'નંદોત્સવ' - Sandesh

‘નંદોત્સવ’

 | 2:54 am IST

ખોબામાં દરિયોઃ રેખાબા સરવૈયા

હમણાં જ જન્માષ્ટમી ગઈ. એની ધામધૂમથી ઉજવણી થઈ.

જન્માષ્ટમીનું મહત્ત્વ અને મહાત્મ્ય સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ પૂરા ગુજરાત અને ભારતમાં અનેરું છે. જનમાનસમાં નંદલાલાને લઈને જ પ્રેમ છે એ અદ્દભુત છે.

યશોદાનાં આંગણે એ યુગમાં જે આનંદોત્સવ રચાયો હશે એની ઝાંખી કરાવવાની હોડમાં ઉતરી શકે એવી- એવી તૈયારી શહેર-શહેર-ગામ-ગામ અને ગલી-ગલીમાં હતી.

અહીં પણ ગામની ગલી વાળી ચોળીને સાફ કરી દીધી હતી. મહોલ્લાનાં પ્રવેશદ્વારો પર કેળની કમાનો ઝુલતી હતી. આસોપાલવનાં તોરણો અને રંગીન પતાકાઓથી આકાશ પણ ન દેખી શકાય એવો રંગીન માહોલ જમાવટ કરી રહ્યો હતો.

ગલીએ-ગલીએ ગોરસ અને માખણની હાંડીઓ લટકાવી દેવામાં આવી હતી અને યુવાનોનાં એક ઉપર એક એમ ગોઠવાયેલા માનવ પિરામિડો થકી મટકી ફોડવાનો વરસોનો ઉપક્રમ જાળવવા સૌ તૈયાર અને ઉત્સુક હતા.

પરંપરાગત માર્ગો ઉપર ફરતી-ફરતી કનૈયાની રવેડીની અને સાથે નીકળેલા નાટયવૃંદો તથા ટ્રકમાં તૈયાર કરેલા અવનવા વિષયોને વાચા આપતા ફ્લોટ્સ જોવા માટે માણસોની ભીડ હકડેછઠ જામી ગઈ હતી.

જાણે કે ઝરૂખા-બાલ્કની-અગાસી-ગલિયારામાંથી માણસો પણ માખણ અને ગોરસની જેમ છલકાય રહ્યા હતા.

હવામાં આનંદ અને ઉત્સાહની હેલી ચડી હતી અને એમાંય ભક્તજનો પાંૈવા-ધાણી-સાકર-ખારેક-જાંબુ-અંજીર અખરોટનો ઉછાળ કરી રહ્યા હતા…જાણે કે હરિરસની વાંછટ…

ટ્રક કે ટ્રેકટરના ટ્રેલરમાં બેસીને ભજનમંડળીઓ ઝાંઝ-પખવાઝ-મૃદંગ-તબલા-ઢોલકનાં નાદથી ગગન ગજવીને અસ્પષ્ટ સ્વરોમાં ભજન લલકારતી પસાર થતી હતી.

અખાડાના કસરત બાજ યુવાનો સરાજાહેર પોતાનાં અંગને પ્રર્દિશત કરી શક્તિપ્રેરક અવનવા હૈરતઅંગેઝ કસરતનાં દાવો કરી રહ્યાં હતાં.

એવા રંગીન મસ્ત મજાનાં વાતાવરણમાં જાણે કે ભંગ પડયો હોય એમ ગલીમાં હો…હા…ને…દેકારો મચી ગયો…કોઈનાં છાપરે ચડીને ભીખુએ દહીં-માખણ-ગોરસની હાંડી ચોરી લીધી હતી અને ચોરાનાં ઓટલે બેસીને નિરાંતે ખાવાની ગણતરીથી એ ઝડપભેર ભાગ્યો એમાં લોકોને ખબર પડી ગઈ બસ…પછી તો પૂછવું જ શું?

નંદલાલની રવાડી નીકળ્યા પેલા એની હાંડી ચોરી જનાર પાપીને બક્ષવો ન જોઈએ…

એક ટોળાનાં જોર પાસે બાપડો ભીખુ કેમનો ટકી શકે? અને એ પણ ૩.૩ દિવસની ભૂખનું દુઃખ અને તાવથી ધખતા અશક્ત શરીરને લઈને કેટલુંક ખેંચી શક્તે?

આખરે સપડાઈ ગયો…અને ડાહ્યા લોકોએ એક પાગલ માણસને બસ ગુંદી જ નાખ્યો…

અર્ધ બેભાન અવસ્થામાં જમીન પર ફસડાઈ પડેલા ભીખુનાં કાને હવામાં ગુંજતા શબ્દો સ્થિર થઈ ગયા હતા…

“નંદ ઘેર આનંદ ભયો…જય કન્હૈયા લાલ કી…

હાથી ઘોડા પાલખી…જય કન્હૈયા લાલ કી…,”

[email protected]