રાષ્ટ્રીય એક્સ્ચેન્જો સામે પ્રાદેશિક એક્સ્ચેન્જોના યુગનો આવેલો અંત... - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • રાષ્ટ્રીય એક્સ્ચેન્જો સામે પ્રાદેશિક એક્સ્ચેન્જોના યુગનો આવેલો અંત…

રાષ્ટ્રીય એક્સ્ચેન્જો સામે પ્રાદેશિક એક્સ્ચેન્જોના યુગનો આવેલો અંત…

 | 1:11 am IST

કોમોડિટી વોચઃ મિનિતા દવે

કોમોડિટી વાયદાને વેગ આપવા માટે મરણિયા પ્રયાસો સિકયોરિટી એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા કરવામાં આવી રહ્યાં છે. એક તરફ વાયદાને વેગ આપવા ક્વાયત્ ચાલી રહી છે જ્યારે બીજી તરફ પ્રાદેશિક એક્સ્ચેન્જોને બંધ કરી દેવાની વેતરણમાં છે. કોમોડિટી વાયદાના વેપારમાં મોટા પાયે રાજકારણ ખેલાઇ રહ્યું છે. છેલ્લા દોઢેક દાયકાથી રાષ્ટ્રીય એક્સ્ચેન્જોની શરૂઆત થઇ ત્યારથી પ્રાદેશિક એક્સ્ચેન્જોને કેમ બંધ કરવા તેની ક્વાયત શરૂ થઇ ગઇ હતી. અત્યારે એ પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઇ છે. ધીમે-ધીમે દેશમાં ૫-૬ રાષ્ટ્રીય એક્સ્ચેન્જોએ પાયો નાંખ્યો પરંતુ તેમાંથી અત્યારે માત્ર ત્રણ-ચાર એક્સ્ચેન્જોમાં જ ટ્રેડિંગ ચાલી રહ્યું છે અને આ એક્સ્ચેન્જો પણ છેલ્લા છ મહિનાથી વોલ્યુમના અભાવના કારણે ઓક્સિજન પર ચાલી રહ્યાં છે. બીજી બાજુ દેશમાં ૧૪-૧૫ પ્રાદેશિક એક્સ્ચેન્જો ચાલતા હતા જેમાંથી એક પછી એક એમ બંધ કરી દેવાના કારણે અત્યારે માત્ર ને માત્ર એકાદ બે એક્સ્ચેન્જો જ ચાલી રહ્યાં છે. તે પણ આગામી ટૂંકા ગાળામાં બંધ થઇ જશે તે નક્કી છે.

રાષ્ટ્રીય એક્સ્ચેન્જોમાં વોલ્યુમ અને વેપાર વધે તે માટે પ્રાદેશિક એક્સ્ચેન્જના કામકાજો રાષ્ટ્રીય એક્સ્ચેન્જ તરફ ડાઇવર્ડ થાય તે માટે બંધ કરવાની ગેમ રમાઇ ચૂકી છે…. તાજેતરમાં જ વર્ષો જૂના રાજકોટ કોમોડિટી એક્સ્ચેન્જ કે જેમાં એરંડા વાયદો સરળ રીતે અને મોટા વોલ્યુમ સાથે ચાલતો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં સુરેન્દ્રનગર ખાતે કપાસ વાયદો દેશમાં જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બન્યો હતો અને મોટા વોલ્યુમ છતાં તેને બંધ કરી દેવા માટે રાષ્ટ્રીય એક્સ્ચેન્જોએ તનતોડ મહેનત કરી અને અંતે તાળા મરાવી દીધા…પ્રાદેશિક એક્સ્ચેન્જના વાયદાને બંધ કરી સેબીએ રાષ્ટ્રીય એક્સ્ચેન્જોને કપાસ-એરંડા વાયદો શરૂ કરવાની લીલી ઝંડી આપી તે કેવો ન્યાય ગણાય ? અત્યાર સુધી એક પણ વખત પ્રાદેશિક એક્સ્ચેન્જોમાં કૌભાંડો બહાર આવ્યા નથી, ઊલટું પહેલાં તો બોલી જ સોદા થતા હતા અને તેમાં કોઇ કૌભાંડ ન હતા જ્યારે અત્યારે લેટેસ્ટ ટેક્નોલોજી છતાં અનેક કૌભાંડો ચાલી રહ્યાં છે. હવાલા-ડબ્બાના આધારે વેપારમાં એટલી વિશ્વસનીયતા હતી જેટલી અત્યારે પણ નથી આમ છતાં પ્રાદેળિક એક્ચેન્જોને ડામ દેવાઇ રહ્યો છે. અને રાષ્ટ્રીય એક્સ્ચેન્જો કૌભાંડોથી ભરપૂર છે છતાં તેને ઘી-કેળાં જેવો ઘાટ જોવા મળે છે. રાષ્ટ્રીય એક્સ્ચેન્જોમાં ગમે ત્યારે સટ્ટાના જોરે એકાએક વાયદા બંધ કરી દેવામાં આવે છે ત્યારે નાના ટ્રેડરોને સૌથી મોટો ફટકો પડે છે. આવા સંજોગોમાં નાના ટ્રેડરો તો અત્યારે એવો નિર્દેશ કરે છે કે રાષ્ટ્રીય એક્સ્ચેન્જો કરતા પ્રાદેશિક અને ડબ્બાના ટ્રેડિંગ વધુ વિશ્વસનીય છે. એનએસઇએલ કૌભાંડમાં અનેક રોકાણકારોને મોટા પાયે નુકસાન હતું. આ ઉપરાંત સમયાંતરે રાષ્ટ્રીય સ્તરના વાયદામાં મરી, ધાણા, જીરૂ, એરંડા, ગવાર-ગમ તથા કઠોળના વાયદામાં ભરપૂર સટ્ટો ખેલાયો હતો અને તેના કારણે વાયદાના વેપાર બંધ કરવાની પણ ફરજ પડી હતી. ૨૦૧૬ના વર્ષમાં એરંડા તથા ચણા વાયદાના વેપાર બંધ થયા જેમાંથી એક વર્ષ બાદ ફરી એરંડા તથા ચણા વાયદો શરૂ કરવાની મંજૂરી સેબીએ આપી દીધી હતી. એરંડા વાયદામાં અનેક કૌભાંડ હતા છતાં ફરી પુનઃ મંજૂરી શા માટે, અને પ્રાદેશિક એક્સ્ચેન્જમાં એરંડા વાયદો ચાલતો હતો તેને કેમ બંધ કરી દેવાયો તે પ્રશ્ન ટ્રેડરોના મનમાં ગુંજી રહ્યો છે. ખેડૂતોને પૂરતા ભાવ ન મળે ત્યારે વાયદાના વેપારને વેગ આપવા માટે રણનીતિ ઘડાઇ જાય અને જ્યારે ભરપુર સટ્ટાના જોરે ભાવ ઊંચકાઇ જાય ત્યારે તેને ડામી દેવામાં આવે તો શું આ માટે કોઇ યોગ્ય પગલાં કે મોનેટરિંગ કેમ યોગ્ય રીતે થતું નથી.

રાષ્ટ્રીય એક્સ્ચેન્જોમાં અત્યારે માત્ર એમસીએક્સ, એનસીડીએક્સ તથા એનએમસીઇમાં જ ટ્રેડિંગ થઇ રહ્યાં છે. જ્યારે આઇસીઇએક્સ, યુસીએક્સ તથા એસીઇ જેવા એક્સ્ચેન્જો બંધ થઇ ચૂકયા છે જે એક્સ્ચેન્જો ચાલે છે તેમાં છેલ્લા એક વર્ષની તુલનાને ધ્યાનમાં લઇએ તો વોલ્યુમ અડધો-અડધ ઘટી ગયા છે. વોલ્યુમના અભાવ છતાં તાજેતરમાં ઓપ્શન ટ્રેડિંગની શરૂઆત કરવામાં આવી છે પરંતુ અત્યારે જે વાયદાના વેપારમાં વોલ્યુમ નથી ત્યારે ઓપ્શન ટ્રેડિંગમાં કેટલા વોલ્યુમની શકયતા છે તે એક પ્રશ્નાર્થ છે.

વર્ષ ૨૦૧૭માં રાજકોટ કોમોડિટી એક્સ્ચેન્જ અને ઇન્ડિયન પેપર એન્ડ સ્પાઇસ ટ્રેડ એસોસિયેશન હેઠળના એક્સ્ચેન્જો બંધ કરી દેવાયા બાદ હવે હાપુર કોમોડિટી એક્સ્ચેન્જ બંધ થનારું છે. સેબીની ગાઇડલાઇન મુજબ જે પ્રાદેશિક એક્સ્ચેન્જો પણ કોર્પોરેટ મુજબ કામ કરે અને જે એક્સ્ચેન્જ આ મુજબ કામ ન કરે તે બંધ કરી દે. હાપુર કોમોડિટી એક્સ્ચેન્જનું લાઇસન્સ આગામી મહિને પૂર્ણ થઇ રહ્યું છે અને સેબી દ્વારા રાયડા વાયદામાં પણ નવા કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી નથી આમ જોતા આગામી મહિને એક્સ્ચેન્જ બંધ થઇ જાશે તે નક્કી છે. હાપુર વાયદો ૧૯૨૩થી ચાલતો હતો.

પ્રાદેશિક એક્સ્ચેન્જના યુગનો અંત

રાષ્ટ્રીય એક્સ્ચેન્જોના વાયદાના વેપારને વેગ મળે તે હેતુ ને ધ્યાનમાં લઇ પ્રાદેશિક એક્સ્ચેન્જોની હત્યા કરી દેવામાં આવી રહી છે તેમ કહેવું ખોટું નથી. સૌ પ્રથમ તો ગુજરાતમાં સુરેન્દ્રનગર કપાસ વાયદાને બંધ કરી દેવાયો ત્યાર બાદ અમદાવાદ કોમોડિટી એક્સ્ચેન્જ, રાજકોટ કોમોડિટી એક્સ્ચેન્જ, બોમ્બે કોમોડિટી એક્સ્ચેન્જ, ઇન્ડિયા પેપર એન્ડ સ્પાઇસ ટ્રેડ એસોસિયેશન બાદ હવે હાપુર રાયડા વાયદાને બંધ કરી દેવામાં આવ્યા છે. સેબીના નિયમ મુજબ આ એક્સ્ચેન્જો પાસે ૧૦૦ કરોડની કેપિટલ નેટવર્થ નથી, ડિમ્યુચ્યુલિઝેશન તથા ઓનલાઇનનો અભાવ છે જેના કારણે એક્સ્ચેન્જને બંધ કરી દેવામાં આવ્યા હોવાનું દર્શાવાય છે. આ તમામ એક્સ્ચેન્જો બંધ કરી દેવાતા પ્રાદેશિક એક્સ્ચેન્જોના યુગનો અંત આવ્યો છે.

  • રાષ્ટ્રીય એક્સ્ચેન્જોમાં વોલ્યુમ વધે તે માટે પ્રાદેશિક એક્સ્ચેન્જોને બંધ કરવાની ક્વાયત્ પૂર્ણતાના આરે
  • વર્ષો જુના ચાલી રહેલા પ્રાદેશીક કોમોડિટી એક્સ્ચેન્જને બંધ કરી દેવાયા, હાપુર એક્સ્ચેન્જ પણ બંધ થશે
  • રાષ્ટ્રીય એક્સ્ચેન્જોમાં એક દાયકામાં અનેક કૌભાંડ સામે પ્રાદેશિક વાયદામાં એક પણ કૌભાંડનો રેકોર્ડ નથી છતાં કપાસ, એરંડા બાદ હવે મસ્ટર્ડ વાયદાને બંધ કરી દેવાશે
  • દેશમાં પ્રાદેશિક ૧૨-૧૩ એક્સચેન્જો હતા જેમાંથી અત્યારે એકાદ-બે એક્સ્ચેન્જો જ ચાલુ
  • રાષ્ટ્રીય સ્તરના ૬ એક્સ્ચેન્જોમાંથી ૩-૪ એક્સ્ચેન્જોમાં જ ટ્રેડિંગ કાર્યરત, તેમાં પણ વોલ્યુમનો અભાવ
  • ઇન્ડિયન પેપર એન્ડ સ્પાઇસ ટ્રેડ એસોસિયેશન, રાજકોટ કોમોડિટી એક્સ્ચેન્જ, કોટન એસેસિયેશન ઓફ ઇન્ડિયા તથા બોમ્બે કોમોડિટી એક્સ્ચેન્જને તાળા લાગ્યાં