નરેન્દ્ર મોદી : ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા કૃતસંકલ્પિત વિકાસપુરુષ - Sandesh
  • Home
  • Columnist
  • નરેન્દ્ર મોદી : ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા કૃતસંકલ્પિત વિકાસપુરુષ

નરેન્દ્ર મોદી : ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા કૃતસંકલ્પિત વિકાસપુરુષ

 | 1:27 am IST

અભિવ્યક્તિ  :-  અમિત શાહ

આજે વડા પ્રધાન મોદીજીનો ૬૯મો જન્મદિવસ છે. ઓગણસિત્તેર વર્ષની આ જીવન સફરમાં નાની ઉંમરથી જ તેમનું જીવન રાષ્ટ્ર સેવા માટે સર્મિપત રહ્યું છે. કિશોરાવસ્થાથી જ તેમનો ઝોક સમાજનાં શોષિતો અને વંચિત વર્ગો માટે કામ કરવાનો રહ્યો હતો. ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ્યા ઔહોવાથી તેમનું બાળપણ ગરીબી અને જરૂરી ચીજોનાં અભાવ વચ્ચે વિત્યું હતું. આથી તેમનાં મનમાં ગરીબો માટે કામ ઔકરવા અને તેમનાં જીવન સ્તરમાં ઔબદલાવ લાવવાની ભાવના બાળપણથી જ દ્દઢ રહી હતી.

૧૯૮૭માં તેમને જ્યારે ભાજપા દ્વારા ગુજરાત પ્રદેશ સંગઠનનાં મહામંત્રી બનાવવામાં આવ્યા તે વખતે ગુજરાતમાં ભાજપાનાં ફક્ત ૧૨ ધારાસભ્યો હતા. પણ મોદીજીની સંગઠન ક્ષમતા અને કુશળ રણનીતિનાં પરિણામે ૧૯૯૦માં ભાજપાનો ૬૭ બેઠકો સાથે વિજય થયો હતો. પછી ૧૯૯૫માં એવો સમય પણ આવ્યો જ્યારે પાર્ટીએ ૧૨૧ સીટો સાથે ગુજરાતમાં પૂર્ણ બહુમતી હાંસલ કરીને સરકાર બનાવવામાં સફળતા મેળવી. ત્યારથી લઈને આજ સુધી ગુજરાતમાં ભાજપાનો વિજય રથ દોડતો જ રહ્યો છે તેણે ક્યારેય પરાજય મેળવ્યો નથી. પાર્ટીની આ અજેય સિદ્ધિ પાછળ નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં તૈયાર કરવામાં આવેલી સંગઠનની આધારશિલા અને મુખ્યમંત્રી તરીકે તેમણે કરેલા વિકાસ કાર્યોનું યોગદાન મુખ્ય રહ્યું છે. આ પછી તેમણે રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પાર્ટીના રાષ્ટ્રીય સ્તરે વિસ્તારમાં પણ ઔમહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. જેને આધારે ભાજપા આજે દેશ નહીં પણ દુનિયાની સૌથી મોટામાં મોટી પાર્ટી બની ગઈ છે.

નેવુંનાં દાયકામાં મને વડા પ્રધાનનાં નેતૃત્વમાં સંગઠનમાં કામ કરવાનો અવસર મળ્યો હતો. મને યાદ છે કે નેવુની શરૂઆતનાં તબક્કામાં ગુજરાતમાં પાર્ટીનાં સભ્ય બનવા માટેનું અભિયાન ચાલી રહ્યું હતું તેમાં સભ્યપદ અપાવવા, વિચારધારાથી લોકોને જોડવા, સભ્યોનો સંપર્ક સાધવા અને સભ્યનું ડોક્યુમેન્ટેશન જેવી બાબતોને મોદીજી જે રીતે નીચેના સ્તર સુધી કાર્યાન્વિત કરતા હતા તે કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયક હતું. મને પણ આમાંથી ઘણું શીખવા મળ્યું હતું.

૨૦૦૧માં મોદીજી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી તેઓ કોઈ ચૂંટણી લડયા ન હતા. તેમનાં નેતૃત્વમાં રાજ્યનો કાયાકલ્પ કરવાની શરૂઆત થઈ હતી. આ તબક્કામાં તેમણે રાજ્યનાં વિકાસને લગતા જેને અત્યાર સુધી અસંભવ માનવામાં આવતા હતા તેવા અનેક કાર્યો કર્યા હતા. મોદીજીએ જ્યારે ગુજરાતનાં ઘર – ઘરમાં ૨૪ કલાક વીજળી આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો ત્યારે લોકોને તે સંભવ લાગતો ન હતો. પણ તેમની દ્રઢ ઇચ્છાશક્તિ, જનસેવાની ભાવના અને કારગત રણનીતિ દ્વારા તેમણે આ લક્ષ્યને હાંસલ કરીને એવો સંદેશ આપ્યો હતો કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો કોઈને કોઈ રસ્તો મળી જાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને પરિવારવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણ જેવા ત્રણ દૂષણોથી દેશને મુક્તિ અપાવી હતી. આ સાથે જ સબ કા સાથ, સબ કા વિકાસનાં મૂળમંત્ર સાથે ગરીબોનાં કલ્યાણ પર આધારિત ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક રાજકારણની શરૂઆત થઈ હતી.

નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં દેશ વિકાસનાં માર્ગ પર તો અગ્રેસર છે જ પણ વિશ્વ સ્તરે પણ ભારતની પ્રતિષ્ઠામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. તેનું સૌથી વધુ જીવંત ઉદાહરણ અને પ્રમાણ અનુચ્છેદ ૩૭૦ મુદ્દે પાકિસ્તાનનાં વિરોધને કોરાણે મૂકીને વિશ્વ સમુદાયે ભારતને આપેલું સમર્થન છે. આ મુદ્દે ભારતની વિરુદ્ધ સમર્થન મેળવવા પ્રયાસો કરનાર પાકિસ્તાન વિશ્વ સ્તરે અલગ થલગ પડી ગયું છે. આવી જ રીતે વડા પ્રધાન મોદીનાં પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્રનાં સભ્ય દેશો દ્વારા યોગ દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવી તે પણ વિશ્વમાં ભારતનાં વધેલા કદ માટે સૂચક છે.

ગુજરાત હોય કે દેશ મોદીજીની કાર્યશૈલી હંમેશાં એક રિફોર્મિસ્ટની રહી છે. આર્િથક સુધારા દ્વારા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, દેશની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક, ત્રણ તલાકની નાબૂદી જેવા કાયદાઓ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ, કલમ ૩૭૦મા સુધારો કરીને રાષ્ટ્રીય એકીકરણ, સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોની જાગરૂકતા, પર્યાવરણ અને જળસંવર્ધનનાં પ્રયાસ જેવા અનેક કાર્યો મોદીજીએ કર્યા છે. જેને કારણે તેમનું નામ દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં એક રિફોર્મર તરીકે સ્થાપિત થયું છે.

જનભાગીદારી દ્વારા વિકાસ કરવાનું કૌશલ્ય પણ નરેન્દ્ર મોદીજીનાં શાસનની એક મુખ્ય વિશેષતા છે. ૨૦૧૪માં સત્તારૂઢ થયા પછી તરત તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલું ‘સ્વચ્છ ભારત અભિયાન’ હવે સ્વચ્છતાનું એક જન આંદોલન બની ચૂક્યું છે. શાસનમાં જન ભાગીદારીનું આ ઉત્તમ ઉદાહરણ છે. આવી જ રીતે સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિ માટે પણ તેમણે દેશવાસીઓને હાકલ કરી છે અને મને વિશ્વાસ છે કે, પર્યાવરણને સુરક્ષિત રાખવા આમાં પણ લોકો ઉત્સાહથી હિસ્સો લેશે.

પોતાના શાસનમાં સામાન્ય લોકોને સફળતાપૂર્વક જોડવા પાછળનું એક મુખ્ય કારણ મોદીજીની અનોખી સંવાદ શૈલી છે. લોકોની સંવેદનાઓ સાથે જોડાઈ જવામાં મોદીજીના કોઈ હરીફ નથી. અઘરામાં અઘરા વિષયને તેઓ સામાન્ય લોકોની માનસિકતાને અનુરૂપ ઢાળીને એવી રીતે રજૂ કરે છે કે લોકો સાહજિક રીતે જ આવા વિષયમાં જોડાઈ જાય છે. નિઃ સંદેહ લોકોનું આ પ્રકારે જોડાવાનું એક બીજું કારણ એ પણ છે કે તેમનાં શબ્દોને લોકો ફક્ત સાંભળતા જ નથી પણ તેના પર વિશ્વાસ પણ કરે છે.

એક લાંબા સમય સુધી મોદીજી સાથે કામ કરવાથી મેં અહેસાસ કર્યો છે કે તેમનાંમાં એવી ઘણી વિશેષતા છે જે તેમને એક બહુમુખી વ્યક્તિત્વના સ્વામી બનાવે છે. કઠોર પરિશ્રમ એ તેમનો સ્વભાવ છે. સામાન્ય માનવીનાં જીવનમાં બદલાવ લાવવા અને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે તેઓ પરાકાષ્ઠા સુધી પરિશ્રમ કરવામાં પાછું વળીને જોતા નથી. જ્યારે તેમણે કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો દૃઢ નિૃય કર્યો હોય ત્યારે તેઓ ભલે ગમે તેટલા વિઘ્નો આવે અને ગમે તેટલો પરિશ્રમ કરવો પડે પણ લક્ષ્યને પ્રાપ્ત કર્યા વિના તેઓ ક્યારેય પીછેહઠ કરતા નથી.

તેમનામાં પોતાની ટીમની યોગ્યતાઓ અને ક્ષમતાઓને ઓળખવાની અદ્ભુત દૃષ્ટિ છે. તેઓ તુરત જાણી જાય છે કે કોણ વ્યક્તિ કયા કાર્ય માટે યોગ્ય છે અને તેને પારખીને તેઓ કામકાજની સોંપણી કરે છે. મોદીજીની આવી વિશેષતાને કારણે જ લગભગ સાડા પાંચ વર્ષનાં કાર્યકાળમાં તેમણે અશક્ય લાગતા અનેક કાર્યોને શક્ય કરી બતાવ્યા છે. તેમની મુખ્ય વિશેષતાઓમાં અભૂતપૂર્વ ઇચ્છાશક્તિ, અભૂતપૂર્વ ધીરજ, નિર્ણય લેવાની ક્ષમતા, કાર્યક્રમોને ચાલુ રાખવાની નિરંતરતા, પોતાનાથી આગળ વધીને કાર્યો કરવાની કર્મઠતા, સૌના વિચારો સાંભળીને લોકશાહી રીતે તેને મહત્ત્વ આપવાની ક્ષમતા પ્રશંસનીય છે.

આપણા માટે એ સૌભાગ્યની વાત છે કે, આપણને એક એવા નેતા મળ્યા છે જે રાષ્ટ્રનાં સાંસ્કૃતિક વારસાને પુનઃ સ્થાપિત કરીને સામાન્ય માનવીનાં જીવનને સુખમય બનાવવા અને ભારતને ફરી વિશ્વગુરુનાં પદ પર સ્થાપિત કરવા કૃતસંકલ્પ ભાવથી કાર્યરત છે. હું મોદીજીને તેમના જન્મદિવસે અભિનંદન પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે તેથી આવનારા અનેક વર્ષો સુધી તેઓ દેશની સેવા કરી શકે.

(લેખક કેન્દ્રીય ગૃહપ્રધાન અને

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન