નડાલની સિઝનનો નિરાશાજનક અંત - Sandesh
  • Home
  • Newspaper
  • નડાલની સિઝનનો નિરાશાજનક અંત

નડાલની સિઝનનો નિરાશાજનક અંત

 | 4:54 am IST

લંડન, તા. ૧૪

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી રફેલ નડાલ ઇજાને કારણે એટીપી ફાઇનલ્સમાંથી ખસી ગયો છે. આ સાથે નડાલનું ફરી એક વખત એટીપી ફાઇનલ્સમાં ચેમ્પિયન બનવાનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું. નડાલે ૧૬ ગ્રાન્ડ સ્લેમ અને ૩૦ એટીપી-૧,૦૦૦ ટાઇટલ જીત્યા છે પરંતુ તે એકેય વખત એટીપી ફાઇનલ્સનું ટાઇટલ જીતી શક્યો નથી. નડાલે એટીપી ફાઇનલ્સ માટે ઘણી તૈયારી કરી હતી. તે ગ્રૂપ સ્ટેજના પ્રથમ રાઉન્ડમાં બેલ્જિયમના ડેવિડ ગોફિન સામે ટકરાયો હતો જેમાં ગોફિને ૭-૬, ૬-૭, ૬-૪થી જીત મેળવી હતી.

રફેલ નડાલ આ ટૂર્નામેન્ટમાં રમવા આવ્યો ત્યારથી તેની ફિટનેસને લઈ શંકા સેવાઈ રહી હતી. તે ઘૂંટણની ઇજાને કારણે પેરિસ માસ્ટર્સની ક્વાર્ટર ફાઇનલમાંથી ખસી ગયો હતો જ્યારે તેના એક અઠવાડિયા અગાઉ રમાયેલી બેસલ ઓપનમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. રફેલ નડાલે મેચ બાદ કહ્યું કે, મારી આ સિઝન પૂર્ણ થઈ ગઈ છે. મેં આ ટૂર્નામેન્ટ, શહેર અને પોતાની જાત સાથે વાયદો કર્યો હતો. મેં આકરી મહેનત કરી હતી. રમવા માટે તૈયારીઓ કરી હતી પરંતુ હું ખરેખર તૈયાર નહોતો. ૩૧ વર્ષીય રફેલ નડાલે ચોથી વખત વર્ષના અંતે નંબર વન સાથે સમાપન કર્યું છે.

ડેવિડ ગોફિન બીજી વખત એટીપી ફાઇનલ્સમાં રમી રહ્યો છે. જીત બાદ ગોફિને કહ્યું કે, હું ખરેખર ખુશ છું. આ મેચનું વાતાવરણ ઘણું સારું હતું.  અન્ય એક મેચમાં બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવે ઓસ્ટ્રિયાના ડોમનિક થિયામને ૬-૩, ૫-૭, ૭-૫થી પરાજય ઔઆપ્યો હતો.