જરૂર પડે તો હું થપ્પડ પણ મારું! - Sandesh

જરૂર પડે તો હું થપ્પડ પણ મારું!

 | 12:49 am IST

આજે આખા દેશમાં કોરોના વાઇરસ ચર્ચામાં છે. આખો દેશ ક્વોરન્ટાઈન થઈ ગયો હોય એવી દશામાં છે. મોટાભાગનાં જિલ્લા અને શહેરોના બધા જ નાગરિકો પોતપોતાનાં ઘરોમાં નજરકેદ છે. આમાંથી સિનેજગત પણ બાકાત નથી. સિનેજગતના કલાકારો પણ પોતપોતાના ઘરમાં નજરકેદ છે

કબીરસિંઘ ફિલ્મ પછી ખૂબ વખણાયેલી અભિનેત્રી કિયારા અડવાણી પણ પોતાના ઘરમાં નજરકેદ છે. તેણે પોતાના ઘરમાં ટ્રેડમિલ પર ચાલતો ફોટો અને વીડિયો શેર કરીને લખ્યું કે ઘરમાં પુરાઈને ખા…ખા કરવાથી શરીરમાં છલકાયેલી કેલેરી બર્ન કરી રહી છું, જેથી સાંજનો સૂર્ય માણતી વખતે મારા મનમાં ચિંતા કે ડંખ ન હોય.

બીજી એક પોસ્ટમાં કિયારાએ પોતાના કિચનનો ફોટો શેર કર્યો છે. એમાં તે થોડી ઉદાસ ઊભી છે. આ ફોટો એની નેટફ્લિક્સ પર રજૂ થઈ ગયેલી ફિલ્મ ગિલ્ટીનો છે. એમાં કેપ્શન છે, જ્યારે તમે કિચનમાં જાઓ અને તમને ખ્યાલ આવે કે ક્વોરન્ટાઈન સમય માટે એકઠા કરેલા બધા નાસ્તા ખલાસ થઈ ગયા છે !

કિયારાને ઓનલાઈન ઈન્સ્ટા પ્લેટફોર્મ પર જ પૂછયું કે ક્વોરન્ટાઈન થયેલા બધા સિનેસ્ટાર્સ તારી જેમ જ જાતજાતનાં ગતકડાં કરીને પોતાનો સમય પસાર કરે છે અને પોતાના ચાહકોનું મનોરંજન પણ કરી રહ્યા છે. કેટલાક તો ઈન્સ્ટા પર અંતાક્ષરી રમી રહ્યા છે, ખબર છે? મોટાભાગના લોકો ઈન્ટરનેટનાં વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર એકબીજાની સાથે મસ્તી કરી રહ્યા છે. કબીરસિંઘ વિષે ચર્ચા થઈ રહી છે. આ વિશે તું કંઈક કહી શકીશ? તો જવાબમાં કિયારાએ કહ્યું, અભી તો લક્ષ્મી બોમ્બ કી બાત કરો! કિયારા અક્ષયકુમાર સાથે આ નામની ફિલ્મમાં હિરોઈન તરીકે આવી રહી છે.

કિયારાને પૂછો કે તારું નામ તો અલિયા છે, તો પછી કિયારા નામ કેમ રાખ્યું? તો કિયારા જરાય ખચકાટ વગર કહે છે, સિનેજગતમાં એકસરખા નામવાળા કલાકારોથી પ્રેક્ષકો ગૂંચવાઈ જાય છે, એટલે નામ બદલ્યું. ફિલ્મ અન્જાના અન્જાનીમાં પ્રિયંકા ચોપરાનું નામ કિયારા હતું. એ નામ મને ખૂબ જ ગમી ગયું હતું. એટલે મેં સિનેજગત માટે એ જ નામ અપનાવી લીધું.

તારી માતા જેનેવીવ ખૂબ અજાયબ લાગે છે. એટલું બોલતાં જ કિયારા બોલી ઊઠે છે, સમજી ગઈ. જુઓ જેનેવીવ જાફરી નામ એટલા માટે છે કે એમના પિતા એટલે કે મારા નાના મુસ્લિમ હતા. લખનૌના હતા. મારી માતાની માતા ક્રિશ્ચિયન હતી. એમનો વંશ કોટલેન્ડ, આયર્લેન્ડ, પોર્ટુગલ અને સ્પેનમાં પોતાનાં મૂળિયાં ધરાવે છે. એ રીતે મારો પરિવાર મલ્ટિનેશનલ છે! મારી માતા અશોકકુમાર અને અભિનેતા સઈદ જાફરી સાથે સીધો સંબંધ ધરાવે છે. એટલે એ બંને મારા વડનાનાઓ થાય છે.

કિયારા મધુર સ્મિત કરતી રહે છે. એ કહે છે, અગાઉ મને આવા સવાલો પુછાય તો અકળાઈ જતી હતી. હવે સમજી ગઈ છું કે સિનેજગતમાં રહેવું હશે તો મારે પારદર્શક બનવું જ પડશે. પણ એને જ્યારે કહ્યું કે સિનેજગતમાં બહુ સ્વીટ સ્વભાવ ઘણી વખત નુકસાન પણ કરી શકે છે. તો એ તરત બોલી ઊઠી, ના હોં! સાવ એવું નથી. હું સ્વીટ છું અને બધા સાથે સારું વર્તન કરું છું એ વાત સાચી, પરંતુ મને ખબર છે કે ક્યારે કોની સાથે કડકાઈથી વાત કરવી અને જરૂર પડે તો એકાદ થપ્પડ પણ મારી દેવી. હું સરળ છું, સીધી છું, સાધારણ છું, પણ શાંત નથી, વાતોડિયણ છું. અને હા, ઈનોસન્ટ એવી નથી કે કોઈ મને મૂરખ બનાવી જાય!

કિયારા, તું કોઈનાય પ્રેમમાં પડી છે? અથવા કોઈનાથી આકર્ષાઈ છે? એવું પૂછતાં જ કિયારા બોલી ઊઠે છે, એટ્રેક્શન તો ઘણી વખત થઈ જાય. તદ્દન સ્વાભાવિક છે. જોકે પ્રેમની લાગણી કહી શકાય એવી દોસ્તી એક વ્યક્તિ સાથે રહી હતી. એક્ચ્યુઅલી, અમે સાથે જ મોટાં થયાં છીએ. એટલે રોજેરોજ મળવામાં સંબંધો ગાઢ બની જ જાય! આજે પણ મારી સાથે કંઈક ખૂબ સારું થઈ જાય કે કશુંક ખૂબ ખરાબ થઈ જાય તો હું સૌથી પહેલાં એને જ ફોન કરું! અમે ખૂબ જ સારા દોસ્ત છીએ. એના માટે અમે દસમા ધોરણમાં હતાં ત્યારે મને પ્રેમની લાગણી પણ જાગી હતી.  આજેય મનથી અમે ખૂબ સારા ફ્રેન્ડ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન