નવરાત્રિની મઝા મામાના ગામે માણી આવ્યાં - Sandesh
  • Home
  • Kids Corner
  • નવરાત્રિની મઝા મામાના ગામે માણી આવ્યાં

નવરાત્રિની મઝા મામાના ગામે માણી આવ્યાં

 | 12:19 am IST

આ વખતે તો મારે નવરાત્રિની મજા ડબલ થઈ ગઈ છે. ઓહ! સોરી, મારું નામ પિન્કી. હું આઠમા ધોરણમાં અભ્યાસ કરું છું. મારા મમ્મીએ જ્યારે કહ્યું, પિન્કી આ વખતે તને નવરાત્રિનું વેકેશન મળી ગયું છે. તો ચાલ, આપણે તારા મામાને ત્યાં રહેવા જતા રહીએ.

મેં અમારા શહેરની નવરાત્રિ તો ઘણી જોઈ છે, પણ ક્યારેય ગામડાંની નવરાત્રિ જોઈ નથી. એટલે મનમાં એવો પણ વિચાર આવ્યો કે કંઈ વાંધો નહીં, આ વખતે લાલપુરની નવરાત્રિ પણ જોઈ લઈએ! નવરાત્રિ તો તમે બધા જાણો જ છો કે આપણે ત્યાં ગામે ગામ નવ રાત સુધી ગરબા રમાય અને આપણે બધા મોડી રાત સુધી ઢોલીડાના તાલ ઉપર ગરબે ઘૂમતા રહીએ . મોડી રાત થઈ જાય તો પણ ઘેર પાછા આવવાનું મન જ ન થાય! અમારી સોસાયટીમાં તો નવ રાત ગરબા રમ્યા પછીય ધરાયા ન હોઈએ તો દશેરાની રાત્રે પણ ગરબા રમી લઈએ અને ગયા વર્ષે તો શરદ ર્પૂિણમાની રાત્રે પણ ગરબો રાખ્યો હતો!

આ વખતે નવરાત્રિના પ્રથમ દિવસે જ અમે બધા ઉપડી ગયા મામાના ઘરે. મામા તો અમને જોઈને ખુશ થઈ ગયા. મારે અને મામાની દીકરી રીનાને ખૂબ જ બનતું. મેં ક્યારે પણ ગામડાંની નવરાત્રિ જોઈ ન હતી. રાત પડી અને રીનાના ઘરની થોડેક જ દૂર નવરાત્રિનો ચોક હતો. રીના અને હું તો તૈયાર થઈને ગરબા શરૂ થાય તે પહેલાં જ ચોકમાં પહોંચી ગયા.  અમારી સોસાયટીમાં તો ગરબા રમવા માટે એક મ્યુઝિક સિસ્ટમ મૂકી દેવામાં આવતું. એમાં બોલિવૂડના ગીત, ગરબાના ગીતો તેમજ લેટેસ્ટ ડી.જે. સોન્ગ વાગતાં રહે અને અમે બધા તેના પર અલગ- અલગ સ્ટાઇલથી ગરબા રમતાં રહીએ.

જ્યારે અહીં તો કંઇક જુદો જ નજારો જોવા મળ્યો. મેં જોયું કે ગામના બધાએ ભેગા થઇ આરતી કરી અને માતાજીની જય કર્યા પછી ઢોલીડાએ ઢોલ વગાડવા માંડયો. એના ઢોલની હીંચ એવી જોરદાર હતી કે વાત ન પૂછો! એક કાકીએ જૂની પરંપરાનો ગરબો ગાવા માંડયો. બધાએ એના તાલે ગરબા રમવા માંડયા. ગરબો પણ ગામઠી ઢબનો એટલો સુંદર લાગતો હતો!

ગરબો એવો જામ્યો કે જાણે મન મૂકીને નાચતા જ રહીએ. ઢોલીડા ઢોલ જરા ધીમો વગાડમાં ધીમો વગાડમાં…..ત્યારબાદ આરાસુરની અંબા કરે.. રે..કિલ્લોલ… એક પછી એક ગરબા ગવાતા ગયા. ગરબામાં બહાર પુરુષોની લાઈન હતી. એની અંદર મહિલાઓની લાઈન હતી અને સૌથી અંદર અમારી બાળકોની લાઈન હતી. ત્રણ હારમાં ગરબો ફરતો હતો અને બધાના સ્ટેપ એવા એકસાથે થતા હતા કે ઘડીભર હું પોતે સ્ટેપ ભૂલીને એમને જોવા ઊભી રહી ગઈ.

શરૂઆત બે તાલીથી થઈ, પછી ત્રણ તાલી આવી અને આખરે દાંડીયા રાસ રમાયા. રીનાએ કહ્યું કે આ રોજનો નિયમ હતો. કેટલીક મહિલાઓ તો દાંડીયા બાદ હિંચ પણ રમતી હતી. જે મેં પહેલી વખત જોયું. શરૂઆતમાં તો મને કંઇ ખબર પડી નહીં કે બે મહિલાઓ સામસામે ઊભા રહીને શું કરે છે. પણ રીનાએ સમજાવ્યું કે તેને હિંચ કહે છે.

બીજી રાત્રે આવી બીજી રાત્રિએ દરેક લોકો સુંદર રીતે સજીધજીને આવ્યા હતા. મહિલાઓએ પહેરેલી ચણિયા-ચોળી પણ પરંપરાગત ગુજરાતી ઢબની હતી. આભલા, ટીકડા અને રમવાના કોડા સાથે બનાવેલી ચળકતી ગામઠી ચણિયા-ચોળી. જ્યારે પુરુષોએ માથે ફાળીયું, રંગબેરંગી ધોતી અને કેડિયું પહેર્યાં હતાં. તેમણે હાથમાં લાંબી લાકડી અને પગમાં મોજડી પણ પહેર્યા હતા. સૌ ગરબા રમતા ખૂબ જ સુંદર લાગતા હતા. મેં તો ભરપેટ ગરબા ગાયા અને ભરપેટ નાસ્તો કર્યો. આમ કરતાં આઠમ આવી ગઈ. આઠમની નવરાત્રિનો નજારો તો કંઇક અલગ જ દેખાતો હતો. સૌ કોઇ લાલ રંગના કપડાંમાં દેખાતાં હતાં અને મહિલાઓ માથે માટીનો કાણાવાળો ગરબો ઉપાડીને ફરતી. જૂની ભાતનો મૂળ ગુજરાતી ગરબો મામાના ઘરે આ પહેલી વખત મેં જોયો હતો. છેલ્લા દિવસે મેં મમ્મીને કહ્યું, આવતા વર્ષે પણ નવરાત્રિ અહીં જ કરીશું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન