નેપ સ્ટોરઃ ઝપકી મારવાની મોંઘી જગ્યા કરી આપતું સ્થળ ! - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • નેપ સ્ટોરઃ ઝપકી મારવાની મોંઘી જગ્યા કરી આપતું સ્થળ !

નેપ સ્ટોરઃ ઝપકી મારવાની મોંઘી જગ્યા કરી આપતું સ્થળ !

 | 2:51 am IST

ઓફબીટઃ જિજ્ઞાસા પટેલ

વિશ્વમાં અતિવ્યસ્ત ગણાતા ન્યૂયોર્ક જેવા શહેરમાં તમે નોકરી કરતા હોવ તો વળી ઝોકું તો ખાઇ જ ક્યાં શકો? હવે તેનો હલ તો કઢાયો છે, પણ એ ૪૫ મિનિટનું ઝોકું ખાવા માટે તમારે બે હજાર ચૂકવવા પડે !

આપણે જ્યારે બપોરે જમીને પંદર- વીસ મિનિટનો આરામ કરીએ છીએ, તેને વામકૂક્ષી કહીએ છીએ. જો કે દેશી ભાષામાં તો તેને આપણે ઝોકું ખાઇ લીધું એમ કહીએ છીએ. આ ઝોકું પણ આપણને પ્રફ્ુલ્લિત કરી દેવા માટે પૂરતું હોય છે. તમે એકાદ ઝોકું ખાઇને ફ્રીથી સારી રીતે કામ કરી શકો છો. એ ખરું કે કેટલાક તબીબો માને છે કે બપોરની ઊંઘ એ તમારા શરીર પર ચરબીના થર વધારનારી હોય છે. પરંતુ બપોરનું એક ઝોકું ખરેખર તો બપોર સુધીમાં શારીરિક અને માનસિક થાક પહોંચ્યો હોય, ત્યારે સાંજ સુધી કામ કરતા રહેવા માટે ખરેખર આશીર્વાદરૂપ બની જાય છે.

આજના સ્પર્ધાત્મક જમાનામાં મોટા ભાગની નોકરીઓ ટાર્ગેટ આધારિત બની ગઇ છે, ત્યારે એક પળ પણ તમે આરામ કરો એ ઉપરી અધિકારી ચલાવી લેતો નથી. એ અલગ વાત છે કે અમેરિકા અને જાપાન જેવાં દેશોમાં કેટલીય કંપનીઓ એવી છે, જે માને છે કે કર્મચારી સ્વસ્થ રહે, પ્રફ્ુલ્લિત રહે તે કંપની માટે વધુ સારું કામ કરી શકે છે. એ કારણથી જ વિકસિત દેશોમાં અને હવે તો આપણે ત્યાં પણ કેટલીય કંપનીઓએ ફઇવ ડે વીક રાખ્યા છે. સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશમાં તો અત્યારે ફેર ડે વીકનો પ્રયોગ પણ એક કંપનીએ શરૂ કર્યો છે. કહેવાનો મતલબ એ જ કે કર્મચારી જેટલી સારી રીતે કામ કરી શકે એટલો જ કંપનીને ફયદો વધુ. એ હેતુથી જ કંપનીઓ હવે કર્મચારીઓને વિવિધ સગવડ આપી રહી છે.

જો કે ન્યૂયોર્ક જેવા સતત હાંફ્તા રહેતા મહાનગરમાં તમને કંપની સગવડ આપવા માંગે તો પણ આપી શકે કે કેમ એ પ્રશ્ન થાય. પરંતુ એ સતત દોડતા રહેતા નગરમાં કામ કરતા લોકો ઇચ્છે છે કે તેમણે પણ સતત દોડતા રહેવાનું છે અને એ માટે જ ક્યારેક મોટો કૂદકો મારવા માટે બે ડગલાં પાછળ ભરવા પડતા હોય છે. એવું જ ઝબકીનું છે. કર્મચારી સતત કામ કરીને થાકતો હોય, હવે તો એસી સહિતની સગવડવાળી ઓફ્સિમાં શારીરિક થાક લાગે એવું કામ બહુ ઓછું હોય છે, ત્યારે માનસિક થાક સામે કર્મચારી તાજોમાજો રહે એ જરૂરી છે. એ ધ્યાનમાં રાખીને જ હવે ન્યૂયોર્ક જેવા શહેરોમાં ઝબકી ખાવાની સગવડ આપવાનો બિઝનેસ શરૂ થયો છે.

ખાસ, ઝોકું ખાવાના આરામગૃહો બન્યા છે, જેને નેપ સ્ટોર કહે છે. નાના નાના રૂમમાં તમને મસ્ત નરમ નરમ પથારી મળતી હોય, સાથે તરત જ ઊંઘ આવે એ માટેનો માહોલ તૈયાર કરવા માટે છત અલગ પ્રકારની જ બનાવાયેલી હોય છે. છત એવી કે જાણે રાત્રિ આકાશમાં તમે ખુલ્લામાં બેઠા હોય અને ટમટમતા તારાની મહેફ્લિ જોવા મળતી હોય એવું દ્રશ્ય જોવા મળે છે. એ ફ્ક્ત તમારા મગજને સુવા માટે તૈયાર કરવા પૂરતું જ હોય છે.

સતત કમ્પ્યૂટર પર કામ કરવાને લીધે તમારી આંખ પણ થાકી ગઇ હોય તો આ નેપ સ્ટોરમાં હળવી ઊંઘ કાઢીને તમે આંખને પણ આરામ આપી શકો છો. અહીં નાના રૂમમાં આરામદાયક પથારીની સાથે સાથે દીવાલ પર ટીવી પણ હોય છે. પરંતુ એ ટીવી જોવાથી તમને રસ પડતો કાર્યક્રમ આવી જાય તો ઊંઘ ઊડી જાય એને બદલે એ કાળાપડદો જ હોય એવું હોય છે, જેને કારણે તમારી આંખ સામે જાણે અંધારું છવાઇ ગયું હોય એવો માહોલ તૈયાર થતો હોય છે.

સરવાળે તમે અડધોએક કલાક ઝોકું ખાઇ લો એટલે તમે તરોતાજા થઇ જાવ અને ફ્રી કામ કરતા થઇ જાવ.

હા, આ નેપ સ્ટાર એ કોઇ કંપનીનું આરામગૃહ નથી, પણ એ જ આખો બિઝનેસ છે ! કેસ્પર નામના નેપ સ્ટોરના સહસ્થાપક નીલ પારેખ છે, ગુજરાતી છે. નીલ પારેખ કહે છે કે લાલ ઘૂમ આંખ લઇને ફ્રતા રહેવાથી તમે થાકી ગયાનો અહેસાસ તો સૌને થાય છે, એમ છતાં તમે કામ કરવાનું ચાલુ રાખો તો તમારા માટે એ નુકસાનકારક છે. એ સંજોગોમાં નેપ સ્ટોરમાં જઇને તમે પૈસા ખર્ચીને એક નાનો રૂમ રાખીને એસીની ઠંડી હવા કે માફ્કસરનું તાપમાન રાખીને થોડો સમય ઝોકું લગાવી દો એટલે તમારું શરીર ફ્રી થનગનતું થઇ જાય. એ ઝબકી મારી લીધા પછી નેપ સ્ટોરવાળા જ તમને જગાડી દે એટલે નોકરીનું પણ ટેન્શન રાખવાની જરૂર નહીં.

એમ તો આ કંઇ આરામગૃહ નથી. પરંતુ મેટ્રેસીસ બનાવતી કંપનીનો એ માર્કેટિંગ આઇડિયા છે ! તમને મસ્ત ઝોકું આવી જાય એટલે એ જ ઝપકી કેન્દ્રમાં બીજી બાજુ કંપનીનું પ્રમોશન ચાલતું હોય છે, જ્યાં તેમના ગાદલાંના વેચાણ માટે તમને તેની મહત્તા સમજાવાતી હોય છે. ખેર, અત્યારે તો આ આઇડિયા ખૂબ જ હિટ થઇ રહ્યો છે. લોકો ૧૫થી ૫૦ ડોલર ખર્ચીને ઝબકી મારી જઇને ફ્રી નોકરી કરવા મંડી પડતા હોય છે, સવારે ઊઠીને જે જુસ્સામાં કામ કરતા હોય એ રીતે જ !

[email protected]