નીરવ મોદીની લંડનમાં ધરપકડ : ૨૯ સુધી જેલહવાલે - Sandesh
  • Home
  • World
  • નીરવ મોદીની લંડનમાં ધરપકડ : ૨૯ સુધી જેલહવાલે

નીરવ મોદીની લંડનમાં ધરપકડ : ૨૯ સુધી જેલહવાલે

 | 3:47 am IST

। લંડન ।

રૂપિયા ૧૩,૦૦૦ કરોડના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની લંડનમાં સ્કોટલેન્ડયાર્ડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે મોડી રાત્રે તેની હોલબોર્ન શહેરમાં ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે તેને વેસ્ટમિંસ્ટર કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યો હતો. નીરવ મોદીએ કોર્ટ સામે શરણાગતિની અરજ કરી હતી. તે ઉપરાંત પ્રત્યર્પણથી બચવા માટે જામીન માગ્યા હતા. તે માટે તેણે પાંચ લાખ પાઉન્ડના અંગત બોન્ડ ભરવાની પણ ઓફર કરી હતી. કોર્ટે આ ઓફર ફગાવીને તેને જેલમાં મોકલી દીધો છે. કોર્ટે જણાવ્યું કે, આ કેસમાં ખૂબ જ મોટી રકમનો ઉલ્લેખ છે. આ કેસમાં તમારી નાસી જાય તેની પૂરતી શક્યતાઓ છે. તે ઉપરાંત મને અંગત રીતે એમ લાગે છે કે, તમે શરણાગતિ પણ સ્વીકારો તેમ લાગતા નથી. તેથી તેમને તાત્કાલિક જામીન આપવામાં આવશે નહીં. ૨૯ માર્ચે આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી તેને પોલીસ કસ્ટડીમાં જ રાખવામાં આવશે. નીરવને પકડનાર સ્કોટલેન્ડયાર્ડ પોલીસે જણાવ્યું કે, ભારત સરકારની ફરિયાદને આધારે જ લંડનમાં કાર્યવાહી કરીને નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ નીરવ મોદીની ધરપકડ થયા બાદ ઈડી અને સીબીઆઈ દ્વારા  તેના પ્રત્યર્પણ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

વિદેશમાં ગાળિયો કસાયો જા પ્રત્યર્પણની કામગીરીને મંજૂરી અપાઈ ગઈ છે

લંડનના એક સ્થાનિક અખબાર દ્વારા નીરવ મોદી લંડનમાં હોવાના પુરાવા રજૂ કરાયા બાદ ઈડી અને સીબીઆઈ સક્રિય થઈ ગયા હતા. તેમાં જણાવાયું હતું કે, નીરવ લંડનમાં ભવ્ય એપાર્ટમેન્ટમાં રહે છે અને ત્યાં નવા નામે બિઝનેસ પણ શરૂ કરી દીધો છે. આ સમાચાર મળ્યા બાદ ઈડીએ ૯ માર્ચે જ જણાવ્યું હતું કે, યુકેના ગૃહસચિવ દ્વારા નીરવના પ્રત્યર્પણ માટે અદાલતી કામગીરી શરૂ કરવાના આદેશ આપી દેવાયા છે. આ સિવાય ઈગ્લેન્ડ, અમેરિકા, સિંગાપુર અને સંયુક્ત આરબ અમીરાતમાં પણ ૯૬૧.૪૯ કરોડની સંપત્તિ જપ્ત કરવામા આવી હતી.

દેશમાં ગાળિયો કસાયો જા અત્યાર સુધી નીરવની ૧,૮૭૩ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

પીએનબી કૌભાંડમાં ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નીરવ મોદીની ૧,૮૭૩ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. નીરવ મોદીના પરિવાર સાથે સંકળાયેલી કુલ ૪૯૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. ઈડી દ્વારા આ કેસમાં નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ નીરવની પત્ની એમીને પણ આરોપી જાહેર કરવામાં આવી હતી. આ સાથે જ બુધવારે લંડનમાં નીરવ મોદીની ધરપકડ બાદ પીએનબીના શેરમાં ૪ ટકાનો ઉછાળો નોંધાયો છે.

એકસ્પર્ટ વ્યૂ જા નીરવને જામીન મળવાનું મુશ્કેલ

નીરવ મોદી ઉપર આરોપ : નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી ઉપર એલઓયુ દ્વારા પીએનબીના ૧૩,૦૦૦ કરોડ વિદેશમાં સેરવી દેવાના આરોપ છે. બંનેએ વિદેશમાં અને ભારતમાં બનાવટી કંપનીઓ બનાવીને તેના બનાવટી ડાયરેક્ટર્સ ઊભા કરીને પંજાબ નેશનલ બેન્ક સાથે મોટાપાયે છેતરપિંડી કરી હતી. આ આર્થિક અપરાધ કરીને તેઓ વિદેશ ભાગી ગયા હતા. આ ઉપરાંત તેણે લોકોને બનાવટી હીરા વેચ્યા છે. વિવિધ સેલેબ્સને પણ આ રીતે છેતર્યા છે. આ કારણે જ તેને જામીન મળવાનું મુશ્કેલ જણાઈ રહ્યું છે.

વિજય માલ્યા સામે આરોપ : લિકર કિંગ વિજય માલ્યાએ બેન્કો પાસેથી ૯,૦૦૦ કરોડની લોન લીધી હતી જે પરત કરી શક્યો નથી. તે પોતાની સામેની સીબીઆઈની લુકઆઉટ નોટિસ નબળી પાડવા માટે જ ૨૦૧૬માં વિદેશ જતો રહ્યો હતો.

હવે શું?

નીરવ મોદી આ પેંતરા અજમાવી શકે છે

૧. વિજય માલ્યાની જેમ જ નીરવ મોદીનો પણ કેસ ચાલશે. માલ્યાના પ્રત્યર્પણના કેસમાં બે મહિના પછી તેને જામીન આપી દેવાયા હતા. કેસ હજી ચાલી જ રહ્યો છે. નીરવ મોદીનો કેસ પણ આ જ રીતે ચાલે તો નવાઈ નહીં.

૨. અદાલત પ્રત્યર્પણનો ચુકાદો આપશે તો બ્રિટનના ગૃહમંત્રીએ આદેશનું પાલન કરીને કોર્ટના આદેશો ઉપર હસ્તાક્ષર કરવા પડશે. હાલમાં આ કેસ સીધો જ પ્રત્યર્પણનો દેખાય છે તેથી આ કેસ ચાલવામાં વાંધો નહીં આવે તેમ છતાં સ્થિતિ બદલાઈ શકે છે.

૩. ગૃહમંત્રી પ્રત્યર્પણનો આદેશ કરે ત્યારે જો નીરવ પાસે યુરોપના અન્ય દેશની નાગરિકતા હોવાનું બહાર આવે તો પછી જે-તે દેશના કાયદા પ્રમાણે કામગીરી કરવી પડે. આ સ્થિતિમાં કેસ લાંબો ચાલી શકે છે.

૪. તેણે બ્રિટનમાં શરણું માગ્યું હશે તો પહેલાં તેને શરણું આપવા અંગે કોર્ટ નિર્ણય કરશે અને ત્યારબાદ તેને પ્રત્યર્પણ અંગે નિર્ણય લેશે. શરણું માગવાની અરજી કોર્ટ ફગાવે તો જ તેના પ્રત્યર્પણની અરજી ઉપર સુનાવણી શક્ય બનશે.

મોટો પ્રશ્ન

ભાગેડુઓ બ્રિટનમાં જ શા માટે જાય છે?

૧. ભારત એક સમયે બ્રિટિશ તાજ હેઠળ રહ્યું હોવાથી ભારત અને બ્રિટનમાં ઘણા કાયદા એકસમાન છે. ભાગેડુઓ આ સમાનતાનો લાભ લેતા હોય છે.

૨. ભાગેડુઓ કાયદાની છટકબારીઓ શોધીને ત્યાં શરણું લઈ લેતા હોય છે.

૩. સૌથી મોટો ફાયદો એ છે કે, અહીંયાં ભારતીયમૂળના ઘણા લોકો રહે છે તેથી સંતાઈ રહેવું સરળ છે. અહીંયાં ઘણા વિસ્તારો મિનિ ઈન્ડિયા જેવા છે જ્યાં સંતાઈ રહેવું સરળ છે.

૪. ઘણા ભારતીય ઉદ્યોગપતિઓ, સેલેબ્સ અને નેતાઓના મકાનો અહીંયાં છે જેમાં સરળતાથી શરણું મળી જાય તેમ છે.

૫. માલ્યા જેવા ઘણા ભાગેડુઓ પાસે પહેલેથી જ લંડનમાં ઘર હોવાથી અહીંયાં રહેવું અને શરણું મેળવવું સરળ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન