NCP Chief Sharad Pawar Attack On Uddhav Thackeray For Bhima Koregaon Case
  • Home
  • Featured
  • ઉદ્ધવ ઠાકરેએ પવારને આપ્યો 440 વોલ્ટનો ઝાટકો, મહાવિકાસ અઘાડીમાં ભંગાણના એંધાણ

ઉદ્ધવ ઠાકરેએ પવારને આપ્યો 440 વોલ્ટનો ઝાટકો, મહાવિકાસ અઘાડીમાં ભંગાણના એંધાણ

 | 12:38 pm IST

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારમાં ખેંચતાણ સતત વધતી રહી છે. શિવસેનાએ NCP-કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સરકાર તો બનાવી છે પરંતુ આ સરકારમાં ગાંઠો પડતી દેખાય રહી છે. ઉદ્ધવ ઠાકરે એ ભીમા-કોરેગાંવ કેસને એનઆઇને સોંપી દેતા NCP સુપ્રીમો શરદ પવારને 440 વોલ્ટનો ઝાટકો લાગ્યો છે. એવામાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે મહાવિકાસ અઘાડીની સરકાર 5 વર્ષ પૂરા કરશે કે નહીં?

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભીમા-કોરેગાંવ કેસની તપાસ NIAને સોંપી દીધી છે. આમ કરતાં તેમણે પોતાની સરકારના ગૃહમંત્રાલયનો નિર્ણય પલટી દીધો. ગૃહમંત્રી એનસીપીના નેતા અનિલ દેશમુખ છે અને તેમણે ઉદ્વવના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. અનિલ દેશમુખે ગુરૂવારે કહ્યું કે મુખ્યમંત્રીએ ભીમા કોરેગાંવ કેસમાં તેમના નિર્ણયને પલટી દીધો છે.

શરદ પવારે ઉદ્ધવ પર નિશાન સાંધ્યું

કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાત કરતાં શરદ પવારે કહ્યું કે કેન્દ્ર સરકારે કેસની તપાસ પૂણે પોલીસ પાસેથી લઇ એનઆઇએને સોંપી એ યોગ્ય કર્યું નથી કારણ કે કાયદો-વ્યવસ્થા રાજ્ય સરકારનો વિષય છે. એનપીએ ચીફ શરદ પવારે કહ્યું કે કેસની તપાસ એનઆઇએને સોંપી કેન્દ્ર સરકારે ઠીક કર્યું નથી અને તેનાથી વધુ ખોટી વાત એ થઇ કે રાજ્ય સરકારે તેનું સમર્થન કર્યું.

NCPના મંસૂબા પર ઉદ્ધવ ઠાકરેએ ફેરવી દીધું પાણી

પવારે કહ્યું કે ભીમા-કોરેગાંવ મામલામાં મહારાષ્ટ્ર પોલીસના કેટલાંક અધિકારીઓનો વ્યવહાર આપત્તિજનક હતો. હું ઇચ્છતો હતો કે આ અધિકારીઓના વ્યવહારની પણ તપાસ કરાય. પરંતુ જે દિવસે સવારે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓએ પોલીસ અધિકારીઓની સાથે મુલાકાત કરી, એ દિવસે સાંજે 3 વાગ્યે કેન્દ્રે આખા કેસને એનઆઇને સોંપી દીધો. સંવિધાનના મતે આ ખોટું છે કારણ કે ગુનાની તપાસ રાજ્યના ક્ષેત્રાધિકારમાં આવે છે.

ભીમા-કોરેંગાવ કેસ છે શું?

આપને જણાવી દઇએ કે બે વર્ષ પહેલાં ભીમા-કોરેગાંવમાં દલિતોના એક કાર્યક્રમ દરમ્યાન જોરદાર હિંસા થઇ હતી તેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું. રાજયમાં સરકાર બદલાયા બાદ એનસીપીએ સંકેત આપ્યા હતા કે આખા કેસની નવેસરથી તપાસ કરાશે. બીજીબાજુ અલ્ગાર પરિષદ કેસની સુનવણી કરી રહેલી પૂણેની એક કોર્ટે એક આદેશ રજૂ કરતા આ કેસને મુંબઇની ખાસે એનઆઇએ કોર્ટને સોંપી દીધો અને સરકારે કહ્યું હતું કે તેને કોર્ટના આ નિર્ણય પર આપત્તિ નથી. આમ ઠાકરેએ આખી હિંસાની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપીને એનસીપીના મંસૂબા પર પાણી ફેરવી દીધું.

ઉધ્વ સરકારની ગાડી ચાલતી રહેશે?

મહાવિકાસ અઘાડીમાં ચાલી રહેલા વિવાદ પર રાજ્ય જ નહીં આખા દેશમાં અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે કે ઉદ્ધવ સરકાર પોતના 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ તનાતની છતાંય ઉદ્ધવ સરકારને અત્યારે કોઇ ખતરો નથી. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પોતાના આ પગલાં દ્વારા દેખાડવાની કોશિષ કરી રહ્યું છે કે તેઓ પોતાના હિન્દુત્વ અને આક્રમક રાષ્ટ્રવાદના મુદ્દા પર કાયમ છે. એટલું જ નહીં ઉદ્ધવ એ પણ ઇચ્છતા હતા કે આ સરકારના મુખ્યા તે છે અને તે જે ઇચ્છે તે કરશે.

શિવસેનાને સતાવી રહ્યો છે આ મોટો ડર

નિષ્ણાતોના મતે કટ્ટર હિન્દુત્વની વાત કરીને સત્તાનો સ્વાદ ચાખનાર શિવસેનાને હવે પોતાની જમીન ગુમાવાનો ડર સતાવી રહ્યો છે. કોંગ્રેસની સાથે મળી સરકાર બનાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના કઝીન ભાઇ રાજ ઠાકરે કટ્ટર હિન્દુત્વની તરફ નવેસરથી આગળ વધતા દેખાયા છે. સીએએની વિરૂદ્ધ દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા આંદોલન પર તાજેતરમાં જ રાજ ઠાકરેએ કટાક્ષ કર્યો હતો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે મને એ સમજાતું નથી કે ભારતીય મુસલમાન નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે. રાજ ઠાકરેએ ગેરકાયદે ઘૂસણખોરીને નીકાળવાની માંગણીને લઇ નીકાળવામાં આવેલા મેગા-માર્ચમાં અંદાજે 1 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. રાજ ઠાકરેના આ દાવથી હવે ઉદ્ધવ ઠાકરે ટેન્શનમાં છે અને હવે ટૂંક સમયમાં જ અયોધ્યા જઇને રામલલાના દર્શન કરવાના છે.

આ વીડિયો પણ જુઓ : ઊનામાં સિંહબાળનો વીડિયો થયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન