હવે શહેરમાં યુવતીઓ સુરક્ષિત નથી!, LLBનો અભ્યાસ કરતી યુવતી સાથે વિકૃત યુવકે અર્ધનગ્ન થઈને અશ્લીલ ચેનચાળા કર્યા

નવરંગપુરા સ્ટેડિયમ નજીકની સામવેદ હોસ્પિટલ પાસે એલએલબીનો અભ્યાસ કરતી યુવતી સાથે એક વિકૃત યુવકે એડ્રેસ પુછવાના બહાને જાહેરમાં અશ્લિલ ચેનચાળા કર્યા હતા. યુવતીએ બૂમાબૂમ કરતાં વિકૃત યુવક ફરાર થઇ ગયો હતો. આ અંગે મહિલા વેસ્ટ પોલીસે આટલો ગંભીર ગુનો હોવા છતાં માત્ર અરજી લઇને જ સંતોષ માન્યો છે.
નવરંગપુરામાં સામવેદ હોસ્પિટલ પાસેથી કાયદાનો અભ્યાસ કરતી ૨૧ વર્ષીય યુવતી પસાર થતી હતી. તે સમયે એક યુવક તે યુવતી પાસે એડ્રેસ પૂછવા ગયો હતો. યુવતીને એડ્રેસ ખબર ન હોવાથી તેણે ના પાડી હતી. આમ છતાં યુવક વારંવાર એડ્રેસઅંગે પૂછપરછ કરતો હતો. જેથી યુવતીએ કહ્યુ કે, એડ્રેસની મને ખબર નથી તમે બીજાને પૂછો તેમ કહેતા યુવક ઉશ્કેરાયો હતો.
બાદમાં યુવકે અર્ધનગ્ન થઈને અશ્લિલ ચેનચાળા કર્યા હતા. આથી યુવતીએ ગભરાઇને બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. તેથી યુવક ભાગી ગયો હતો. આ અંગે યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા મહિલા વેસ્ટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.યુવતીની સમગ્ર હકીકત સાંભળ્યા બાદ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસયા હતા. બાદમાં યુવતીની ફરિયાદ લેવાને બદલે મહિલા પોલીસે જ અરજી લઇને સંતોષ માન્યો હતો.
એક તરફ રાજ્ય પોલીસ વડા મહિલાની સુરક્ષાને લઇને તકેદારી રાખવાની સૂચના આપી રહ્યા છે ત્યારે બીજી તરફ મહિલાની જ ફરિયાદ લેવા મહિલા પોલીસ આનાકાની કરતી હોવાના અનેક કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે.
ગુજરાતમાં મહિલાઓ સલામત છે એ પ્રકારના દાવાઓ અવારનવાર કરવામાં આવે છે, પરંતુ વિકૃત યુવકોની આવી હરકતો દર્શાવે છે કે તેમને પોલીસનો કોઈ ખોફ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન