નલિન કોટડિયાનું નવું તરકટ : પરિવાર સાથે ઉપવાસ પર ઊતરવાની ધમકી આપી  - Sandesh
  • Home
  • Ahmedabad
  • નલિન કોટડિયાનું નવું તરકટ : પરિવાર સાથે ઉપવાસ પર ઊતરવાની ધમકી આપી 

નલિન કોટડિયાનું નવું તરકટ : પરિવાર સાથે ઉપવાસ પર ઊતરવાની ધમકી આપી 

 | 3:23 am IST

અમદાવાદ,તા ૯

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ૧૭૬ બિટકોઇન પડાવી લેવામાં ભાગબટાઇ કરનાર પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ પણ ૬૬ લાખ રુપીયા લીધા હોવાનુ સીઆઇડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યુ છે. બીજી તરફ નલિન કોટડિયાએ આજે સીઆઇડી ક્રાઇમને પત્ર લખી બિલ્ડર શૈલેષ વિરુધ્ધ કાર્યવાહી કરવાની માંગણી સાથે ચિમકી ઉચ્ચારી છે કે, બિલ્ડર શૈલેષ ભટ્ટ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો પરિવાર સાથે ઉપવાસ પર ઉતરશે. ઉપરાંત ૧૨મી તારીખ સુધી કોટડિયાએ ધરપકડ ન કરવા માટે પણ સીઆઇડીને રજુઆત કરી છે.   સીઆઇડી ક્રાઇમે ધારીના ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને સસપેન્ડેડ અમરેલીના એસ.પી. જગદીશ પટેલના વહિવટદારને શોધવા માટે ત્રણ ટીમો બનાવી છે. સીઆઇડીની ટીમને કોટડિયાનું લોકેશન મળી ગયુ છે. જેથી ગમે તે ઘડીએ કોટડીયાની પોલીસ ધરપકડ કરે તેવી શકયતા હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ છે.

નલિન કોટડિયા પોતાની ધરપકડથી બચવા માટે હવાતિયા મારી રહ્યા છે. જેના કારણે તેઓ સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર થવાના બદલે ઉપરથી સીઆઇડીએ તેની કાર્યવાહી કરવી તેવી સલાહ આપી રહ્યા છે. જો કે સીઆઇડીએ નલિન કોટડીયાનો રોલ પણ સ્પષ્ટ કરી દીધો જ છે. તેમણે તોડપાણી કરીને આપેલા ૨૫ લાખ રૂપિયા પણ રિકવર કરી લીધા છે. જેના કારણે તેમણે બચાવમાં કંઇ કહેવુ હોય તો તે બાબતે પણ તક આપી છે. તેમ છતાં કોટડીયા ભાગતા ફરે છે. જેથી સીઆઇડીએ તેમની ધરપકડ કરવા માટે ગાળિયો મજબુત કરી દીધો છે. સીઆઇડી ક્રાઇમની ત્રણ ટીમોએ અમરેલીના આરોપી એસ.પી જગદીશ પટેલના વહીવટદાર ધર્મેન્દ્ર પવારને પકડવા માટે સુરત, અમરેલી અને રાજકોટમાં પોલીસે ધામા નાખ્યા છે. ધર્મેન્દ્ર પવાર પાસે જગદીશ પટેલના ૮૦ લાખ રિ-કવર કરવા માટે પોલીસ તેણે શોધી રહી છે.

સીઆઇડી ક્રાઇમ સેન્ટ્રલ એજન્સીને તપાસમાં સામેલ થવા જાણ કરશે

પીડિત બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણ કરી બિટકોઇન પડાવી લેવાના કિસ્સામાં હવે સીઆઇડી  દ્વારા ટૂંક સમયમાં સેન્ટ્રલ એજન્સીઓને તપાસમાં સામેલ થવા જાણ કરાશે. બિટકોઇન કેસમાં કરોડોનું બેનામી કાળુ નાણું રોકાણ થયું છે જેથી ઈડ્ઢ તપાસ કરશે તો હવાલા રેકેટનો પર્દાફાશ થશે.

કોટડિયાએ સીઆઇડી ક્રાઇમને પત્ર લખી સ્વ-બચાવનો નુસખો કર્યો

૧૨ કરોડના બિટકોઇન કૌભાંડમાં ફરીયાદીએ કરેલા મારા પર કરેલા આરોપ બાબતે મારો જવાબ લેવા આપના તરફથી મને જાણ કરવાના સમાચાર મને મીડીયા દ્વારા જાણવા મળ્યા છે. મારા અંગત કામથી રાજયની બહાર હોવાથી ૧૧મી અથવા ૧૨મી તારીખે સીઆઇડી ગાંધીનગર ખાતેની કચેરીએ જવાબ આપવા જાતે આવીશ. મારે આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. મને જે રકમ મળી છે. તે જમીન વેચાણથી મળી છે. મારી સામે ગુન્હો દાખલ કરતાં પહેલાં મને સાંભળવો જરુરી છે. મારે હાજર રહેવાનુ કોઇ કારણ નથી. મને ૪ દિવસની વધારે મુદત આપશો.