નાગપુર સેન્ટ્રલ જેલની સુરક્ષા માટે ઈઝરાયલી ટીમનાં સૂચનો

મુંબઈ, તા. ૧
બે વર્ષ પૂર્વે ૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજ પાંચ ખતરનાક ગેન્ગસ્ટરો જેલ તોડીને નાસી છૂટયાની ઘટના બાદ નાગપુર સેન્ટ્રલ જેલમાં સુરક્ષા વ્યવસ્થાનું સર્વેક્ષણ હાથ ધરાયું હતું. ઇઝરાયલનાં સંરક્ષણ મંત્રાલય અને ઇઝરાયલ પ્રિઝન સર્વિસીસની સંયુક્ત ટીમે મહરાષ્ટ્ર સરકારને સુપરત કરેલા અહેવાલમાં નાગપુર સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાને ધરખમપણે અપગ્રેડ કરવા સૂચવ્યું છે. અહેવાલમાં નવી વ્યવસ્થા માટે ભલામણ કરાઈ છે જેમાં આધુનિક સાધનો, શ્વાનો, બમણી ઊંચી વાડ અને કેદીઓ માટે ઈલેક્ટ્રોનિક બ્રેસલેટ્સનો સમાવેશ થાય છે. ૧૫૧ વર્ષ જૂની નાગપુર જેલમાંથી કેદીઓ નાસી છૂટવાને પગલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ વૈભવ કાંબળેને સસ્પેન્ડ કરાયા હતા. ગેન્ગસ્ટર રાજા ગૌસના સાગરીત એવા આ પાંચ ગેન્ગસ્ટર અગાઉ મધ્ય પ્રદેશની જેલમાંથી પણ નાસી છૂટયા હતા.
સ્થાનિક અને વૈશ્વિક વહેણો અનુસાર, ખતરાનો તાગ મેળવવા ગત્ વર્ષે ૧૦ અને ૧૫ જુલાઈ વચ્ચે સર્વેક્ષણ કરાયું હતું. ટીમને જેલમાં હાલની સુરક્ષા વ્યવસ્થા- ઝ્રઝ્ર્ફ કેમેરા, અલાર્મ સિસ્ટમ, વાયરલેસ સંદેશવ્યવહાર વગેરે- અપૂરતી જણાઈ હતી.
ત્રણ મોટા ખતરાનો ટીમે તાગ મેળવ્યો હતો
જેલને અસર કરતા ત્રણ મોટા ખતરાનો ટીમે તાગ મેળવ્યો હતો જેમાં કેદીઓનો નાસી છૂટવાનો પ્રયાસ, જેલમાં કેફી પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓ ચોરીછૂપીથી ઘૂસાડવી અને કેદીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાના હાનિનો સમાવેશ થતો હતો.
ઇઝરાયલની મુલાકાત દરમિયાન ફડણવીસેઔચર્ચા કરી હતી
એક વરિષ્ઠ જેલ અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એપ્રિલ ૨૦૧૫માં ઇઝરાયલની મુલાકાતે ગયા ત્યારે તેમણે મહારાષ્ટ્રમાં જેલોની કંગાળ સુરક્ષા અને જેલ તોડીને કેદીઓ નાસી છૂટવાના મુદ્દાની પણ ચર્ચા કરી હતી. હવે ઇઝરાયલી ટીમનો અહેવાલ સુપરત કરાયો હોવાથી તેનો બહુ જલદી અમલ થવાની વકી છે. જેલ અને ગૃહ વિભાગના સત્તાવાળાઓ પાસેથી ફીડબેક માગવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન