કોંગ્રેસ નેશનલ હેરાલ્ડ, નવજીવન અખબારોનું 'ટૂંક સમયમાં ફરી શરૃ કરાશે પ્રકાશન - Sandesh
  • Home
  • Featured
  • કોંગ્રેસ નેશનલ હેરાલ્ડ, નવજીવન અખબારોનું ‘ટૂંક સમયમાં ફરી શરૃ કરાશે પ્રકાશન

કોંગ્રેસ નેશનલ હેરાલ્ડ, નવજીવન અખબારોનું ‘ટૂંક સમયમાં ફરી શરૃ કરાશે પ્રકાશન

 | 12:32 am IST

કોંગ્રેસ તેના મુખપત્ર નેશનલ હેરાલ્ડનું પ્રકાશન ફરી શરૃ કરવા જઈ રહ્યો છે અને ટોચના પત્રકાર નીલાભ મિશ્રાની તેના નવા મુખ્ય તંત્રી તરીકે નિમણૂક કરી છે. અખબારની પ્રકાશન કંપની એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (એજેેએલ)ના મેનેજિંગ ડિરેક્ટર અને કોંગ્રેસના ટ્રેઝરર મોતીલાલ વોરાએ જણાવ્યંું હતું કે, 1937માં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા સ્થાપિત કંપની એજેએલે અંગ્રેજી અખબાર નેશનલ હેરાલ્ડ અને હિન્દી અખબાર નવજીવનનું પ્રકાશન ફરી શરૃ કરવાનું પગલું ભર્યું છે.
મોતીલાલ વોરાએ જણાવ્યું હતું કે, કંપનીએ વરિષ્ઠ પત્રકાર નીલાભ મિશ્રાને હિન્દી અને અંગ્રેજી અખબારો તથા ડિજિટલ એકમોના તાત્કાલિક અસરથી મુખ્ય તંત્રી બનાવ્યા છે. પ્રકાશન ફરી શરૃ કરવાની ચોક્કસ તારીખ દર્શાવ્યા વિના વોરાએ જણાવ્યું કે, પ્રકાશન વહેલી તકે શરૃ થઈ જશે તથા બાદમાં ઉર્દૂ અખબાર કૌમી આવાજનું પણ પ્રકાશન કરાશે. મિશ્રા આઉટલુક હિન્દી મેગેઝિનના સંપાદક રહી ચૂક્યા છે અને તેમણે સંશોધન ક્ષેત્રે વિસ્તૃત કામ કર્યુ છે. આ પ્રકાશન નહેરુના દૃષ્ટિકોણને અવાજ આપવા અને ઉદારવાદી, પ્રગતિશીલ તથા ધર્મનિરપેક્ષ સ્થાનને મેળવવાનો પ્રયાસ કરશે. અખબારોનું પ્રકાશન ફરી શરૃ કરવાની યોજનાની જાહેરાત કરતા મોતીલાલ વોરાએ જણાવ્યું કે, આ સંદર્ભે એજેએલની જાન્યુઆરીમાં યોજાયેલી સામાન્ય બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
પ્રથમ તંત્રી જવાહરલાલ નહેરુ હતા
એજેએલની સ્થાપના 1937માં પંડિત જવાહરલાલ નહેરુએ કરી હતી અને નેશનલ હેરાલ્ડનું પ્રકાશન આઠમી સપ્ટેમ્બર 1938ના રોજ લખનઉથી શરૃ કરવામાં આવ્યું હતું. તેના પ્રથમ તંત્રી જવાહરલાલ નહેરુ હતા. વર્ષ 2008માં આથિક હાલત ખરાબ હોવાથી અખબારનું પ્રકાશન બંધ કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન