ન તુમ કહ સકે, ન હમ કહ સકે... - Sandesh

ન તુમ કહ સકે, ન હમ કહ સકે…

 | 2:36 am IST

વાર્તા :- અમૃત વડિયા

સુરીલી, આવતીકાલે હું તને મોટું સરપ્રાઈઝ આપવાનો છું. મારો પ્રયાસ સફળ થયો છે. મેં નહોતું ધાર્યું કે કોઈ સેલિબ્રિટી આટલી સરળ, સારી, સાલસ હોઈ શકે, સદાનંદે હર્ષથી ઉછળતાં ઉછળતાં મોબાઈલ ફોનને ચૂમી લેતાં કહ્યું.

ઓહ બાબા, તું આટલો બધો ઉછળે છે પણ પહેલાં કહે તો ખરો કે એવું તે શું થયું છે! તને શું સફળતા મળી છે? અને આ સેલિબ્રિટીની જે વાત કરે છે તે શું છે ? સુરીલીએ સદાનંદના આટલા બધા આનંદનું કારણ જાણવા પૂછયું.

સુરીલી, તું અમર… ગ્રેટ સિંગર અમરને જાણે છે? એ કેટલો મોટો સિંગર છે! આવડો મોટો સિંગર મને ઈન્ટરવ્યૂ આપવા તૈયાર થઈ ગયો છે, એટલું જ નહીં એણે મને ફાઈવ સ્ટાર હોટલ પર ડિનર કરતાંકરતાં ઈન્ટરવ્યૂ આપવા કહ્યું છે!

ઓહ માય ગોડ… શું વાત કરે છે ? અમર તને ઈન્ટરવ્યૂ આપવા તૈયાર થયો? કમાલ કહેવાય ! સુરીલીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

એટલું જ નહીં એણે મને વિથ ફેમિલી ઈન્વાઈટ કર્યો છે, બોલ, મેં એને કહ્યું, ફેમિલીમાં હાલ અમે બે જ છીએ. બાબો તો હોસ્ટેલમાં રહી સ્ટડી કરે છે ? એટલે મારી વાઈફને ચોક્કસ લાવીશ.. એ બહાને તે પણ તમને મળી શકશે.

તેં કેમ માની લીધું કે હું આવીશ ? મને આવા બધામાં બહુ રસ હોતો નથી સમજ્યો. સુરીલીએ ખોટો છણકો કર્યો.

જેવી તારી મરજી. ના આવવું હોય તો ના આવતી. આવો ગોલ્ડન ચાન્સ ગુમાવવો હોય તો ગુમાવી દેજે! મારે બેવડો ફાયદો થશે. એક તો અમારા મેગેઝિન માટે ઈન્ટરવ્યૂ અને બીજું મારા ફેવરિટ સિંગરને રૂબરૂ મળવાનું સ્વપ્ન પૂરું થશે તે! સદાનંદ ખુશ થતો થતો ફ્રેશ થવા જતો રહ્યો પરંતુ સુરીલી ઊંડા વિચારમાં ડૂબી ગઈ. હકીકતમાં તો અમરને મળવાનો આનંદ એનાથી વધુ કોને હોઈ શકે? એ સદાનંદને કઈ રીતે કહે કે આ અમર તો એક સમયે એના શ્વાસોશ્વાસમાં છલકાતો અને ગીતોમાં ગુંજતો હતો. એ બંને સ્કૂલમાં હતાં ત્યારે એક જ સંગીત ક્લાસમાં મળી ગયાં હતાં. બંને વચ્ચે મૈત્રી થઈ અને પછી કોલેજમાં પહોંચ્યાં ત્યાં સુધીમાં વધુ ગાઢ બની ગઈ હતી. તેઓએ એક આખું મ્યુઝિકલ ગ્રૂપ બનાવ્યું હતું. સ્ટડી કરતાં કરતાં સંગીત આપવા પણ જતા. બંનેએ કેટલાંય ડયૂએટ ગીત સાથે ગાયાં હતાં. તેરે મેરે મિલન કી યે રૈના… યે કહાં આ ગયે હમ… કસમેં-વાદેં નિભાયેંગે.. ક્યા હુઆ તેરા વાદા…તેરા મુજ સે પહેલે કા… જેવાં કેટલાંય ગીતો તેઓ ગાતાં ત્યારે લોકો આફરીન પોકારી જતા.

અમર તેને લવ કરવા માંડયો હોવાનું અનુભવાતાં એ પોતે ચોંકી હતી. એનેય તેના પ્રત્યે ખૂબ લાગણી હતી, પરંતુ તેના ફેમિલીએ તેના એન્ગેજમેન્ટ નક્કી કર્યા ત્યાં સુધીમાં તે બંનેએ લવ કન્ફેસ કર્યો ન હતો. એટલે તે એન્ગેજમેન્ટને રોકી ન શકી, પરંતુ એ પછી તેનાથી કોલેજમાં જઈ શકવાની અને અમર સાથે આંખ મેળવવાની હિંમત ન ચાલતાં સ્ટડી જ છોડી દીધો. અમરે એનો મોબાઈલ ફોન પર કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારે નાછૂટકે એને પોતાના એન્ગેજમેન્ટની વાત કરવી પડી હતી. એણે એવી મીઠી ફરિયાદ કરી હતી કે આખરે આપણે ફ્રેન્ડ્ઝ છીએ. તેં મને તારા આટલા બધા આનંદના સમાચાર પણ ન આપ્યા? જા, હું તારાથી નારાજ છું! એ પછી એણે ક્યારેય એનો કોન્ટેક્ટ કર્યો ન હતો તેમજ મોબાઈલ ફોન નંબર જ બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ એ સદાનંદ સાથે મેરેજ કરીને મુંબઈથી અમદાવાદ સાસરે આવી ગઈ હતી. એ અમરને ભૂલી ન હતી, પરંતુ એ હંમેશાં અપરાધભાવ અનુભવ્યા કરતી હતી. અમરે તો પછી સંગીતની દુનિયામાં બહુ મોટું નામ કમાવા માંડયું હતું. એ બહુ મોટો સેલિબ્રિટી બની ગયો હતો. એનાં ગીતોમાં જે દર્દ ઘૂંટાતું તે જ મોટું આકર્ષણ હતું. એટલે જ તો એ પોતે એનાં ગીતો દરરોજ સાંભળ્યા કરતી. સદાનંદ પત્રકાર અને ગીતોનો શોખીન હોવાથી તેણે અમરનો કોન્ટેક્ટ કરીને છેક ઈન્ટરવ્યૂ લેવા સુધીની વાત નક્કી કરી હતી. તે તેની સાથે જાય તો તેનો એક સમયનો મીત તેને જોવા તો મળે. પણ ક્યાંક એ બંને એકબીજાના ફ્રેન્ડ હોવાની વાત બહાર આવે તો સદાનંદ શું ફિલ કરે ? કદાચ એ ન ઓળખે એવુંય બને. બહુ બહુ તો શું થશે? એમ વિચાર્યું ત્યાં જ ફ્રેશ થઈને આવેલા સદાનંદે એનો ગાલ ખેંચતાં કહ્યું. મેડમ, કઈ દુનિયામાં ખોવાઈ ગઈ છે ?

બસ, હું એ જ વિચારતી હતી કે તારી સાથે આવું તો ફાઈવ સ્ટાર હોટલમાં જવાનો લહાવો તો મળે!

બસ, તો તૈયાર થઈ જા… આપણે વહેલા પહોંચી જઈએ. કહી સદાનંદ ફરી મોબાઈલ પર કોઈ સાથે વાતે વળગ્યો. એટલી વારમાં એ તૈયાર થઈ ગઈ અને બંને હોટલ પર પહોંચ્યાં. અમરે તેના સેક્રેટરી મારફત તેમના સ્વાગત વગેરેની બધી વ્યવસ્થા કરી આપી હતી. એકાદ કલાક બાદ એને એના સ્યૂટમાં જ ડિનર માટે લઈ જવાયાં! અમરે તે બંનેને આવકાર્યાં અને સદાનંદ તેનો ફેન હોવાથી આનંદ વ્યક્ત કરતાં કહ્યંુ, તે તેનો ફેન છે એટલે જ તને ઈન્ટરવ્યૂ આપી રહ્યો છે. બાકી હવે પબ્લિસિટીમાં બહુ રસ નથી. સદાનંદે સુરીલીનો ઈન્ટ્રો કરાવતાં તેણે સ્મિત કરીને હાય એટલું જ માત્ર કહ્યું. સુરીલીનો શ્વાસ હેઠો બેઠો,હાશ એ મને ઓળખી નથી શક્યો! હવે કોઈ ડર ન હતો. એ બહુ મોટો માણસ બની ગયો હોવાથી તેને ભૂલી ગયો છે એ સારું થયું.

એમ વિચારી એ ડિનર માટે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયાં. અમરે તેના બચપણથી જ બધી વાતોની શરૂઆત કરી. એણે પોતે સંગીતની દુનિયામાં કઈ રીતે પ્રવેશ્યો અને ક્રમશઃ કઈ રીતે કઈકઈ સફળતા મેળવી તેનું બયાન કર્યું. એણે ખૂબ ધીરજપૂર્વક સદાનંદના સવાલોના જવાબ આપ્યા. સદાનંદે એને ખૂબ જ નમ્રતાપૂર્વક વિનંતિ કરતાં કહ્યું. સર, આપને વાંધો ન હોય તો પૂછી શકું કે આપે મેરેજ કેમ ન કર્યા ? આપની લાઈફમાં કોઈ પ્રેમી પાત્ર ન આવ્યું હોય એવું તો ન જ બને. આ અંગે કંઈ ઓફ ધી રેકોર્ડ કહો!

ઓહ ડિયર… તેં એવો સવાલ કર્યો છે કે જેનો જવાબ હું આજેય શોધું છું. મારે પણ એક દોસ્ત હતી. અમે બંનેએ ઘણાં ગીતો સાથે ગાયાં હતાં. એ મારાથી પણ વધુ સરસ ગાતી હતી. હું એને લવ પ્રપોઝ કરી ન શક્યો અને તેણે એન્ગેજમેન્ટ કરી લીધા તેનીય મને ન જાણ કરી! પછી તો એના મેરેજ થઈ ગયા હશે. હવે એ ક્યાં હશે ? એ તો તે જ જાણે. બસ, એની ખુશી જ મારો આનંદ છે. કહી એણે સુરીલી સામે જોઈ સ્મિત કર્યું.

એટલે અચાનક સુરીલી બોલી. સર, કદાચ તમને એ લવ કરતી હશે એટલે જ એણે એના એન્ગેજમેન્ટની વાત તમને કરી નહીં હોય.

હા, મને પણ એવું જ લાગ્યંુ છે. એટલે તો પછી કોઈને લવ કરવાનું અને મેરેજ કરવાનું જ માંડી વાળ્યું છે! હા સદાનંદ, તમારે આ વાત ઈન્ટરવ્યૂમાં ક્યાંય લખવાની નથી. એટલું ભૂલતા નહીં. તમે ડિનર કરો… મારે જરા જલદી બહાર જવું પડે એમ છે. થેંક્યુ… કહી એ સુરીલી સામે સ્મિત કરી ડાઈનિંગ ટેબલ પરથી ઊભો થઈ ગયો. પણ પછી વોશરૂમમાં એ પોતાની આંખોને છલકાતી રોકી શક્યો ન હતો.

(તસવીર પ્રતીકાત્મક છે)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન