સુરત: આંબેડકરજીની પ્રતિમાને યુવકો તમાચા મારતાં હોય એવો વિડિયોથી રોષ ફેલાયો, ST બસ સળગાવાઈ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત: આંબેડકરજીની પ્રતિમાને યુવકો તમાચા મારતાં હોય એવો વિડિયોથી રોષ ફેલાયો, ST બસ સળગાવાઈ

સુરત: આંબેડકરજીની પ્રતિમાને યુવકો તમાચા મારતાં હોય એવો વિડિયોથી રોષ ફેલાયો, ST બસ સળગાવાઈ

 | 9:28 pm IST

સુરત નવસારી રોડ ઉપર પાંડેસરા જીઆઇડીસી પાસે રાતે એસટી બસને આંગ ચાંપી દેવાતાં આ વિસ્તારમાં તંગદિલીભર્યું વાતાવરણ ઉભું થયું હતું. આંબેડકરજીની પ્રિતમાને લઇ એક વિડિયો અને એક વાતે આ વિસ્તારમાં સવારથી જ ઉચાટનું વાતાવરણ ખડું કર્યું હતું. આંબેડકરજીને માનનારા યુવકો પૈકી કોઇકે નવસારીથી સુરત આવતી બસને રોકી તેમાંથી ડ્રાઇવર કંડક્ટર અને મુસાફરોને ઉતાર્યા બાદ આગ ચાંપી દીધી હોવાની વાત પ્રાથમિક રીતે બહાર આવી રહી છે.

જાણકાર સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઇ એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં કેટલાક યુવકે બાબાસાહેબની પ્રતિમાને થપ્પડ મારતાં દેખાય છે. વિડિયો જોતા તે ઉત્તરાખંડ કે ઝારખંડના કોઇ પરગણાંનો હોવાનું લાગે છે. યુવકો પ્રતિમાનું અપમાન કરી રહ્યા હોય એવો આ વિડિયોથી સુરતના ભીમ સૈનિકો રોષે ભરાયા હતાં. તેઓએ આજે બપોરે ઉધના દરવાજા વિસ્તારમાં પ્રદર્શન પણ કર્યું હતું. રીંગરોડ ઉપર સ્થાપિત બાબાસાહેબની પ્રતિમા આગળ ભીમ સૈનિકોએ દેખાવો કરી આવો વિકૃત વિડિયો બનાવનારાઓ સામે કાર્યવાહીની માંગણી કરી હતી.

આ વિડિયો જેમ જેમ ફેલાતો ગયો તેમ તેમ આંબેડકર અનુયાયીઓમાં રોષ વધતો ગયો હતો. ઉધના, લીંબાયત, પાંડેસરા વિસ્તારમાં આ વિડિયો ઉગ્ર ચર્ચાનું કારણ બન્યો હતો. આવા વાતારણમાં સાંજે એવી વાત ફેલાઇ કે ફેલાવવામાં આવી હતી કે ભેદવાદના પ્રેમનગરમાં બાબાસાહેબની જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે એને પણ ખસેડવામાં આવનાર છે. મુખ્ય માર્ગને અડીને આવેલી આ પ્રતિમાં ખસેડવા તંત્ર તૈયારી કરી રહ્યાની ફેલાયેલી આ વાતે વિડિયોવાળી ઘટનાને લઇ ફેલાયેલા રોષને હવા આપવાનું કામ કર્યું હતું.

આ બે વાતે પાંડેસરા વિસ્તારમાં લોકોમાં રોષ હતો ત્યારે એસટી બસ સળગાવી દેવાનો બનાવ બન્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે નવસારી ડેપોથી નિકળેલી જીજે ૧૮ ૧૮૫૬ નંબરની નવસારી ધાનેરા બસને જીઆઇડીસી પાસે રોકવામાં આવી હતી. કેટલાક યુવકોએ બસ રોક્યા બાદ તેમાંથી મુસાફરો અને પછી ડ્રાઇવર કંડક્ટરને ઉતારી દીધા હતાં. આ તમામને બસથી દૂર કર્યા બાદ ટોળાએ તેમાં જ્વલનશીલ પ્રવાહી રેડી આગ ચાંપી દીધી હતી.

પીકઅવરમાં વાહનોની ભારે આવન જાવનના સમયે જ અચાનક રોડ ઉપર એસટી બસ ભડભડ સળગી ઉઠતાં લોકોમાં ભારે નાસભાગ મચી હતી. ભયનું વાતાવરણ ઉભું થયું હતું. બનાવ અંગે જાણ કરાતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો અને સ્થિતિ થાળે પાડી હતી. પોલીસે બીજો કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવા સાથે પેટ્રોલીંગ વધારી દીધું હતું.