતાં. આ વખતે પ્રવાસનું સ્થળ હતું સુંદરનગર નામનું એક સ્થળ. પ્રવાસ દરમિયાન અમે ત્યાંની પ્રકૃતિનો ખૂબ જ આનંદ માણ્યો. જાત-જાતની રમતગમત સાથે એક નવા સ્થળને નજીકથી જાણવાનો મોકો મળ્યો જે અવિસ્મરણીય છે. આ પ્રવાસ એક યાદગાર પ્રવાસ બનીને જીવનભર

યાદ રહેશે.

આ પ્રવાસનું સંચાલન શાળાના એક વરીષ્ઠ શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ સ્કૂલની દરેક પ્રવૃત્તિમાં આગળ રહેતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઈ પણ દંડ આપ્યા વિના બહુ જ પ્રેમથી પોતાની વાત સમજાવતા હતા.

શાળાની પ્રાર્થનામાં પણ દરરોજ વિવિધતા રહેતી. સ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવતી. જેમ કે, વાર્તાલેખન, નિબંધ સ્પર્ધા જેમાં દરેક વિદ્યાર્થીઓ ભાગ લેતા. રિસેસ દરમિયાન બધા મિત્રો સાથે લંચબોક્સ પૂરું કરી સ્કૂલ તરફથી આપવામાં આવતી જાત-જાતની ગેઇમ્સ રમવાનો આનંદ લેતા.

શાળામાં એક નાનકડી લાઇબ્રેરી પણ હતી જેમાં બધાં વિવિધ પુસ્તકો વાંચતા. શાળામાં એક વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ હતું જેમાં પી.ટી. ટીચર બાળકોને વિવિધ રમતો જેવી કે ખોખો, ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટ બોલ વગેરે રમતોનું પ્રારંભિક જ્ઞાન આપી બાળકોને માહિતગાર કરતા અને બાળકો પણ તેમાં ઉત્સાહથી ભાગ લેતા.

આમ, મારી શાળામાં જ્ઞાન સાથે ગમ્મત ઉપરાંત વિવિધ રમતો અને જીવન ઉપયોગી જ્ઞાન પણ મળ્યું જે હું જીવનભર ભૂલી શકીશ નહીં.