Naga sadhu are two types, both have different work
  • Home
  • Astrology
  • નાગા સાધુ બે પ્રકારના હોય છે બર્ફાની નાગા અને ખુની નાગા

નાગા સાધુ બે પ્રકારના હોય છે બર્ફાની નાગા અને ખુની નાગા

 | 5:53 pm IST

માત્ર કુંભમાં જ દેખા દેતા નાગા સાધુ સામાન્ય જન માટે આજે પણ એક રહસ્ય અને કુતુહૂલનો વિષય છે. 15મી જાન્યુઆરીથી અર્ધ કુંભ 2019 પ્રયાગરાજ તિર્થમાં શરૂ થઈ ચૂક્યો છે. પહેલે દિવસે શાહી સ્નાનમાં લાખોની સંખ્યામાં સાધુઓએ સંગમ સ્થળે ડુબકી લગાવી.  પ્રયાગરાજમાં આ સિલસિલો 4થી માર્ચ સુધી ચાલતો રહેશે. દર અઢી વર્ષે આયોજિત થતાં કુંભમાં નદીના પ્રવાહમાં ડુબકી લગાવતા સાધુઓ મનોહર દ્રશ્ય ખડું કરે છે તેનાથી કુંભની રોનકમાં ભારે વધારો થાય છે. ભક્તિના સેલાબમાં આ સાધુઓ કડકડતી ટાઢમાં પણ નદીમાં ડુબકી લગાવે છે. તેમને ઠંડીનો અહેસાસ સુદ્ધા દેખાતો નથી. પોતાની મસ્તીમાં મસ્ત બનીને ડુબકી લગાવતા રહે છે.

તો ચાલો જાણીએ આ આસ્થાના વિશાળ આયોજનની શાન રૂપ નાગા સાધુઓના રહસ્યમયી જીવન વિશે. નાગા સાધુ શું કરે છે અને કેમ બને છે નાગા સાધુ…

આમ તો જોવામાં બધાં નાગા સાધુ એક સમાન દેખાય છે. પણ એવું હોતું નથી. તેમનો રહેવાનો ઢંગ, તેમની ભવ્ય રીતભાત, સૌજન્યતા અને શ્રૃંગાર એક સમાન લાગે છે પણ વાસ્તવમાં આ સાધુઓ એક જેવા હોતા નથી. નાગા સાધુ બે પ્રકારના હોય છે એક બર્ફાની નાગા સાધુ અને બીજા ખૂની નાગા સાધુ.

આ સાધુઓ વિશે તેમના નામથી જ અંદાજ લગાવી શકાય છે. હકીકતમાં નાગા સાધુ બનવાની પરંપરા પ્રમાણે માત્ર હરિદ્વાર અને ઉજ્જૈનમાં આયોજિત થતાં કુંભમાં જ નાગા સાધુ તરીકે દીક્ષા આપવામાં આવે છે. જે લોકોને હરિદ્વારમાં દીક્ષા આપવામાં આવે છે તેમને બર્ફાની નાગા સાધુ કહેવામાં આવે છે. જેમને ઉજ્જૈનમાં દીક્ષા આપવામાં આવે છે તેમને ખૂની નાગા સાધુ કહેવામાં આવે છે.

ખૂની નાગા સાધુ તેમના નામ પ્રમાણે જ ધર્મના રક્ષક હોય છે. ખૂની નાગા સાધુ જરૂરિયાત પડવા પર ખૂન પણ વહાવી શકે છે. આ નાગા સાધુ હમેંશા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલાં હોય છે. અખાડામાં જ્યારે કોઈ વ્યક્તિને નાગા સાધુ બનાવવામાં આવે છે ત્યારે તેને સીધી રીતે શામેલ કરવામાં નથી આવતા. પહેલાં અખાડા દ્વારા પોતાના સ્તર પર તેની અને તેના પરિવારની તપાસ કરવામાં આવે છે. પછી એ નક્કી કરવામાં આવે છે કે તેને દીક્ષા ઉજ્જૈનમાં આપવામાં આવશે કે હરિદ્વારમાં…. જો કોઈ વ્યક્તિ સાધુ બનવા માટે યોગ્ય ન લાગે તો તેને અખાડામાંથી બહાર કરી દેવામાં આવે છે.

કહેવાય છે કે અખાડાનું નિર્માણ અખંડ ભારતની રક્ષા માટે તેમજ ધન સંપદાના નાશ કરતી વિદેશી આક્રમણકારી તાકાતોની વિરુદ્ધમાં ભારતમાં આદિ શંકરાચાર્યે તેમની સ્થાપના કરી હતી. તેમનું માનવું હતું કે આક્રમણકારીઓથી નિપટવા માટે પૂજા પાઠની સાથે શારીરિક શ્રમ, અસ્ત્ર-શસ્ત્રની તાલીમ સાધુઓને મળવી જોઈએ. આ ઈરાદે શંકરાચાર્યે આઠમી સદીમાં 7 અખાડાની જાતે જ સ્થાપના કરી હતી. જેના નામ શંકરાચાર્યે મહાનિર્વાણી, નિરંજની, જૂના, અટલ, આવાહન, અગ્નિ અને આનંદ અખાડા રાખ્યું હતું. જો કે સમય જતાં આજે અખાડાની સંખ્યા 7માંથી 14 થઈ ગઈ છે.

નાગા સાધુ સંન્યાસી સિવાય કોઈને પ્રણામ કરતાં નથી. પછી તેમની શરૂ થાય છે સાધુ બનવાની ટ્રેનિંગ.

સંગમ નગરી અલાહાબાદમાં અખાડાઓની અજબ ગજબ દુનિયા દેશ વિદેશના અનેક લોકોને આકર્ષિત કરે છે. આ અખાડાઓમાં સૌથી વધું ભવ્ય જૂના અખાડા છે. જૂના અખાડાના સાધુ યુદ્ધ કલામાં કુશળ હોય છે. પોતાનું પિંડદાન કર્યા પછી ગુરુ દીક્ષા આપે ત્યારે જે નામ અને ઓળખ આપે છે તેના તે સાધુ ઓળખાય છે. નાગા સાધુઓના માનસિક નિયંત્રણની પણ પરીક્ષા લેવામાં આવે છે. સાથોસાથ બ્રહ્મચર્ય પાલનની પણ પરીક્ષા લેવામાં આવે છે. તે દરમિયાન તેમને બે વખતનું ભોજન આપવામાં આવતું નથી. દિવસમાં એક વાર જમવાનું અને તે પણ સાત ઘરોથી ભિક્ષા ઉઘરાવીને મળેલું ભોજન લેવાનો અધિકાર હોય છે. જો તેમાં ભોજન ન મળે તો ભૂખ્યા સુવું પડે છે. નાગા સાધુઓને પથારી કરીને સુવાની પણ પરવાનગી આપવામાં આવતી નથી. જો કોઈ નાગા સાધુ આમ કરે તો તેને નાગા સાધુની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવે છે. તેથી નાગા સાધુ માત્ર જમીન પર સુવે છે. ડિસેમ્બર જાન્યુઆરીની કડકડતી ટાઢમાં પણ આ નાગા સાધુ જમીન પર જ સુએ છે.

જે વ્યક્તિ હિંદુ ધર્મ પાળતા હોય તેને જ નાગા સાધુ બનાવી શકાય છે. અન્ય કોઈ ધર્મ પાળતા વ્યક્તિને નાગા સાધુ બનવાની અનુમતિ આપવામાં આવતી નથી. હિંદુ ધર્મના કોઈ પણ જાતિના કોઈ પણ વ્યક્તિને નાગા સાધુ બનાવવામાં આવે છે. તે પણ યોગ્ય તપાસ પછી જ. નાગા સાધુઓને વસ્ત્રના નામ પર ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવાની જ અનુમતિ આપવામાં આવે છે. વાસ્તવમાં તેમનું જીવન એટલું કઠિન હોય છે કે જે આપણે વિચારી પણ ન શકીએ. આ નાગા સાધુઓ કુંભની શાન હોય છે. દેશભરમાં તે પોતાની પવિત્રતા માટે પણ જાણીતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન