NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દરેક ઈચ્છા માણસની જરૂરિયાત નથી હોતી

દરેક ઈચ્છા માણસની જરૂરિયાત નથી હોતી

 | 5:16 am IST

તડકભડકઃ સૌરભ શાહ

વર્તમાનમાં જીવવા વિશેની આ શ્રેણીના ત્રીજા અને અંતિમ લેખમાં ફ્રાંસમાં સ્થાયી થયેલા ૯૦ વર્ષીય વિયેતનામી સાધુ થિક ન્હત હન્ટ્ દ્વારા ભગવાન બુદ્ધના વિચારોનું જે વિશ્લેષણ થયું છે તે જોઈ લઈએ.

બુદ્ધિઝમમાં એકલા રહેવાની વાત પર જોર મૂકવામાં આવ્યું છે અને અહીં એકલા રહેવું એટલે કોઈનીય સાથે ન રહેવું એવું નહીં, આ સમાજને કે જગતને છોડીને સંન્યાસી બની જઈને એકાંત સાધનામાં સરી પડવું એવું તો હરગિજ નહીં. બુદ્ધે કહ્યું કે એકલા રહેવું એટલે પોતાની આસપાસ શું બની રહ્યું છે તેનું બારીકીભર્યું નિરીક્ષણ કરતાં રહીને વર્તમાનની ક્ષણમાં જીવવું. આટલું કરવાથી આપણે ભૂતકાળમાં ઘસાઈ જતાં અટકીશું અને વિચારોને ભવિષ્ય તરફ ખેંચાઈ જતાં રોકી શકીશું. બુદ્ધ કહે છે કે જંગલમાં તમે સાવ એકલા હો પણ વર્તમાનની ક્ષણમાં જીવી ન શક્તા હો તો તમે ખરા અર્થમાં એકલા નથી મૌન મંદિરમાં બેસીને સાધના કરતા હો કે વિપશ્યના શિબિરમાં હો પણ તમારું. મન સતત ભૂતકાળ તથા ભવિષ્યકાળ તરફ ઘસડાયા કરતું હોય તો તમે ફિઝિકલી એકાંતની અવસ્થામાં હોવા છતાં એકલા નથી. વર્તમાનની ક્ષણ વિશે પૂરેપૂરી જાગૃતિ હોય તો આસપાસ ગમે એટલી ભીડ હોય, ગમે એવા ભરચક વિસ્તારમાં વસતા હો તે છતાં, એકલા હોવાનો આનંદ તમે મેળવી શકો છો. સમાજથી છૂટા પડીને એકલા થઈ જવાની વાત બૌદ્ધ ધર્મના પાયામાં છે જ નહીં. સંઘમ્ શરણમ્ ગચ્છામિનો અર્થ એ કે તમે સંઘની-સમાજની શરણાગતિ સ્વીકારી લીધી છે, સમાજનું મહત્ત્વ તમે સ્વીકારી લીધું છે.

માણસનો જે કંઈ વર્તમાન છે એમાં એનો ભૂતકાળ પણ સમાયેલો છે. બુદ્ધ ભૂતકાળને અવગણવાની વાત કરે છે ત્યારે ભૂતકાળ આજની ઘડી પર હાવી ન થઈ જાય તેની તકેદારી રાખવાનું કહે છે. ભૂતકાળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી એમાંથી શીખવા જેવા પાઠ શીખી લેવાની મનાઈ નથી કરતા. જેના વડે વર્તમાન ઘડાયો છે તે ભૂતકાળના તાણાવાણા કઈ રીતે એકમેક સાથે જોડાયા એનો અભ્યાસ વર્તમાનને વધુ સ્પષ્ટ, વધુ સમૃદ્ધ બનાવશે.

વર્તમાનનો આપણો સમય ભૂતકાળમાંથી બનેલો છે એવી ભગવાન બુદ્ધની વાત સમજી શકીએ તો અત્યારના આપણા જીવાતા જીવનમાં ફેરફાર કરીને, આપણા વર્તમાનને બદલીને, આપણે આપણો ભૂતકાળ પણ બદલી શકીએ.

ધારો કે અત્યારે તમે એક ઝઘડાળુ, કંકાસખોર, સ્વાર્થી અને લોભી વ્યક્તિ તરીકે તમારા સર્કલમાં જાણીતા છો. આવી છાપ શું કામ ઊભી થઈ? કારણ કે ભૂતકાળમાં એ લોકોને તમારા એવા જ વ્યવહારનો અનુભવ થયો અને અત્યારે પણ એવો જ અનુભવ થઈ રહ્યો છે. લોકોના મનમાં, તમારી સાથેના અનુભવોને લીધે, આવી છાપ દૃઢ થઈ.

જો તમે ઝઘડાળુ મટીને મૈત્રીપૂર્ણ બની જાઓ, કંકાસખોર મટીને આનંદી બની જાઓ, સ્વાર્થી મટીને લોકોને ઉપયોગી બની જાઓ અને લોભી મટીને ઉદાર બની જાઓ-આજે અને અત્યારથી જ, તો વરસ, બે વર્ષ, પાંચ વર્ષ પછી લોકોનો તમારા માટેનો અભિપ્રાય બદલાઈ જવાનો. લોકો હવે તમને એમના આનંદી, ઉદાર મિત્ર તરીકે જોતા થઈ જશે. તમારા માટે જેઓ વાત કરશે તેઓ તમારા આ બદલાયેલા સ્વભાવને, તમારી બદલાયેલી વર્તણૂકને ધ્યાનમાં રાખીને વાત કરશે. હવે તમે સ્વાર્થી નથી, લોભી નથી. હવે તમે ઉદાર, આનંદી અને પરોપકારી છો.

તમે આજે અને અત્યારે બદલાયા તમે તમારો વર્તમાન બદલવાનું નક્કી કર્યું એટલે આ વર્તમાન જ્યારે ભૂતકાળ બની ગયો ત્યારે એ પણ બદલાઈ ગયો. આમ, તમારો ભૂતકાળ બદલવાનું તમારા હાથમાં છે. ભૂતકાળ પણ બદલી શકાય છે એ વાત નવી છે, ખૂબ આશાનો સંચાર કરનારી છે. ભૂતકાળની ખરાબ ઘટનાઓને કોસ્યા કરવાને બદલે વર્તમાનમાં એવી ઘટનાઓ સર્જવાનો પ્રયત્ન કરવો જે વખત જતાં ભૂતકાળ બની જાય તો તમે એને યાદ કરીને કચવાઓ નહીં. સમૃદ્ધ ભૂતકાળની સ્મૃતિઓ જોઈતી હશે તો વર્તમાનની ક્ષણોને સમૃદ્ધ કરવામાં ઓતપ્રોત થઈ જવું પડશે. તમારો ભૂતકાળ સમૃદ્ધ ન હોય તો પણ તમે તમારા વર્તમાન જીવનમાં યોગ્ય પરિવર્તન લાવીને તમારો હવે પછીનો ભૂતકાળ સમૃદ્ધ કરી જ શકો છો. આમ વર્તમાનમાં સજાગ રહીને જીવવામાં તમને ફાયદો જ ફાયદો છે અને વર્તમાનમાં રહેવાથી જ ફાયદો છે.

વર્તમાનમાં ન જીવવા માટે વર્તમાનની કપરી ક્ષણો તમને લલચાવે છે. આ આકરી ક્ષણો તમને ભવિષ્યના વિચારો તરફ ધકેલી દે છે. ભવિષ્ય આજના સમય કરતાં ગુલાબી હશે એવી કલ્પનામાં રાચતો માણસ વર્તમાનના સંઘર્ષને પહોંચી વળવાની ક્ષમતા ગુમાવી બેસે છે. ક્યારેક એનથી વિપરીત પરિસ્થિતિ પણ સર્જાય. આજે છે એવી વેદના આવતી કાલે નહીં હોય એવા વિચારોમાંથી આજને સહન કરવાની ધીરજ, ક્ષમતા પણ પ્રાપ્ત કરી શકાય.

વિચારોને ભવિષ્ય તરફ ખેંચી જનારી ત્રણ બાબતો છે. આશા, સપનાં અને ચિંતા. આપણી નિષ્ફળતાઓ અને વેદનાઓમાંથી આશા જન્મે છે આવતી કાલે આવી નિષ્ફળતા-વેદના નહીં હોય એવી આશા. જીવન માટે આશાને જરૂરી માનવામાં આવી છે, પણ બુદ્ધિઝમમાં આશાના એક જોખમી પાસા સામે લાલબત્તી ધરવામાં આવી છે. તમારી વિચારશક્તિ બધી જ ભવિષ્યના વિચારો કરવામાં વપરાઈ જશે તો વર્તમાનનો સામનો કરવા માટે અને એને બદલવા માટેની માનસિક શક્તિ ખૂટી પડશે. ભવિષ્ય ઘડવું હશે તો તેનો સઘળો કાચો માલ વર્તમાન જ પૂરો પાડશે એ બાબત બુદ્ધ ભારપૂર્વક જણાવે છે. બુદ્ધિઝમમાં સ્વર્ગ, નર્ક, સંસાર, નિર્વાણ આ સઘળું વર્તમાનમાં જ છે એવું કહેવામાં આવ્યું છે. આધુનિક યુગના ચાર્લ્સ ડિકન્સ ગણાતા અમેરિકાના બેસ્ટ સેલિંગ નવલકથા સ્ટીફન કિંગની લાંબી ટૂંકીવાર્તા પર આધારિત હોલિવૂડની ખૂબ જાણીતી ફિલ્મ ‘શો શેન્ક રિડેમ્પ્શન’માં એક સિનિયર કેદી જેલમાં આવેલા જુનિયર કેદીને કહે છેઃ ‘લેટ મી ટેલ યુ સમથિંગ માય ફ્રેન્ડ. હોપ ઈઝ આ ડેન્જરસ થિંગ. હોપ કેન ડ્રાઈવ અ મેન ઈનસેન.’ અને વાત સાચી પણ છે. આશા માણસને પાગલ બનાવી દઈ શકે, એને ભ્રમણાઓમાં જીવતો કરી દે એવું પણ બને. જોકે, ફિલ્મના આરંભમાં બોલાયેલા આ શબ્દો ફિલ્મના ઉત્તરાર્ધમાં ખોટા પડે છે. જુનિયર કેદીએ દાયકાઓ દરમિયાન ધીરજપૂર્વક સેવેલી આશાનું પોઝિટિવ પરિણામ આવે છે જેનો ફાયદો એ બંનેને એના સિનિયર કેદી મિત્રને પણ થાય છે.

આપણે જ્યારે કહીએ છીએ કે આપણે જયારે માની બેસીએ છીએ કે મારી પાસે જે કંઈ હતું તે બધું જ જતું રહ્યું, વેદના સિવાય કશું બાકી ન રહ્યું ત્યારે વર્તમાનની ક્ષણોની આપણે ઘોર અવગણના કરતા હોઈએ છીએ. જે જતું રહ્યું તે અતીતની સચવાયેલી ક્ષણો હતી. એના જતા રહેવાથી સર્જાયેલી વેદના સાચી છે પણ એ વેદનાની ભૂમિને સદાને માટે સૂકીભઠ રાખવાની ભૂલ વર્તમાનમાં ન થાય. દુષ્કાળગ્રસ્ત પ્રદેશની કમનસીબી ભરપૂર વરસાદથી જ દૂર થાય અને માઠાં વર્ષો વીતી ગયાં પછી ખેડૂતને સારાં વરસો મળતાં જ હોય છે. ધ્યાન માત્ર એટલું જ રાખવાનું હોય છે કે વરસાદ હંમેશાં વર્તમાનમાં જ વરસી શકે છે. વર્તમાનને ઢાંકીને ભૂતકાળ કે ભવિષ્યમાં જીવનારા લોકો આ વરસાદને કયારેય ઝીલી શક્યા નથી અને ઝીલી શક્તા નથી એટલે એમની ભૂમિ હર્યું ભર્યું ખેતર બનવાના રોમાંચથી વર્ષો સુધી વંચિત રહી જાય છે.

વિચારોને ભવિષ્ય તરફ ખેંચી જનારી બીજી બાબત છે સપનાં આશાની જેમ સપનાંની પણ જોખમી બાજુ જાણી લેવી જોઈએ. મનમાં જે કોઈ ઈચ્છા પ્રગટે તેને જરૂરીયાત માની લેવાની ભૂલ માણસ કરી બેસતો હોય છે. દરેક ઈચ્છીત (ડિઝાઈનર) માણસની જરૂરીયાત (નીડ, નેસેલિટી) નથી હોતી. સપનાંઓ માણસની ડિઝાઈનરને નીડમાં પલટી નાખે છે અને જ્યારે એને ખબર પડે છે કે આ સપનું કંઈ એના જીવનની જરૂરીયાત નથી, માત્ર આવતી જતી અગણિતમાંની એક ઈચ્છા હતી ત્યારે એને આ સપનાને સાકાર કરવા પાછળ ભોગવેલી તકલીફો બદલ પસ્તાવો થાય છે. સપનાઓનું આ જોખમી પાસું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.

ચિંતાઓ પણ વિચારોને વર્તમાન છોડીને ભવિષ્ય તરફ ઘસડી જાય છે. ચિંતાનાં સારાં પાસાં પણ છે. કેટલીક ચિંતાઓ કરવાથી ભવિષ્યમાં આવનારી આપત્તિઓમાંથી બચી શકાય છે. આવી પ્રિવેન્ટિવ ચિંતાઓ સિવાયની ફિકરો માણસના વર્તમાનને શોષી લે છે. એક ખૂબ જાણીતું અંગ્રેજી ગીત છેઃ વોટેવર વિલ બી, વિલ બી; કે સરા, સરા, સરા…. જે થવાનું છે તે થઈને જ રહેશે, તો પછી ચિંતા શા માટે કરવી. કોઈકે કહ્યું છે કે ચિંતા એટલે હજુ સુધી ઉધાર નહીં લીધેલી મૂડી પર અગોતરું ચૂકવાતું વ્યાજ. જેને ટાળી નથી શકવાના એવી ઘટનાઓ વિશે ચિંતા કરીને માણસ બે વાર દુઃખી થાય છે. એક વાર ચિંતા કરતી વખતે અને બીજી વાર જ્યારે ખરેખર એ ઘટના બને છે ત્યારે.

બુદ્ધની વર્તમાન ક્ષણમાં જીવવાની ફિલસૂફી સમજાઈ ગયા પછી આખી વાતને ફરી ફરી સમજવાનો પ્રયત્ન કરવાને બદલે માત્ર આ જ એક વાક્યને ઊંડી રીતે સમજ્યા બાદ સ્મરણમાં રાખવું. માસણના વર્તમાનમાં જ એનો ભૂતકાળ સમાયેલો છે અને એનું ભવિષ્ય પણ.

પાન બનાર્સવાલા

ડર કરતાં પણ વધુ શક્તિશાળી જો (કંઈ હોય તો તે છે આશા થોડીક આશા ખૂબ અસરકારક છે. ખૂબ વધી આશા ડેન્જરસ છે. આશાનો માત્ર તિખારો જ પૂરતો હોય.

– રોબર્ટ લુડલમ (‘બોર્ન ટ્રિયોલોજિ’ સહિતની અનેક બેસ્ટસેલર નવલકથાઓના અમેરિકન લેખકઃ ૧૯૨૭-૨૦૦૧).

www.facebook.com/Saurabh.a.shah

www.facebook.com/Saurabh.a.shah

1