નાગપંચમી-શીતળા સાતમ-જન્માષ્ટમી જેવા અનન્ય પ્રસંગોની હારમાળા - Sandesh
  • Home
  • Janmashtami
  • નાગપંચમી-શીતળા સાતમ-જન્માષ્ટમી જેવા અનન્ય પ્રસંગોની હારમાળા

નાગપંચમી-શીતળા સાતમ-જન્માષ્ટમી જેવા અનન્ય પ્રસંગોની હારમાળા

 | 12:58 am IST

પ્રાસંગિક

શ્રાવણ મહિનામાં હરિ અને હરનાં સંગમની સાથે આખી સૃષ્ટિને જીવમાત્ર માટે દયા, પ્રેમભાવ, કરુણાનો સંદેશ આપતા તહેવારોની ઊજવણી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે બોળચોથ, નાગપંચમી, રાંધણછઠ્ઠ, સાતમ, જન્માષ્ટમી, પારણાં જેવાં તહેવારો છે.

આપણે ક્રમાનુસાર દરેક તહેવારોની હારમાળાની વાત કરીશું. સૌ પ્રથમ શ્રાવણ વદ ચોથના દિવસે ‘બોળચોથ’ નું વ્રત થાય છે. દિવસે વ્રત કરનારે નિત્યકર્મથી પરવારી શુદ્ધ થઈ ગાયનું અને વાછરડાનું પૂજન કંકુ, ચોખા, ફૂલથી કરવું. આ દિવસે એકટાણું કરવામાં આવે છે. જેમાં ઘઉંની કોઈપણ વાનગી જમવામાં લેવાતી નથી. આ ઉપરાંત આ દિવસે દળવાનો કે ખાંડવાનો નિષેધ છે.

શુક્રવારે સૌથી મહત્ત્વનો હિંદુધર્મનો તહેવાર ‘નાગપંચમી’ ઉજવવામાં આવશે. દેશનાં ઘણા રાજ્યોમાં સર્પ અને નાગ પૂજન થાય છે. આ દિવસે નાગનાં મુખ્ય ૧૨ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દૂધ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે, ‘નાગરાજ’ ને પ્રસન્ન કરવાથી ભોળાનાથ ભગવાન શંકર પણ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે.

આ દિવસે સવારે સ્નાનાદિક નિત્ય કર્મથી શુદ્ધ થઈ પાણિયારે નાગની છબી અંકિત કરવી. નીચે દીવો કરવો. પૂર્ણ શ્રદ્ધાથી પૂજન કરી રૂનાં બનાવેલા ‘નાગલાં’ હાર સ્વરૂપે ચઢાવવા. કુલેરનું નૈવેદ્ય ધરાવવું. એકટાણામાં પલાળેલા મગ, મઠ, બાજરી, કાકડી ખાવી. કહેવાય છે કે ‘શેષનાગ’ પૃથ્વીને પોતાની ફણા ઉપર ધારણ કરી સંતુલિત કરતાં માનવજીવનને રક્ષણ આપે છે. માટે ‘નાગપાંચમ’ નાં દિવસે ‘રુદ્રાભિષેક’ કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. ‘સર્પસૂક્ત’ નું પઠન કરવામાં આવે છે. આ દિવસને ‘ગરૂડ પંચમી’ નામથી પણ ઓળખવામાં આવે છે. તેથી આ દિવસે ‘પિતૃપૂજન’ તર્પણ પણ કરવામાં આવે છે.   રાંધણ છઠ્ઠના દિવસે રાંધી સાતમના દિવસે ઠંડું ખાવાનું મહત્ત્વ છે. તો શીતળા સાતમ રવિવારે ઉજવાશે.

શીતળામાતા પ્રસિદ્ધ દેવી છે. પ્રાચીનકાળથી જ તેમનું મહત્ત્વ ઘણું છે. સ્કંધપુરાણમાં શીતળાદેવીનું વાહન ‘ગર્દભ’ બતાવ્યું છે. તે હાથમાં કળશ,સ્તૂપ, સાવરણી (ઝાડુ), તથા લીમડાનાં પાનને ધારણ કરે છે. રોચક જેવા રોગોની દેવી છે. પ્રતીકાત્મક મહત્ત્વ જોઈએ તો ઓરી, અછબડામાં રોગી કપડાં ઓછા પહેરે છે. સ્તૂપથી દવા થાય છે. ઝાડુથી ફોડા ફોડવામાં આવે છે અને લીમડાનાં પાન ફોડકાંને સડવા દેતાં નથી. ઠંડું પાણી આ રોચકનાં રોગમાં ઠંડક આપે છે તેથી કળશનું મહત્ત્વ છે. શીળીના ચાઠાં ગધેડાનાં લાદનાં લેપથી જતાં રહે છે. શીતળામાતાની પૂજા શીતળા અષ્ટક, ચાલીસા આરતી કરીને પ્રસન્ન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવતી શીતળા માટે નીચેનો મંત્ર કહ્યો છેઃ-

વન્દેહં શીતલાંદેવીં રાસભસ્થાંદિગમ્બરામ્ ।  

માર્જનીકલશોપેતાં સૂર્યાલંકૃતમસ્તકામ્ ।।  

અર્થાત્ ગદર્ભ પર બિરાજમાન દિગમ્બરા, હાથમાં ઝાડુ તથા કળશધારણ કરવાવાળી, સ્તૂપથી અલંહત મસ્તકવાળી દેવી શીતળાની હું વંદના કરું છું. આ મંત્રથી સ્પષ્ટ થાય છે કે આ સ્વચ્છતાની દેવી છે. હાથમાં ઝાડુનો અર્થ છે કે આપણે પણ સફાઈ માટે જાગૃત રહેવું જોઈએ. સ્વચ્છતા હોવાથી સ્વાસ્થ્યરૂપી સમૃદ્ધિ આવે છે. આ વ્રત કરવાથી કુળમાં દાહજવર, પીત્તજવર, દુર્ગંધયુક્ત ગુમડાં, આંખના રોગ, શીતળાની ફોડકીઓનાં ચિહૃન અને દોષ દૂર થાય છે.

પવિત્ર શ્રાવણમાસની સાતમે આખો દિવસ ઠંડું ખાવું. ચૂલો સળગાવવો નહીં. સ્ત્રીએ માથાબોળ નાહવું. ત્યારબાદ પૂજામાં ઘીનો દીવો કરવો અને શીતળામાતાની કથા સાંભળવી અને કહેવી. આ વ્રતથી જવરાસુર-તાવનો દૈત્ય, ઓલે ચંડી-બીબી- હૈજાની દેવી, ઘંટાકર્ણ-ત્વચા રોગનાં દેવતા તથા રક્તવતી દેવી પણ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે.

સોમવારે ‘જન્માષ્ટમી’ પૂરા ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં વસવાટ કરતાં ભારતીયો પણ પૂરી શ્રદ્ધાથી ઉમંગપૂર્વક આ પર્વ ઉજવે છે. યોગેશ્વર શ્રીકૃષ્ણ ‘ભાગવદ્ગીતા’નાં ઉપદેશથી અનાદિકાળથી જનસમુદાય માટે જીવનદર્શન પ્રસ્તુત કરે છે. શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની આઠમના દિવસે મધ્યરાત્રિએ અત્યાચારી મામા કંસનો વધ કરવા માટે મથુરામાં થયો હતો.

શ્રીકૃષ્ણ-જન્મ-અષ્ટમીને ‘મોહરાત્રિ’ પણ કહેવામાં આવી છે. આ દિવસે અને રાત્રે શ્રીકૃષ્ણનું ધ્યાન, નામ અને મંત્ર કરીએ તો સંસારની મોહમાયામાંથી આસક્તિ ઘટી જાય છે. આ વ્રતરાજ છે. આનું સવિધિ પાલન કરવાથી અનેક વ્રતોથી પ્રાપ્ત થતું પુણ્ય આ એક જ દિવસમાં મળી જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણને હળદર, દહીં, ઘી, તેલ, ગુલાબજળ, માખણ, કેસર, કપૂર વગેરે ચઢાવીને વ્રજવાસીઓ અને ભક્તો એકબીજા ઉપર લેપન અને ધૂળેટી જેવો માહોલ બનાવે છે. વાયોથી મંગલધ્વનિ ઉત્પન્ન કરતું સંગીત સંભળાવે છે. ભક્તો મીઠાઈ વહેંચે છે.

બ્રહ્મપુરાણનાં કહેવા અનુસાર રોહિણી નક્ષત્રમાં ચંદ્ર ઉગ્યો હોય તે અષ્ટમીનું વ્રત કરવું. ભવિષ્યપુરાણનાં મતાનુસાર જે મનુષ્ય આ વ્રત કરે છે તે પરમ સૌભાગ્ય, સુખ, સંપત્તિ પ્રાપ્ત કરી શ્રીકૃષ્ણની અનુકંપા મેળવે છે. ફક્ત આઠમનો જ ઉપવાસ કરવો, વ્રત કરવું તેવું કહ્યું છે, પરંતુ તે તિથિ જો રોહિણી નક્ષત્ર આવતું હોય તો ‘જયંતી’ નામથી સંબોધિત થશે. આ કથન ‘વહ્મિપુરાણ’માં છે.

પરંતુ શ્રીકૃષ્ણ ખૂબ નટખટ છે. ગીતાનાં ઉપદેશમાં તેમનું વચન છે કે, સ્વાસ્થ્ય અને સંબંધે સ્વસ્થ રહેવું. પૂર્ણ શ્રદ્ધાભાવથી અને પરોપકારપૂર્વક કરતાં કાર્યને પણ વ્રત ગણવું. કર્મ પ્રાધાન્યતાને મહત્ત્વ આપી મનુષ્ય તે દિવસે ઉપવાસ ન કરી શકે તો જૂઠું ન બોલવું. કોઈનું હૃદય ન દુભાવું, આખો દિવસ ઈશ્વરની ભક્તિ કરે તો અને જીવદયા પ્રત્યે નિષ્ઠાથી ફરજ નિભાવે તો તે વ્રત જ ગણાય છે.

પ્રેમ અને આનંદ જ્યાં હશે ત્યાં જીવન વૃંદાવન બની જશે. ગંભીરતાની સાથે આનંદપૂર્વક જીવન જીવવું તે કૃષ્ણ જન્માષ્ટમીનો મુખ્ય સંદેશ છે. આ દિવસે નીચે પ્રમાણે મંત્રો સંકટનાશક છે.

(૧) ૐ  કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને ।।  

 પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમોનમઃ ।।  

(૨) ૐ  નમઃ ભગવતે વાસુદેવાય કૃષ્ણાય કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ ।।  

– ડો.મૌલીરાવલ    [email protected]