કુદરતની થપાટથી ત્રસ્ત ખેડૂતને નાયલોનની જાળી મંત્રાલયમાં જતા રોકી નહિ શકે : ઉદ્ધવ ઠાકરે - Sandesh
NIFTY 10,378.55 -48.30  |  SENSEX 33,723.14 +-133.64  |  USD 64.9175 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • કુદરતની થપાટથી ત્રસ્ત ખેડૂતને નાયલોનની જાળી મંત્રાલયમાં જતા રોકી નહિ શકે : ઉદ્ધવ ઠાકરે

કુદરતની થપાટથી ત્રસ્ત ખેડૂતને નાયલોનની જાળી મંત્રાલયમાં જતા રોકી નહિ શકે : ઉદ્ધવ ઠાકરે

 | 12:17 am IST

મુંબઈ, તા. ૧૪

મુંબઈનું મંત્રાલય સુસાઈડ પોઈન્ટ બન્યું ત્યારથી સરકારનું મન પણ અસ્થિર બની ગયું હોય એવું લાગે છે. ધર્મા પાટીલ (૮૪) નામના વયોવૃદ્ધ ખેડૂતે આત્મહત્યા કર્યા બાદ મંત્રાલયમાં આવનાર દરેક વ્યક્તિને શંકાની નજરે જોવાય છે. દરેક જણ જાણે આપઘાત કરવા જ મંત્રાલયમાં આવે છે એવું મંત્રીઓને લાગે છે. આત્મહત્યાઓ રોકવા સરકાર એવી વ્યવસ્થા કરશે કે ખેડૂતો અથવા કામદારો કોઈએ ન્યાય મેળવવા મંત્રાલયના પગથિયા નહિ ચડવા પડે એવું લાગતું હતું, પરંતુ થયું છે એવું કે મંત્રાલયમાં વારંવાર થતા આપઘાત અને આપઘાતના પ્રયત્ન રોકવા માટે સાવચેતીનાં પગલાંરૂપે મંત્રાલયમાં નાયલોનની જાળીઓ બેસાડવાનું કામ શરૂ થયું છે. આખા બીજા માળમાં જાળી બાંધી દીધી એટલે કોઈ પણ માળેથી છલાંગ લગાવનાર વ્યક્તિ આ જાળીમાં જ પડશે અને એનો જીવ નહિ જાય, તમામ માળ પરની લોબી પણ જાળીથી ઢાંકી દેવાશે. આત્મહત્યા એ રાજ્ય સરકારને લાગેલી કાળી ટિલી છે અને એનો ઉપાય શું મંત્રાલય ફરતી નાયલોનની જાળી બાંધવી એ છે? એવો પ્રશ્ન શિવસેનાના મુખપત્ર સામનામાં આજે કરાયો હતો.

ધર્મા પાટીલે ઉપલા માળેથી કુદકો નહોતો માર્યો પણ મંત્રાલયમાં જઈને ઝેર ઘોળ્યું હતું એ વિચારીએ ત્યારે થાય કે નેટની દીવાલ કેટલી તકલાદી છે. ધર્મા પાટીલને એમની જમીનનું યોગ્ય વળતર એમણે આપઘાત કર્યા પછી મળ્યું. એમના મોત સુધી જે જમીનની કિંમત ફક્ત રૂ. ૪ લાખ મુકાઈ હતી એનો મોંબદલો સરકારે રૂ. ૫૪ લાખ ચુકવ્યું. એનો અર્થ એવો થયો કે સરકારના પક્ષે ગોબાચારી હતી જ અને એટલે જ ન્યાય મેળવવા ધર્મા પાટીલે મંત્રાલયમાં જઈ વિષપાન કરવું પડયું. સરકારે મંત્રાલયમાં નાયલોનની જાળીઓ બેસાડવાને બદલે ધર્મા પાટીલ અને હર્ષલ રાવતે જેવાને આપઘાત કરવાનો વખત જ ન આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મંત્રાલયની વાત છોડો, પણ બે દિવસ પહેલાં જ એક બેકાર યુવાને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નાગપુરના ઘર બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. હવે મુખ્યમંત્રીના ઘર ફરતી પણ નાયલોનની જાળી બંધાશે? કાંઈ કહેવાય નહિ, મુખ્ય મંત્રી કે મંત્રીઓ જ્યાં જશે ત્યાં એમના ફરતી પણ નાયલોનની જાળી બાંધી દેવાય એવો કટાક્ષ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સામનાના તંત્રીલેખમાં કર્યો હતો.

મંત્રાલય અને બીજી સરકારી કચેરીઓમાં ઉંદરોનો ઉપદ્રવ છે. ઉંદરો નાયલોનની જાળી સહેલાઈથી કાપી નાખશે અને સુરક્ષા કવચ નાશ પામશે. કપાયેલી જાળી પછી લોકો માટે ગળાફાંસો બની જશે. માવઠા અને કરા પડવાથી રાજ્યમાં સવા લાખ હેકટરનો પાક નાશ પામ્યો છે. હવે ખેડૂતોને થયેલ નુકસાનના પંચનામા થશે. સરકારી સહાયની જાહેરાત થશે પણ ખેડૂત મનથી ત્રસ્ત છે. એનું મન અસ્થિર થયુ તો નાયલોનની જાળી પણ એને મંત્રાલયમાં પ્રવેશતા રોકી નહિ શકે. સરકારની ઉપાય યોજના દેખાડા પૂરતી અને હંગામી છે. બીમારી પેટમાં છે અને પ્લાસ્ટર પગમાં બંધાઈ રહ્યું છે એવી ટીપ્પણ ઉદ્ધવ ઠાકરેએ સામનામાં કરી હતી.

;