સ્વભાવના ઘડતરમાં મન ઉપરાંત તનની ભૂમિકા પણ છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સ્વભાવના ઘડતરમાં મન ઉપરાંત તનની ભૂમિકા પણ છે

સ્વભાવના ઘડતરમાં મન ઉપરાંત તનની ભૂમિકા પણ છે

 | 5:07 am IST

સાયન્સ મોનિટરઃ વિનોદ પંડયા

હમણાં સુધી મનાતું આવ્યું છે કે મગજની રચના અને બંધારણ માણસનું વ્યક્તિત્વ, પ્રકૃતિ અને સ્વભાવને ઘડે છે. તાજા સંશોધનો કહે છે કે હોર્મોન્સ, બેક્ટેરિયા અને હાર્ટ બીટસ પણ વ્યક્તિત્વ ઘડે છે.

સ્વભાવનું કોઇ ઓસડ નથી એ કહેવત વારંવાર સાંભળવા મળે છે છતાં માનસવિજ્ઞાાનને સંશોધનો બાદ જણાવ્યું છે કે પ્રકૃતિના ઘડતરમાં શરીરનો પણ મહત્ત્વનો ફળો હોય છે. તન અને મન એકબીજા પર ઘણો પ્રભાવ પાડે છે. અમુક હોર્મોન્સની વધઘટ પ્રમાણે સ્વભાવ પર અસર પડે છે. ઉપરાંત આંતરડામાંના બેક્ટેરિયા (જીવાણુ), હૃદયના ધબકારા, રોગપ્રતિકાર શક્તિ પણ મન પર અસર પાડે છે.

હમણાંના સંશોધનોએ કેટલાંક રસપ્રદ તારણો મેળવ્યા છે. અંગ્રેજ સાયકોલોજિસ્ટ હેન્સ આઇસેન્કે ૧૯૮૭માં તારણ કાઢયું હતું કે માનવીનું વ્યક્તિત્વ તેનાં પોતાના જિન્સને આધારે ઘડાતું હોય તો પણ શરીરની આંતરિક ક્રિયાઓ, હોર્મોન્સ અને શરીરમાં ઝરતાં બીજા રસાયણો, શરીરમાંના જીવાણું, રોગપ્રતિકારક શક્તિ વગેરે દ્વારા તે જરૂર વ્યક્ત થતું હશે. શરીરમાં ઝરતાં કોર્ટિઝોલ નામના હોર્મોન્સનો દાખલો જ લઇએ. માણસ કામના કે બીજા માનસિક દબાણ (સ્ટ્રેસ)માં હોય ત્યારે આ હોર્મોન શરીરમાં વધુ ઝરે છે. કોર્ટિઝોલના સ્ત્રાવના પ્રમાણમાં અઠવાડિયે કે મહિને નહીં, પણ એક જ દિવસમાં મોટી વધઘટ થતી હોય છે. ૨૦૧૭માં થયેલાં સંશોધનોમાં બે હજાર જેટલી વ્યક્તિઓના વાળમાં કોર્ટિઝોલના પ્રમાણમાં જે વધઘટ થઇ તેનો અભ્યાસ કરવામાં આવ્યો. આ સંશોધનો જેમના પર થયા તેમણે એક પ્રશ્નાવલિના ઉત્તરો પણ આપવાના રહેતા હતા. એ તમામ વોલંટીઅરોના માથાના વાળના ત્રણ સેન્ટિમીટરના ટુકડા કાપીને લેવામાં આવ્યા હતા. છેલ્લાં ત્રણ મહિનામાં વાળમાં જેટલું કોર્ટિઝોલ જમા થયું હોય તેનું માપ કાઢવામાં આવ્યું.

પ્રશ્નાવલીના આધારે માનવીનું વ્યક્તિત્વ નક્કી કરાયું હતું. જે લોકો શિસ્તબદ્ધ, વ્યવસ્થિત જીવન જીવતા હતા અને મહત્ત્વાકાંક્ષી હતા અને મહત્ત્વાકાંક્ષાને સાકાર કરવા મહેનત કરતા હતા તેઓના વાળમાં કોર્ટિઝોલનું ઓછું પ્રમાણ જોવા મળ્યું હતું. વોલંટીઅરોના આરોગ્યની પણ ખાસ નોંધ લેવાઇ હતી. તેઓનો ખોરાક, શરાબ, સિગારેટની આદત, વ્યાયામનું પ્રમાણ વગેરે ધ્યાનમાં લેવાયું હતું. સ્વાભાવિક છે કે જેઓ શિસ્તમય જીવન જીવતા હોય તેઓમાં આરોગ્યને જાળવી રાખે તેવી સારી આદતો પણ હોય છે. આવાં આરોગ્ય વિષયક પરિબળોનું અલગ-અલગ વ્યક્તિમાં અલગ-અલગ પ્રમાણ હોય છે. ગણતરીમાંથી આ પરિબળોની બાદબાકી કર્યા પછી પણ એ નિષ્કર્ષ કાયમ રહ્યો કે શિસ્ત, સમજદારીભર્યા જીવન અને કોર્ટિઝોલ વચ્ચે સંબંધ છે. પ્રબુદ્ધ અને કર્તવ્યનિષ્ઠ જીવન જીવતા લોકો ચિંતાજનક સ્થિતિમાં અકળાઇ જતા નથી અથવા ઓછા અકળાય છે. તેનો અર્થ માત્ર એ જ નથી કે તેઓ વિવેકશીલ અને આરોગ્યપ્રદ જીવન જીવે છે તેથી તેઓમાં કોર્ટિઝોલનું પ્રમાણ ઓછું છે. આ તારણનો એવો પણ અર્થ નીકળે છે કે તેમના મગજ અને શરીરની જન્મગત પ્રકૃતિ એવી છે કે તાણ પેદા કરે તેવી સ્થિતિમાં પણ તેઓ અકળાતા નથી અને સ્વસ્થ રહી શકે છે. તેના કારણે તેઓ બીજા કરતા સરેરાશ તંદુરસ્ત અને લાંબુ જીવન ભોગવે છે.

 

તેનો સીધો અર્થ એ પણ થઇ શકે કે જેમના શરીરમાં કોર્ટિઝોલ ઓછું ઝરે છે તેઓ સ્વસ્થ છે. પણ તેઓએ આરોગ્યમય જીવનશૈલી અપનાવી હોય છે તેથી પણ વધુ સ્વસ્થ રહે છે અને કોર્ટિઝોલનો સ્ત્રાવ ઓછો થાય છે. બીજું, કોર્ટિઝોલનો સ્ત્રાવ ઓછો થાય છે તેથી સ્વસ્થ જીવન જીવી શકે છે. સારી સ્થિતિ બેવડાય છે.

પાગલપણાં કે દિવાનાપણાનો આધાર પણ શારીરિક સ્વસ્થતા કે આરોગ્યના પ્રમાણ પર રહે છે. જે લોકોમાં પાગલપણ (ન્યુરોટિસિઝમ)ના લક્ષણો વધારે હોય તે ગુસ્સો, દુશ્મનાવટ, ખરાબ મૂડ અને ચિંતા દ્વારા વ્યક્ત થતાં હોય છે. આ લોકોનું માનસિકની સાથે શારીરિક આરોગ્ય પણ ઘણું નબળું હોય છે. સંશોધનોમાં જણાયું છે કે એ લોકોના આંતરડાઓમાં માઇક્રોબેક્ટેરિયાનું પ્રમાણ માનસિક બીમારીને વ્યક્ત કરે છે. ગયા વરસે હાથ ધરાયેલા એક અભ્યાસમાં ૬૭૨ વ્યક્તિના વિષ્ટાના નમૂના લેવાયા હતા. આ લોકોએ પોતાનો સ્વભાવ, પ્રકૃતિ અને માનસિક સ્થિતિ સ્પષ્ટ કરે તેવી પ્રશ્નાવલિના જવાબો પણ આપવાના રહેતા હતા.

દરેકના અલગ-અલગ ખોરાક વગેરે પરિબળો ધ્યાનમાં લીધા બાદ પણ એવો નિષ્કર્ષ આવ્યો કે ગાંડપણના ઊંચા પ્રમાણ સાથે આંતરડામાનાં ગેમ્માપ્રોટીઓ બેક્ટેરિયાના ઊંચા પ્રમાણને સીધો સંબંધ છે. આ પ્રકારના બેક્ટેરિયામાં રોગના જીવાણુઓ પણ વધુ જોવા મળ્યાં હતાં. આંતરડામાં માણસના મિત્ર અને દુશ્મન બંને પ્રકારના બેક્ટેરિયા હોય છે. મિત્ર બેક્ટેરિયાનું પ્રમાણ ઊંચું એટલું આરોગ્ય વધુ સારું. ગેમ્માપ્રોટીઓ બેક્ટેરિયા એ દુશ્મન બેક્ટેરિયા છે. તેના ઊંચા પ્રમાણને કારણે આંતરડામાં સોજા આવે છે. આંતરડામાં ક્યારેક સોજો આવે તો તેનાથી શરીરને ફયદો થતો હોય છે. આંતરડા કોઇ ઘાવ કે ચેપ સામે લડવા તૈયાર થાય છે. પણ કાયમ માટે સોજો રહેતો હોય તો તે નુકસાનકારક છે. દુશ્મન બેક્ટેરિયાને કારણે કાયમ માટે સોજો રહેતો હોય છે. આ સ્થિતિ પણ માનસિક આરોગ્યને વધુ કથળાવે છે. ગેરફયદાઓ બેવડાય છે. સારા બેક્ટેરિયામિત્રોથી શારીરિક આરોગ્ય તો સુધરે જ છે, મગજનો સકારાત્મક વિકાસ પણ થાય છે. આ અભ્યાસમાં સ્વસ્થ અને શિસ્તમય જીવનના પરિબળને પણ સમાવવામાં આવ્યું હતું. જે વોલંટીઅરો વિવેકપૂર્ણ અને મહેનતું જીવન જીવવાને બદલે અવ્યવસ્થિત જીવન જીવતા હતા તેઓના આંતરડામાં મિત્ર-બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ નીચું જોવા મળ્યું હતું. મિત્ર બેક્ટેરિયા લેકનોસ્પીરાસેઇ તરીકે ઓળખાય છે જે આંતરડા પર વારંવાર સોજો આવવા દેતા નથી અને વ્યક્તિનું યોગ્ય વજન જાળવી રાખે છે. બેક્ટેરિયા અને વ્યક્તિત્વ વચ્ચેનો આ સંબંધ એ હકીકત સમજવામાં મદદ કરે છે કે દિવાનગી અને આવારગીમાં જીવતા લોકો શા માટે વધુ બીમાર રહે છે ! છતાં એક અને એક બેની જેમ ચિત્ર સાવ સ્પષ્ટ થતું નથી. અમુક કોયડાઓ તો ઊભા જ રહે છે. આ સંશોધનો હજી પ્રાથમિક કક્ષાના છે. વધુ સચોટ રીતે સંશોધનો કરવાની જરૂર રહે છે. કોણ પહેલું ? મરઘી કે ઈંડું ? તે સવાલ અહીં પણ રહે જ છે. માણસનો જન્મગત સ્વભાવ (મગજ), આંતરડામાંના મિત્ર બેક્ટેરિયાને પેદા કરે છે ? કેે પછી બેક્ટેરિયાનું પ્રમાણ મગજ પર અસર કરે છે ? છતાં એક જવાબ સ્પષ્ટ છે કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. અને સંબંધની શરૂઆત માણસના શૈશવકાળથી થાય છે. ૨૦૧૫માં થયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે ૧૮થી ૨૭ મહિનાના બાળકોના પેટમાં (આંતરડામાં) રહેલા જીવાણુઓના પ્રમાણ અને શિશુઓના વર્તન સાથે સીધો સંબંધ છે. બાળકોની માતાઓ દ્વારા જે બાળકોને વધુ આનંદી, મિલનસાર, સક્રિય અને ચપળ ગણાવાયા હતા. તેઓના આંતરડામાં મિત્ર બેક્ટેરિયાનું પ્રમાણ ઊંચું હતું અને એ બેક્ટેરિયાની જાતોમાં વિવિધતા પણ ઘણી હતી. આરોગ્ય માટે આ સારી બાબત છે. વળી શીશુઓના ખોરાકમાં ખાસ વૈવિધ્ય હોતું નથી. તેથી ખોરાકની તેમના પર ઓછી અસર હતી.

શરીરમાં આંતરિક સોજા રહેતા હોય તો તે પણ વ્યક્તિત્વ દ્વારા વ્યક્ત થાય છે. ૨૦૧૪માં ૨૬ હજાર લોકો પર એક સંશોધન થયું તેમાં જણાયું હતું કે જે લોકો સ્વસ્થ અને ક્રિયાશીલ જીવન જીવે છે તેઓના શરીરમાં એવાં પ્રોટીન્સ પણ ઓછા રિલીઝ થતાં હોય છે જે શરીરના રોગપ્રતિકાર તંત્ર દ્વારા રોગો સામે લડવા માટે રિલીઝ કરવામાં આવે છે. આવા પ્રોટીન્સ સી-રિએક્ટિવ અને ઇન્ટરલિયુકીન-૬ તરીકે ઓળખાય છે અને લોહીના નમૂનામાં તેની ભાળ મળે છે. જે લોકો ઉદારચિત્તવાળા, નવી ચીજવસ્તુઓ અને વિચારોને સ્વીકારવા તૈયાર હોય અને સૌંદર્યદ્રષ્ટિ ધરાવે છે તેઓના શરીરમાં સી-રિએક્ટિવ પ્રોટીનનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. કારણ કે તેઓના શરીરને રોગો સામે લડવાની જરૂર ખૂબ ઓછી પડે છે. સંશોધકો માને છે કે તેઓની જીવનશૈલી તેમના માનસિક અભિગમોને સંતોષવા માટે ખૂબ ક્રિયાશીલ રહેતી હોય છે જેના કારણે શરીરમાં થતા સિસ્ટેમેટિક સોજાનું પ્રમાણ ઘટે છે. માનવીના હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરનો પણ વ્યક્તિત્વના ઘડતરમાં ફળો હોય છે. ૨૦૧૭માં ૫૦થી વધુ ઉંમરના પાંચ હજાર બ્રિટિશ નાગરિકો પર સંશોધન થયું હતું. તેમાં જણાયું હતું કે જેમને લોહીનું ઊંચું દબાણ રહેતું હતું તેઓમાં પાગલપણાનું પ્રમાણ વિશેષ અને વિવેકશીલતાનું પ્રમાણ નીચું રહેતું હતું.

એવંુ મનાય છે કે હૃદય ધીમું ધબકે તે સારી નિશાની છે, પણ સંશોધનો ઊલટું કહે છે. જેમના હૃદયના ધબકારા ધીમા હોય છે તેઓમાં માનસિક સંતુલન પ્રમાણમાં ઓછું હોય છે. લો-રેસ્ટિંગ હાર્ટ બીટને ઉગ્ર અને હિંસક વર્તન સાથે સંબંધ છે. હાર્ટ બીટ ઘટે તો ઉગ્રતા વધે છે. જોકે આ વિષય પર વધુ સંશોધનો ન થાય ત્યાં સુધી પાકા નિષ્કર્ષ પર આવી શકાય નહીં. ટૂંકમાં કહીએ તો મન અને તન બંને એકબીજાથી ખૂબ પ્રભાવિત થાય છે. માણસનું વ્યક્તિત્વ માત્ર મનથી જ નક્કી થતું નથી.