Nadiad Rape Case: Father Rape Her Daughter
  • Home
  • Featured
  • નડિયાદ: ‘હા હું 1 વર્ષથી દોઢ વર્ષની મારી દીકરી પર દુષ્કર્મ કરતો’, જો ના કરું તો મારા પપ્પા મને…

નડિયાદ: ‘હા હું 1 વર્ષથી દોઢ વર્ષની મારી દીકરી પર દુષ્કર્મ કરતો’, જો ના કરું તો મારા પપ્પા મને…

 | 9:52 am IST

નડિયાદમાં પાંચ દિવસ અગાઉ એક અઢી વર્ષની બાળકી પર તેના જ પિતા અને દાદા – દાદી સહિત અન્ય બે સંબંધીઓએ દુષ્કર્મ આચર્યાની રૂવાંડા ઉભા કરી દે અને માન્યામાં ન આવે તેવી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટના એટલી સંવેદનશીલ અને ગંભીર છે કે આ અંગે પોલીસે પણ ખુબ જ ગુપ્તરાહે તપાસ આરંભી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકીની માતાની ફરિયાદને આધારે પિતા સહિત અન્ય ચાર સહઆરોપીની અટક કરી તેમને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે સહઆરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જ્યારે પિતાના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવા પામ્યા છે.

રિમાન્ડ દરમિયાન આરોપી પિતાએ પોતે વારંવાર માસુમ બાળકી પર શારિરીક અત્યાચાર કર્યો હોવાની કબુલાત કરી છે, અને પોતે જો બાળકી સાથે દુષ્કર્મ ન કરે તો દાદા – દાદી માર પણ મારતા હતા. આ ચોંકાવનારા ખુલાસાએ સમગ્ર પંથકને હચમચાવી મુક્યું છે.

પાંચેક દિવસ અગાઉ નડિયાદમાં અઢી વર્ષની માસુમ બાળા પર પોતાના પિતા અને દાદા – દાદી, દાદીની માસી અને માસીના મિત્ર દ્વારા શારિરીક અત્યાચાર ગુજારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંગે બાળકીની માતાએ હિંમત દાખવી તેના પતિ સહિત સાસુ સસરા અને અન્ય બે ની વિરુદ્ધમાં નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદને આધારે પાંચેય ઈસમોની અટક કરી હતી. અને પુરા થતા 24 કલાકમાં જ કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં કોર્ટે ગત તા.1 નવેમ્બરના રોજ આરોપી પિતાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે ચાર સહઆરોપીઓને જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી પિતાનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. જે અમદાવાદ એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ આવતા વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેવી શક્યતાઓ હોવાનું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે આરોપી પિતાના બે દિવસના રિમાન્ડ પુરા થતાં નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજુ કરાયો હતો. જેમાં કોર્ટે આરોપી પિતાને બિલોદરા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો.

બાળકીના માતા – પિતા વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાથી પરિવારજનોએ બંનેના એરેન્જ મેરેજ કરાવ્યા હતા
બાળકી પર દુષ્કર્મની ઘટનામાં જે ઘરમાં બનવા પામી છે. તે ઘરના સભ્યો હાઈલી એજ્યુકેટેડ છે અને બાળકીના માતા – પિતા પર ઉચ્ચ શિક્ષિત છે. ઘરમાં મોટાભાગે બધા જ નોકરીવાળા છે. આજથી પાંચેક વર્ષ અગાઉ આ બાળકીના માતા – પિતાની વચ્ચે પ્રેમ પરિણમ્યો હતો, અને બંનેની જ્ઞાતિ એક જ હોવાથી બંને પક્ષના વડીલોએ તેઓના લવમેરેજને બદલે એરેન્જ મેરેજ કરાવ્યા હતા. લગ્નના સવા એક વર્ષમાં જ તેમને ઘેર પારણું બંધાવ્યું હતું અને પરી જેવી બાળકીનો જન્મ થયો હતો.

મેં આવું દુષ્કર્મ કરવાની ના પાડતા મારા માતા – પિતાએ મને માર્યો હતોઃ આરોપી પિતાની કબુલાત
નડિયાદ ટાઉન પોલીસે આરોપી પિતાના બે દિવસના રિમાન્ડ મળતા તેની વધુ પુછતાછ હાથ ધરી હતી. જેમાં તે ફક્ત એક જ રટણ કર્યે રાખતો હતો કે મારાથી મારી બાળકી પર દુષ્કર્મ થઈ ગયું છે. ઉપરાંત તેણે એમ પણ જણાવ્યું હતું કે એકવાર નહીં પરંતુ તે દોઢ વર્ષની હતી ત્યારથી લઈને અઢી વર્ષની થઈ ત્યાં સુધી પાંચેક વાર મારાથી આવું કામ થયેલું છે. ઉપરાંત મારા માતા – પિતાને પણ મેં બે વાર મારી બાળકી પર અત્યાચાર ગુજારતા જોયા છે. આવી કમકમાટી અને રૂવાંડા ઉભા કરી દેનારી કબુલાતે ખુદ પોલીસકર્મીઓને પણ વિચારતા કરી દીધા છે.

બાળકીને યુરીનમાં લોહી અને ગુપ્ત ભાગે ચાંદા પડયા હોઈ પત્નીએ તેના પતિને બાળકીની સારવાર માટે જણાવ્યું હતું
બાળકીને યુરીનમાં લોહી પડતા અને ગુપ્ત ભાગે ચાંદા પડયા હોવાની વાત માતાને ધ્યાને આવતાં તેણે તેના પતિને જણાવ્યું હતું કે તમે બાળકીને દવાખાને લઈ જાઓ. આ બાબતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જેથી ઝઘડા દરમિયાન બાળકીના પિતાએ પત્નિને કહ્યું કે હું એક તને વાત કહું, મારાથી એક ભુલ થઈ ગઈ છે. મારાથી આપણી બાળકી પર દુષ્કર્મ આચરાઈ ગયું છે. આ વાત સાંભળતા જ બાળકીના માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, અને તેણે એમ પણ જણાવ્યું હતું કે મેં ઉપરાંત ઘરના ચાર સભ્યોએ પણ તેની પર દુષ્કર્મ આચર્યું છે. તેવી કબુલાત કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

આરોપી પિતા માનસિક બીમાર હોવાની શક્યતા
હૃદય કંપાવી દે તેવી નડિયાદમાં બનેલી આ ઘટના કે જેમાં પિતા પોતે જ કબુલે છે કે તેણે પોતાની દિકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું છે. અને તેની સાથેના પરિવારના અન્ય લોકોએ પણ બાળકી પર તેની નજર સામે જ દુષ્કર્મ આચર્યું છે. ત્યારે પોલીસના પ્રાથમિક અનુમાનમાં આ ઈસમ માનસિક બીમાર અથવા સાયકો હોવાનું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન