પ્રકૃતિ અને સ્ત્રી પીડિત હોય ત્યાં સુખ-શાંતિ-સમૃદ્ધિ અસંભવ - Sandesh
  • Home
  • Columnist
  • પ્રકૃતિ અને સ્ત્રી પીડિત હોય ત્યાં સુખ-શાંતિ-સમૃદ્ધિ અસંભવ

પ્રકૃતિ અને સ્ત્રી પીડિત હોય ત્યાં સુખ-શાંતિ-સમૃદ્ધિ અસંભવ

 | 12:35 am IST

થોડા હટકે :- પ્રસન્ન ભટ્ટ

આદ્યશક્તિની પૂજા-આરાધનાના મહાપર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતની વૈશ્વિક ઓળખ સમા ગરબા આ વખતે જોવા કે માણવા નહીં મળે. ઢબુકતા ઢોલે છમછમ થતા ઝાંઝરની ઝણકાર વિનાની આ નવલી રાતો ઉત્સવઘેલા ગુજરાતીઓ માટે ખૂબ જ વસમી રહેવાની છે. કોરોનાના પ્રારંભિક આક્રમણ સમયે લોકડાઉન અને ત્યારબાદ તબક્કાવાર અનલોકની સરકારી વિવસતાઓ વચ્ચે હવે આ નવરાત્રિને કેન્દ્રવર્તી થોકબંધ પ્રતિબંધો માર્ગર્દિશકાના રૂપાળા નામે જાહેર થઈ ગયા છે, જે લાગુ પણ સખ્તાઈથી કરાશે. શરૂઆતમાં તમામ ધર્મસ્થાનો પર તાળાબંધી કરવામાં આવી ત્યારે લખ્યું હતું કે, હળીમળીને રહેવા માટે મળેલી આ દુનિયાને વેરઝેરના નર્કથી ભરવામાં મશગૂલ માણસોને સુધારવા ધર્મો એક થઈ ગયા. આજે નવરાત્રિની રોનક ઓલવાઈ છે, ત્યારે ફરી એકવાર કુદરતના આ કોપ માટે જવાબદાર માનવ સમુદાયની અમાનવીય હરકતો મારા માનસપટ પર પોતાનો પગદંડો જમાવી રહી છે. પ્રારબ્ધના યોગે શક્ય બનેલા કેટલાક વિદેશ પ્રવાસો પૈકી યુરોપની યાત્રા પછી સ્પષ્ટ થયેલો વૈચારિક નિષ્કર્ષ આજના લેખનું આમુખ છે.

જર્મની, ફ્રાંસ, બેલ્જિયમ, નેધરલેન્ડ જેવા દેશમાં જવાનું થયું ત્યારે એક જ દિવસમાં ૩ ઋતુનો અનુભવ અત્યંત આૃર્યજનક અને રોમાંચક હતો. સવારે વરસાદ, બપોરે બરફ પડે અને મોડી સાંજે તડકો જોવા મળે. ગણીને ૪ સપ્તાહના રોકાણમાં ૧૮ કલાકનો દિવસ, ૬ કલાકની રાત્રિ અને ૬ કલાકનો દિવસ અને ૧૮ કલાકની રાત્રિ બંનેનો અનુભવ કર્યો. આખા યુરોપના પ્રવાસમાં એટલું અનુભવ્યું કે, ત્યાં ઋતુચક્ર જેવું કંઈ હતું નહીં. ખાણ-ખનીજ પણ કંઈ ઝાઝા હોય તેવું જણાયું નહીં અને તો પણ સમૃદ્ધિ છલોછલ જોવા મળી. ભારતમાં ૪-૪ માસની ૩ ઋતુ કોલસાના ભંડારમાં વિશ્વમાં ચોથા ક્રમે, બોકસાઈટની સમૃદ્ધિ પાંચમા ક્રમની, લોહ અને મેન્ગેનિઝનો જથ્થો જોઈએ તો વિશ્વમાં સાતમો નંબર, ક્ષેત્રફળના ૫૬.૭૮ ટકા એટલે કે ૧૯,૪૫,૩૫૫ ચોરસ કિલોમીટર જમીન ખેતીલાયક, ૨૪.૦૨ ટકા એટલે કે ૮,૨૨,૯૫૫ ચોરસ કિલોમીટરનો ભૌગોલિક વિસ્તાર જંગલોથી આચ્છાદિત અને ષધિય વનસ્પતિઓ મરી-મસાલા, ગુંદર જેવી કુદરતી સંપત્તિથી માલામાલ, ૩,૬૦,૪૦૦ ચોરસ કિલોમીટરનાં જળાશયો આ ઉપરાંત ઈંધણ, ઝીંક, લોહ, મેન્ગેનિઝ, ચાંદી, સીસુ, તાંબુ અને ક્રોમાઈટ જેવી ધાતુઓ, બિનધાતુ અને આણવિક ખનીજ સહિત વિવિધ પ્રકારના ૮૭ ખનીજોથી ભરેલા ભૂગર્ભની જાહોજલાલી, બધું જ છતાં દેશની ૬.૭ ટકા પ્રજા ગરીબીની રેખા નીચે સબડે છે. ગરીબ અને મધ્યમવર્ગ જે દેશની કુલ વસ્તીના ૭૫ ટકા છે તેની પણ હાલત સારી કહી શકાય તેવી નથી.

અપૂરતા કુદરતી સ્ત્રોત અને સાવ અસંતુલિત ઋતુચક્ર સાથે યુરોપની સમૃદ્ધિ સામે અપાર કુદરતી સંસાધનો સાથે સંતુલિત ઋતુચક્રના ધણી ભારતની ગરીબીનું વિશ્લેષણ આશા રાખું છું આપને ગમશે. મારા માનવા પ્રમાણે પ્રકૃતિ અને પરમાત્મા અભિન્ન છે. પુરુષ એ પરમાત્મા છે અને સ્ત્રી એ પ્રકૃતિ. યુરોપના પ્રવાસમાં બે વસ્તુ ઊડીને આંખે વળગી. ત્યાં પ્રકૃતિ સાથે કોઈ છેડછાડ ક્ષમ્ય નથી અને ત્યાંની મહિલાઓ સાચા અર્થમાં સ્વતંત્ર છે. કડવી ઝેર જેવી લાગે તો પણ નરી સચ્ચાઈ એ છે કે આપણા દેશમાં માતૃશક્તિની હાલત અત્યંત દયનીય છે. શારીરિક બળાત્કાર જેવી ઘટના પોલીસ ચોપડે નોંધાય છે તે હિમશીલાની ટોચ માત્ર છે. ઊડતી નજરે જોઈએ તો ભારત દેશમાં દરરોજ ૨૧ મહિલાઓ દહેજના ત્રાસથી આપઘાત કરે છે, તો ૮૭ માતૃશક્તિ વિકૃત પૌરુષત્વનો શિકાર બનીને પીંખાય છે. અત્યાચાર, શોષણ કે બળાત્કારના પ્રયાસને આંખ ફાડી નાંખનારી આંકડાકીય વિગતોને અહીં જગ્યાવકાશનો બાધ છે. પ્રકૃતિ પર અવિરત થતાં નફાખોરીના બળાત્કારની જઘન્યતા કેમેય કરી વર્ણવી શકાય તેમ નથી. પ્રત્યેક મોટા શહેરનું આકાશ ગંધાતી ઝેરી હવાથી હીબકા ભરે છે. લોકમાતા તરીકે પૂજાતી પવિત્ર નદીઓને પર્યાવરણ માફિયાઓએ ગટર બનાવી દીધી છે. એક અઘોષિત સંશોધન પ્રમાણે બે ટકા ભૂક્ષેત્રને બાદ કરતાં આખા દેશમાં ભૂગર્ભ જળ પીવા યોગ્ય રહ્યા નથી.

આપણા દેશમાં ચાર મહિનાનો શિયાળો, ચાર મહિના ઉનાળો અને ચાર મહિનાનું ચોમાસું હતું. ઠંડી, ગરમી અને વરસાદ સ્વરૂપે વહેંચાયેલું આ ઋતુચક્ર આવનારી પેઢી માટે ફક્ત ઈતિહાસ બની રહેશે. પ્રકૃતિ સાથેના દુરાચારની આડપેદાશ ગણો કે પ્રકૃતિ પર થતાં બળાત્કારથી વ્યથિત પરમાત્માનો કોપ, આજે ભારતનું સંતુલિત ઋતુચક્ર ખોરવાયું છે. ચાલુ વર્ષના પહેલા છ મહિનામાં ભૂકંપના ૧૨૭ આંચકા નોંધાયા છે. વાવાઝોડાની માત્રા પણ વધી રહી છે. અતિવૃષ્ટિની ઘટનાઓ હવે કોઈ નવાઈ કે આઘાત નથી આપતી. તાજેતરમાં ૧૪ ઓક્ટોબરે હૈદરાબાદમાં અને ૭ ઓગસ્ટે કેરળમાં ભારે વરસાદ અને પૂરથી નોંધાયેલો અનુક્રમે ૧૬ તથા ૨૨નો મૃત્યુઆંક ‘ફક્ત’ બની ગયો છે. ઓગસ્ટમાં કર્ણાટકની તારાજી કરનાર પૂરમાં ૬૧ મોત અને ૭,૦૦,૦૦૦નું સ્થળાંતર તેમજ ઓરિસ્સાને ધમરોળનાર ફાની વાવાઝોડામાં થયેલા ૮૯ કમોત આજે કોઈને યાદ નથી. આ સમગ્ર આલેખન કરવા પાછળ ઉદ્દેશ્ય જનમાનસ પર સજાગતાનું એક બીજ રોપવાનો છે. યુરોપના સંદર્ભ સાથે ફરી જોડાઈને કહું તો પ્રકૃતિ નારાજ કે દુઃખી હોય તો પરમાત્મા રાજી રહે નહીં. પરમાત્માની નારાજી આ સૃષ્ટિ પર તારાજી સિવાય કંઈ આપે નહીં. એ જ રીતે જે ઘરમાં સ્ત્રી દુઃખી હોય ત્યાં પુરુષ સુખી હોય શકે નહીં. અહીં દુઃખી પુરુષ સમાજને સંતાપ જ આપી શકે.

નવરાત્રિના આ અવસરે માત્ર જ્વારા કે ફોટા-મૂર્તિની પૂજાને આદ્યશક્તિની આરાધના ગણવી પર્યાપ્ત નથી. કુમારિકા પૂજન સ્વરૂપે નાની બાળકીમાં સાક્ષાત જગદંબાના દર્શન કરતા આપણે આ સમાજમાંથી સ્ત્રીભ્રૂણ હત્યાના દૂષણને સંપૂર્ણ નાથવા સંકલ્પબદ્ધ થવું જોઈએ. માતૃશક્તિ પરના પાશવી અત્યાચારોની દુર્ઘટનાને છાવરવા ટૂંકા કપડાં જેવા પાંગળાં કારણોની બેશરમ ધૃષ્ટતા માટે મને એક પૌરાણિક દ્રષ્ટાંત કથા યાદ આવે છે. પશ્ચિમના દેશોમાં આજે પ્રચલિત છે તે લીવ ઈન રિલેશનશિપ ભારત વર્ષમાં મહિલાઓનો કંચુકી વસ્ત્રથી ઓળખાતો પરંપરાગત પોષાક વિશ્વના સૌથી આક્રર્ષક પરિધાન તરીકે પ્રસ્થાપિત થયેલો છે. સ્ત્રી સ્વાતંત્રતાના ફલક પર આપણો દેશ પારાપૂર્વથી સૌથી અગ્રેસર રહ્યો છે. ઈચ્છિત વર પસંદ કરવા આકરી કસોટીના પડકાર સાથે યોજાતી સ્વયંવર પ્રથા માત્ર આપણું જ ઐતિહાસિક ગૌરવ છે. એથી આગળ આજે સ્વચ્છંદતાના સ્વરૂપે અપનાવાતી લીવ ઈન રિલેશનશિપ ભલે પશ્ચિમથી આવી હોવાનું કહેવાતું હોય પરંતુ ઉદ્દાલક મુનિ સાથે સંકળાયેલી પૌરાણિક કથા આ ક્ષેત્રમાં પણ ભારતીય સર્વોપરિતા સાબિત કરે છે. આ કથા પ્રમાણે ભારત વર્ષમાં લગ્નપ્રથા જેવું કંઈ હતું જ નહીં. એક સમયે ઉદ્દાલક મુનિ તેમના પુત્ર શ્વેતકેતુ સાથે પોતાની કુટિરમાં બેઠા હતા, ત્યાં એક આકર્ષક વિપ્ર યુવાન આવી ચઢયો. આવેલા આગંતુક યુવાનને પાણીનો વિનય કરવા શ્વેતકેતુની માતા આવી અને બંનેની આંખો મળી. વિદાય લેતા યુવાન સાથે શ્વેતકેતુની માતા પણ ચાલી ગઈ. પુત્ર શ્વેતકેતુએ પિતા ઉદ્દાલકને માતાની ચેષ્ટા વિશે ક્રોધ સાથે પૃચ્છા કરી, ઉદ્દાલકે અત્યંત સહજતાથી જવાબ આપતાં કહ્યું કે, આ ગોધર્મ છે, તારી માતાએ કંઈ ખોટું કર્યું નથી. કથા વસ્તુનો સાર એટલો જ છે કે, તે સમયે સ્ત્રીને પોતાની ઈચ્છા અનુસાર સહજીવનની સ્વતંત્રતા હતી. પિતાના ઉત્તરથી સંતુષ્ટ ન થયેલા નારાજ શ્વેતકેતુએ આ સ્ત્રી સ્વતંત્રતા પર અંકુશ મૂકવા જે પ્રથા દાખલ કરી તે આજની લગ્નપ્રથા હોવાનું કહેવાય છે.

અને છેલ્લે..

સંતાનને જન્મ આપવાની જવાબદારી પુરુષને ભાગે હોત તો વિશ્વની આબાદી કદાચ આટલી વધી નહોત. પ્રસવની પીડા એકવાર ભોગવ્યા પછી બીજી વખત ગર્ભ ધારણ કરવાની હિંમત માત્ર સ્ત્રી જ દાખવી શકે અને એટલે જ તે શક્તિ છે.

ખાસ નોંધ : ઉદ્દાલક મુનિની દ્રષ્ટાંત કથા સ્ત્રીને તુચ્છ ગણતા નિર્બળ પુરુષોને સ્ત્રી સ્વતંત્રતાની ગંભીરતા સમજાવવા છે. બાકી આપણા દેશની માતૃશક્તિ માટે સંસ્કારની મર્યાદા સૌથી મોંઘું ઘરેણું હોય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન