naroda-area In 3-members-of-the-same-family-in-Susaid
  • Home
  • Ahmedabad
  • નરોડામાં પરિવાર વિખાયો: માતા-પત્ની અને દીકરીને ઝેર પીવડાવી, વેપારી લટક્યો

નરોડામાં પરિવાર વિખાયો: માતા-પત્ની અને દીકરીને ઝેર પીવડાવી, વેપારી લટક્યો

 | 9:05 am IST

નરોડામાં કોસ્મેટીક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની અને 16 વર્ષની દીકરી સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઇ છે. વેપારીએ તેમની આશરે 75 વર્ષની વૃધ્ધ માતાને પણ ઝેર પીવડાવી સુવડાવી દીધા હતા. બીજા તરફ આજે આખો દિવસ સંબંધીઓએ વેપારીના પરિવારના સભ્યોને ફોન કરતા કોઇએ જવાબ નહીં આપ્યો હોય ઘટનાની જાણ પોલીસને કરાઇ હતી.

પોલીસે દરવાજો તોડતા વૃધ્ધા ગંભીર હાલતમાં મળી આવ્યાં હતા, જ્યારે ફ્લેટના એક બૂડરૂમમાંથી દીકરી સહિત દંપતિના ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતા. પોલીસનું કહેવું છે કે, વેપારીએ પણ પત્ની અને દીકરી સાથે ઝેર ગટગટાવ્યા બાદ ફાંસો ખાધો છે. આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થીક હોવાનું પોલીસ માની રહી છે.

નરોડાના હરિદર્શન ચાર રસ્તા નજીક અવની ફ્લેટમાં રહેતા અને કોસ્મેટીકનો વેપાર કરતા કૃણાલભાઈ ત્રિવેદી (ઉં.૫૦), તેમના પત્ની કવિતાબેન ત્રિવેદી (ઉં.૪૫) અને તેમની ૧૬ વર્ષની દીકરી સીરી (ઉં.૧૬) તથા વૃધ્ધ માતા જયશ્રીબેન સાથે અવની ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા અને કોસ્મેટીકનો વેપાર કરતા હતા. છેલ્લા ૨૪ કલાકથી તેમના સંબંધીઓ સતત તેમના ઘરના અલગ અલગ સભ્યોને ફોન કરી રહ્યાં હતા પણ કોઇ ફોન ઉપાડતુ ન હોય સંબંધીઓને શંકા ગઇ હતી. સંબંધીઓ નરોડા પોલીસને લઇને અવની ફ્લેટ પર દોડી આવ્યાં હતા. ઘર અંદરથી બંધ હોય પોલીસે તોડીને તપાસ કરતા મેઇન રૂમમાંથી જયશ્રીબેન ઝેરી દવાની અસરથી બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે એક બેડરૂમમાં પતિ-પત્ની અને દીકરીનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતા નરોડા પી.આઈ એચ.બી વાઘેલા ઉપરાંત એ.સી.પી. જે.પી રાઓલ અને ડીસીપી નિરજ બડગૂર્જર સહિતના અધિકારીઓ દોડી આવ્યાં હતા. ડીસીપી ઝોન-૪ નિરજ બડગુર્જરે જણાવ્યું હતુ કે, ત્રણેયે ફાંસો ખાતા પહેલા ઝેર ગટગટાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વેપારીએ આપઘાત પહેલા તેમની વૃધ્ધ માતાને પણ ઝેર પીવડાવ્યું હોવાનું હાલ અનુમાન છે. વૃધ્ધાને હોસ્પિટલ ખસેડાયા છે. તેમણે ઉમેર્યું હતુ કે, ત્રણેયના મોતને ૧૨ કલાકથી વધુ સમય વિતિ ગયો હોવાનું લાગી રહ્યું છે. પોલીસે મોડી રાતે ત્રણેયના મૃતદેહ નીચે ઉતારી પી.એમ માટે મોકલી આપ્યા હતા.