નવજોત કૌરના માતાપિતાનું સ્વપ્ન, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે - Sandesh
  • Home
  • Newspaper
  • નવજોત કૌરના માતાપિતાનું સ્વપ્ન, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે

નવજોત કૌરના માતાપિતાનું સ્વપ્ન, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે

 | 1:35 am IST

નવી દિલ્હી, તા. ૪

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ૬૫ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચનાર નવજોત કૌર પ્રથમ ભારતીય મહિલા રેસલર બની ગઈ છે. નવજોતની આ ઐતિહાસિક સફળતાથી તેનાં માતા-પિતા ઘણા ખુશ છે. તેઓએ કહ્યું કે, અમારું સ્વપ્ન સાચું થયું છે. આ જીતનો શ્રેય નવજોતની આકરી મહેનતને જાય છે. હવે અમારું સ્વપ્ન નવજોત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કરે.

બીજી માર્ચે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચનાર નવજોત કૌરની સફળતા પાછળ સમગ્ર પરિવારની આકરી મહેનત રહી છે. તેના સમગ્ર પરિવારનો ત્યાગ અને અથાક મહેનત રંગ લાવી છે. તેના પિતાએ દેવું કરીને પોતાની પુત્રીને આગળ વધારી હતી. આ ઉપરાંત ભાઈ-બહેને નવજોત માટે પોતાની કારકિર્દી પણ દાવ પર લગાવી દીધી હતી.

પંજાબના તરન ખાતે ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૦માં જન્મેલી નવજોત કૌર છ વર્ષની હતી ત્યારે નવજોતને સ્કૂલમાં એક શિક્ષક દ્વારા તેના શારીરિક બાંધાને જોઈ રેસલિંગમાં જવાની સલાહ આપી હતી. આથી નવજોત છ વર્ષથી જ રેસલિંગમાં જોડાઈ હતી. નવજોતને તેના પિતા જે એક ખેડૂત છે તેઓએ ઘણી મદદ કરી હતી.

ફિલિપીન્સના મનિલા ખાતે યોજાયેલી એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં મનજોતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે તેની પ્રથમ મેજર ટૂર્નામેન્ટ હતી. તે જ વર્ષે મનજોતે વર્લ્ડ જુનિયરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિનિયર લેવલે ૨૦૧૧ની એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ૬૭ કિગ્રામાં બ્રોન્ઝ જીત્યો હતો. બે વર્ષ બાદ રેસલિંગ વર્લ્ડ કપમાં પણ તેણે બ્રોન્ઝ જીત્યો હતો. ૨૦૧૩માં પણ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ૨૦૧૪ના કોમનવેલ્થ ગેમ્સમાં નવજોતે બ્રોન્ઝ જીત્યો હતો.