NIFTY 10,053.10 +36.15  |  SENSEX 32,038.50 +114.09  |  USD 65.2750 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • નડાલ-જોકોવિચ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં

નડાલ-જોકોવિચ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં

 | 4:34 am IST

ન્યૂયોર્ક, તા. ૩

રશિયાના મિખાઇલ યૂઝની ઇજાને કારણે મેચમાંથી ખસી જતાં નોવાક જોકોવિચે માત્ર ૩૨ મિનિટમાં જ યુએસ ઓપન ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે રફેલ નડાલ પણ વર્ષ ૨૦૧૩ બાદ પ્રથમ વખત યુએસ ઓપનના અંતિમ-૧૬માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.

નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ પ્રથમ સેટમાં ૪-૨થી આગળ ચાલી રહ્યો હતો ત્યારે રશિયાના ૩૪ વર્ષીય યૂઝનીના ડાબા પગની માંસપેશીઓ ખેંચાઈ જતાં મુકાબલામાંથી ખસી ગયો હતો. જોકોવિચે પ્રથમ રાઉન્ડમાં પોલેન્ડના જર્જી જાનોવિઝને હરાવવા માટે ચાર સેટ સુધી ઝઝૂમવું પડયું હતું જ્યારે બીજા રાઉન્ડમાં જેરી વિસેલીના હાથમાં ઇજા થતાં ખસી ગયો હતો જેને કારણે જોકોવિચને બીજા રાઉન્ડમાં વોક ઓવર મળ્યું હતું. પ્રી-ક્વાર્ટરમાં જોકોવિચનો સામનો ૮૪મી રેન્ક ધરાવતા બ્રિટનના ઔકાઇલ એડમન્ડ સામે ટકરાશે જેણે અમેરિકાના જ્હોન ઇસનેરને ૬-૪, ૩-૬ ૬-૨, ૭-૬થી હરાવી પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના અંતિમ-૧૬માં પ્રવેશ મેળવ્યો હતો.   ચોથા ક્રમાંકિત રફેલ નડાલે રશિયાના આન્દ્રેઈ કુઝનેત્સોવને ૬-૧, ૬-૪, ૬-૨થી હરાવી અંતિમ-૧૬માં જગ્યા બનાવી હતી. નડાલનો મુકાબલો જોવા માટે રેકોર્ડ ૨૫,૦૦૬ પ્રેક્ષકો પહોંચ્યા હતા. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નડાલનો સામનો ૨૪મી રેન્ક ધરાવતા લુકાસ પોઉલી સામે થશે. પુરૂષ વિભાગના અન્ય એક મુકાબલામાં ૨૦૧૪ના ચેમ્પિયન મારિન સિલીચને ૨૬મી રેન્ક ધરાવતા અમેરિકાના જેક સોકે ૬-૪, ૬-૩, ૬-૩થી હરાવી પ્રથમ વખત ચોથા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ચોથા રાઉન્ડમાં જેક સોકનો સામનો નવમા ક્રમાંકિત જો વિલ ફ્રેડ સોંગા સામે થશે. જેણે સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને ૬-૩, ૬-૪,૭-૬થી હરાવ્યો હતો.

કેરોલિન વોઝનિયાકી-મેડીસન કેઇસ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે

મહિલા વિભાગમાં અમેરિકાની મેડીસન કેઇસ ઇને ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે. મેડીસન કેઇસે જાપાનની નાઓમી ઓસાકાને ૭-૫, ૪-૬, ૭-૬થી હરાવી ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. મેડીસન કેઈસ સતત પાંચમી વખત મેજર ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. મેડીસન સામે ટકરાનાર કેરોલિન વોઝનિયાકીએ રોમાનિયાની મોનિકા નિકુલેસ્કૂને ૬-૩, ૬-૧થી હરાવી અંતિમ-૧૬માં જગ્યા બનાવી હતી. પૂર્વ નંબર વન ખેલાડી વોઝનિયાકી ઇજાને કારણે ૭૪મા ક્રમાંકે ધકેલાઈ ગઈ છે પરંતુ મેડીસન કેઇસના મતે વોઝનિયાકી સામે જીત મેળવવી ઘણી મુશ્કેલ બની રહેશે. ગત વર્ષની રનર અપ રોબર્ટા વિન્સી પણ ચોથા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. વિન્સીએ જર્મનીની વિથ્રોફ્ટને ૬-૦, ૫-૭, ૬-૩થી પરાજય આપ્યો હતો. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિન્સીનો સામનો યૂક્રેનની લેસિયા સુરેન્કો સામે થશે. સુરેન્કોએ ૧૨મી ક્રમાંકિત સ્લોવેકિયાની ડોમનિકા સિબુલ્કોવાને ૩-૬, ૬-૩, ૬-૪થી પરાજય આપ્યો હતો. મહિલા વિભાગના અન્ય મુકાબલામાં બીજી ક્રમાંકિત એન્જેલિક કાર્બેર, પેટ્રા ક્વિટોવા, જોહાના કોન્ટા, સેવાસ્તોવાએ અંતિમ-૧૬માં જગ્યા બનાવી છે. એન્જેલિક કાર્બેરે અમેરિકાની ક્વોલિફાયર ખેલાડી સીસી બેલિસને ૬-૧, ૬-૧થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એન્જેલિક કાર્બેરનો સામનો ૧૪મી ક્રમાંકિત ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવા સામે થશે. પેટ્રા ક્વિટોવાએ યૂક્રેનની એલિના સ્વિતોલિનાને ૬-૩, ૬-૪થી હરાવી હતી. બ્રિટનની જોહાના કોન્ટાએ સ્વિત્ઝર્લેન્ડની બેલિન્ડા બેનકિકને ૬-૨, ૬-૧થી પરાજય આપી ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. ચોથા રાઉન્ડમાં જોહાનો કોન્ટાનો સામનો લેટવિયાની એનાસ્તાસિયા સેવાત્સોવા સામે થશે. સેવાત્સોવાએ યૂક્રેનની બોન્દારેન્કોને ૬-૪, ૬-૧થી હરાવી અંતિમ-૧૬માં સ્થાન બનાવ્યું હતું.

રોહન બોપન્ના પુરૂષ ડબલ્સમાંથી આઉટ, સાનિયા મિક્સ ડબલ્સમાં જીતી 

રોહન બોપન્ના અને લિયેન્ડર પેસને યુએસ ઓપનમાં પોતાના જોડીદારો સાથે પરાજયનો સામનો કરવો પડયો છે જ્યારે સાનિયા મિર્ઝાએ ક્રોએશિયાના ઇવાન ડોડિંગ સાતે મળી મિક્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. પેસ અને જર્મનીના તેના સાથીદાર આન્દ્રે બેગેમેનને ફ્રાન્સના સ્ટીફન રોબર્ટ અને ઇઝરાયેલના ડુડી સેલાની જોડીએ ૨-૬, ૭-૫, ૬-૪થી પરાજય આપી બહાર કરી હતી. ડેનમાર્કના ફ્રેડ્રિક નીલ્સન સાથે જોડી બનાવી રમી રહેલા બોપન્નાને અમેરિકાના બ્રાયન બેકર અને ન્યૂઝીલેન્ડના માર્કસ ડેનિયલે ૬-૨, ૭-૬થી પરાજય આપ્યો હતો. ૨૦૧૪માં યુએસ ઓપનના મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બનેલી સાનિયા અને ઇવાન ડોડિંગની જોડીએ ડોનાલ્ડ યંગ અને ટેલર ટાઉનસેન્ડને ૬૨ મિનિટ ચાલેલી મેચમાં ૬-૪, ૬-૪થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. રોહન બોપન્નાએ પણ મિક્સ ડબલ્સમાં કેનેડાની ગેબ્રિએલા દાબ્રોવસ્કી સાથે મળી નમોહ રૂબીન અને જેમી લોએબની જોડીને ૭-૫, ૬-૪થી પરાજય આપ્યો હતો. જુનિયર ગર્લ્સ વિભાગમાં ભારતની પ્રાંજલા યદલાપલ્લીએ અમેરિકાની વિક્ટોરિયા એમાને ૬-૩, ૬-૨થી હરાવી હતી.