કેન્દ્ર અને 10 રાજ્યોમાં એક સાથે ફતેહ હાંસલ કરવા નરેન્દ્ર મોદીને માસ્ટર સ્ટ્રોક - Sandesh
  • Home
  • India
  • કેન્દ્ર અને 10 રાજ્યોમાં એક સાથે ફતેહ હાંસલ કરવા નરેન્દ્ર મોદીને માસ્ટર સ્ટ્રોક

કેન્દ્ર અને 10 રાજ્યોમાં એક સાથે ફતેહ હાંસલ કરવા નરેન્દ્ર મોદીને માસ્ટર સ્ટ્રોક

 | 3:17 pm IST

દેશની જનતાએ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને 60 મહિના માટે સત્તા સોંપી હતી. પરંતુ હવે 2019 પહેલા જ ડિસેમ્બર 2018માં એટલે કે 5 મહિના વહેલા વડાપ્રધાન મોદી જનતાની અદાલતમાં ફરીથી જનાદેશની ગુહાર લગાવી શકે છે. ભાજપ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણીની સાથો સાથ લોકસભાની ચૂંટણીનો દાવ ખેલવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે.

દેશમાં સૌપ્રથમવાર આટલા મોટા પાયે ચૂંટણીનો જુગાર રમવાની શક્યતા છે. લોકોની માનસીકતાને લોકસભાની ચૂંટણીની સાથો સાથ વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર કરવાની છે. તેના માટે ભાજપ શાસિત મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની સરકાર પર દાવ ખેલવાનો આવે તો પણ ભાજપ તૈયાર છે. માટે આ રાજ્યોમાં પણ 10 થી 11 મહિના વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ એક્ટોબર-નવેમ્બર 2019માં પૂરો થઈ રહ્યો છે. એટલે કે છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી લોકસભાની સાથો સાથ કરાવવામાં આવી શકે છે.

ભાજપની સરકાર ધરાવતા આ છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સાથે પાર્ટી એનડીએમાં પોતાના સહયોગી ચંદ્રબાબુ નાયડૂની ટીડીપી અને ચંદ્રશેખર રાવની તેલંગાણા પાર્ટીને પણ સમય પહેલા ચૂંટણી કરાવવા સમજાવી રહી છે. આનાથી આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ સમય કરતા 5 મહિના પહેલા જ લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી યોજવી શક્ય બનશે. આ માફક સિક્કીમમાં પણ 5 મહિના વહેલી ચૂંટણી યોજવાની તૈયારી આરંભી દેવામાં આવી છે.

નીતીશ કુમાર તો પહેલાથી જ રાજી

લોકસભા અને અન્ય 9 રાજ્યોમાં વિધનાસભાની ચૂંટણી એક સાથે કરાવવા નીતીશ કુમાર પણ તૈયાર જ હોવાનું જ કહેવાય છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી મારફતે 10 વિધાનસભાની ચૂંટણીના મુખ્ય કેન્દ્રમાં આવશે. રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રીઓની આસપાસ ન રહેતા ચૂંટણી મોદીના વડપણ હેઠળ આવશે. મોદીના આ માસ્ટર સ્ટ્રોકથી ભાજપ શાસિત રાજ્યોમાં સત્તા વિરોધી લહેર પણ ખાળી શકાશે.

ભાજપ શાસિત રાજ્યોમાં સત્તા વિરોધી લહેર

રાજસ્થાનમાં યોજાયેલી પેટા ચૂંટણીએ ભાજપ માટે અત્યારથી જ સંકટ ઉભું કર્યું છે. તે ઉપરાંત છત્તિસગઢમાં રમણ સિંહ અને મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ લાંબા સમયથી સત્તામાં છે. માનવામાં આવે છે કે સત્તા વિરોધી લહેરનો સામનો તેમને પણ કરવો પડી શકે છે. જ્યારે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારનું સંકટ શિવસેનાના ખુલ્લેઆમ ભાજપ વિરોધમાં જઈને સમાઈ ગયું છે. હરિયાણામાં ખટ્ટર અને ઝારખંડમાં રઘુવર દાસ પણ મોદીની છત્રછાયામાં જ મુખ્યમંત્રી છે. આ બંને રાજ્યોમાં વિરોધ પક્ષ ભાજપ વિરોધી વાતાવરણ ઉભુ કરવામાં જોતરાઈ ગયું છે.

વિરોધ પક્ષ માટે રાજકીય ખતરો

કહેવાય છે કે સત્તા હાથમાં હોય તો દરેક દાખલો પોતાની રીતે ગણી શકાય છે. વહેલી ચૂંટણીની જોરે ફરી સત્તા હાંસલ કરવાની જો નાની અમથી તક પણ મળશે તો તેને મોદી જતી નહીં જ કરે. સંસદમાં સત્તાની સફળતા અને કોંગ્રેસની નિષ્ફળતાઓનો ઉલ્લેખ મોદી છડેચોક કરે છે. મોદીના આ ગણિતને કોંગ્રેસ પણ સમજી ગઈ છે અને તેથી જ ગઈ કાલે ગુરુવારે સોનિયા ગાંધીએ કોંગ્રેસના નેતાઓને ચૂંટણી માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યું હતું. આમ પહેલી જ વાર એકસાથે ચૂંટણીના આ શતરંજમાં ક્ષેત્રીય રાજકીય પક્ષો માટે અનેક સવાલ ઉભા થયા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપની સાથે રહેવું કે કોંગ્રેસની. ક્ષેત્રીય રાજકીય પક્ષોને કોંગ્રેસે નબળા બનાવ્યા હતા હવે વારો ભાજપનો છે.