NPA અને બેડલોન માટે વધુ પડતા આશાવાદી બેન્કરો જવાબદાર : રાજન - Sandesh
  • Home
  • India
  • NPA અને બેડલોન માટે વધુ પડતા આશાવાદી બેન્કરો જવાબદાર : રાજન

NPA અને બેડલોન માટે વધુ પડતા આશાવાદી બેન્કરો જવાબદાર : રાજન

 | 2:19 am IST

। નવી દિલ્હી ।

મુરલી મનોહર જોશીના નેતૃત્વ હેઠળની એસ્ટિમેટ કમિટીને પાઠવેલી નોંધમાં રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેન્કોની વધેલી એનપીએ અને બેડ લોન માટે વધુ પડતા આશાવાદી બનેલા બેન્કરો, ધીમી ગતિએ લેવાતા સરકારી નિર્ણયો અને આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડાને જવાબદાર ગણાવ્યાં છે. રાજને જણાવ્યું હતું કે, તપાસ થશે તેવા ભય સાથે સંકળાયેલ કોલસાની ખાણની ફાળવણી જેવી શાસનની સમસ્યાઓએ દિલ્હીમાં યુપીએ અને ત્યારબાદ સત્તામાં આવેલી એનડીએ સરકારોની નિર્ણય લેવાની ઝડપમાં ઘટાડો કરી દીધો હતો. તેના કારણે અટવાઇ ગયેલા પ્રોજેક્ટોના અંદાજિત ખર્ચમાં વધારો થતો રહ્યો હતો. પ્રોજેક્ટો તેમના દેવાં ચૂકવવામાં અક્ષમ બની ગયાં હતાં.ભારતમાં વીજળીની તીવ્ર અછત હોવા છતાં દેવા તળે દટાયેલાં વીજમથકોની સમસ્યાઓ યથાવત્ રહી છે અને આજ સુધી તેનો ઉકેલ આવ્યો નથી.

રઘુરામ રાજને જણાવ્યું હતું કે, ૨૦૦૬-૨૦૦૮ના સમયગાળામાં આર્થિક વૃદ્ધિદર મજબૂત હતો ત્યારે અપાયેલાં ધિરાણો મોટી સંખ્યામાં બેડલોન બન્યાં હતાં. આ સમયગાળામાં અગાઉના માળખાકીય પ્રોજેક્ટો સમયસર પૂરાં થયાં હતાં. આવા સમયમાં જ બેન્કો ભૂલ કરતી હોય છે. તેમણે એમ માની લીધું કે ભૂતકાળનો વૃદ્ધિદર ભવિષ્યમાં પણ યથાવત્ રહશે. તેથી બેન્કોએ પ્રોજેક્ટોને મોટાપાયે ધિરાણ આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલાંક કિસ્સામાં તો બેન્કોએ પ્રમોટરની ઇન્વેસ્ટમેન્ટ બેન્ક દ્વારા રજૂ કરાયેલા પ્રોજેક્ટ રિપોર્ટના આધારે જ ધિરાણ આપી દેવાયાં હતાં. બેન્કોએ જાતે પ્રોજેક્ટની કોઇ ચકાસણી કરી નહોતી. ભારતીય બેન્કોનોં આ ગેરવ્યાજબી ગણી શકાય તેવું ઐતિહાસિક વલણ હતું. અર્થતંત્રની આવી સાઇકલમાં બેન્કોનો આવો વ્યવહાર સામાન્ય છે.

દુર્ભાગ્યે ધાર્યા પ્રમાણે આર્થિક વિકાસ દર જળવાઈ રહેતો નથી. તેજીની પાછળ પાછળ મંદી પણ આવે છે અને તેનાથી ભારત અળગો રહી શકે નહીં.

પ્રમોટર અને બેન્કરોની નિરસતા જવાબદાર

રઘુરામ રાજને વધતી એનપીએ માટે પ્રમોટર અને બેન્કરોની નિરસતાને પણ જવાબદાર ગણાવી છે. સ્પષ્ટ વાત છે કે, બેન્કરો વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી ગયાં હતાં. તેમણે બહુ ઓછી લોનની યોગ્ય ચકાસણી કરી હતી. ઘણી બેન્કોએ તેમના દ્વારા અપાતી લોનની સ્વતંત્ર સમીક્ષા જ કરી નહોતી. બેન્કોએ લોન આપવી કે નહીં તેની ચકાસણી માટે એસબીઆઇ કેપ્સ અને આઇડીબીઆઇ પર વધુ પડતો મદાર રાખ્યો હતો. ચકાસણીનું આ પ્રકારનું આઉટસોર્સિંગ સિસ્ટમની નબળાઈ છે.

એનપીએ વધતી અટકાવવા રાજનના સૂચનો

૧. સરકારી બેન્કોના સંચાલનમાં સુધારો કરવાની જરૂર

૨. એનપીએનું જોખમ ઘટાડવા પ્રોજેક્ટનું મૂલ્યાંકન અને મોનિટરિંગ

૩. રિકવરી પ્રોસેસ સશક્ત બનાવવી

૪. સરકારી બેન્કો પર સરકારની નિયંત્રણમાં ઘટાડો

;