નિજતાને નેવે મૂકતાં સોશિયલ નેટવર્કસનાં પતનના સૂચિતાર્થો - Sandesh
  • Home
  • Columnist
  • નિજતાને નેવે મૂકતાં સોશિયલ નેટવર્કસનાં પતનના સૂચિતાર્થો

નિજતાને નેવે મૂકતાં સોશિયલ નેટવર્કસનાં પતનના સૂચિતાર્થો

 | 1:38 am IST

ઇશ્યૂ ઇન ન્યૂઝ  :- વિનોદ પટેલ

ગૂગલ ફરી એક વાર ન્યૂઝમાં છે. ઉત્સાહીજનો કહેશે કે પિક્સેલ-૩ એક્સએલ લોન્ચ કર્યો એટલે ગૂગલ જોરમાં છે તો યથાર્થવાદીઓ કહેશે ગૂગલ પ્લસ નેટવર્કમાં સેંધમારી થઈ એટલે ગૂગલને ગ્રાહકોથી મોં છુપાવાનો વારો આવ્યો છે. મુદ્દો એ છે કે ગૂગલ જેવી વિરાટ કંપનીઓની પહોંચ એટલી બધી છે કે તેઓ કંઈ પણ કરે તો તે સમાચાર બની જાય છે. સારા-ખોટાની વાત પછી આવે છે. કદાચ બને છે એવું કે આ કંપનીઓ માટે ચલણમાં રહેવું તે જ સૌથી વધારે મહત્ત્વની વાત હોય છે, કારણ ગમે તે હોય. ગૂગલની નિષ્ફળતાઓનો ઇતિહાસ મોટો છે પણ તેની ઈમેલ સેવા અને સર્ચ એન્જિનની સફળતાને પગલે સમરથ કો નહીં દોષ ગુંસાઈ ન્યાયે લોકો તેની મફત સેવાઓનો લાભ મેળવવા માટે તેની બીજી પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરે છે.

તાજેતરમાં ફેસબુક અને હવે ગૂગલ પ્લસે તેના વપરાશકારોની માહિતી ગેરવલ્લે ગઈ હોવાની કબુલાત કરી તેને પગલે નિજતાના હિમાયતીઓનાં પેટમાં ફાળ પડી છે. ભારતમાં આ મામલે તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે આધાર મામલે બંધારણીય બેન્ચ સમક્ષ નિજતાનો મુદ્દો ચર્ચ્યો ત્યારે તેના વિશે જાહેરમાં વાત કરવાનું શરૂ થયું, પરંતુ પિૃમના દેશોમાં પ્રાઇવસી એટલે કે નિજતા એ નોનનિગોશિયેબલ જણસ ગણાય છે, તેને કારણે અમેરિકા અને યુરોપમાં મોટી કંપનીઓ આ મામલે જવાબદારીપૂર્વક વર્તે છે પરંતુ અન્યત્ર આ જ કંપનીઓ તેમનાં હિતો જાળવવા માટે અલગ માપદંડો વાપરે છે, જોકે, હવે મોટો મુદ્દો એ છે કે સોશિયલ નેટવર્કનાં ક્ષેત્રમાં વિરાટ ગણાતી બે કંપનીઓ ફેસબુક અને ગૂગલે તેમનાં નેટવર્કમાં ખામી રહી હોવાનું સ્વીકારતાં તેના વપરાશકારોમાં એક પ્રકારની ચિંતા જન્મી છે, જેને કારણે સોશિયલ નેટવર્ક પર હવે કારણ વિના લોગઇન ન થવાનો વાયરો વાયો છે.

સોશિયલ નેટવર્કને કારણે આખી દુનિયામાં સંવાદ સાધવાનું પ્રમાણમાં સરળ બન્યું છે, પરંતુ આ નેટવર્ક ખાનગી કંપનીઓનાં હોવાથી આ સંવાદ કેટલો સુરક્ષિત ગણાય એ હવે શંકાનો વિષય બન્યો છે. એક સમયે પોસ્ટકાર્ડ અને પરબિડિયાની વાત હતી. પોસ્ટકાર્ડ સંવાદનું ખુલ્લું માધ્યમ હોવાથી તેમાં પ્રાઇવસી રહેતી નહોતી પરંતુ પરબિડિયામાં પ્રાઇવસી રહેતી હતી, પરંતુ ઈમેલ અને એસએમએસના જમાનામાં આપણે પાસવર્ડ વાપરવાને પગલે એવું માનતાં થયાં કે આપણા મોબાઇલ ફોન પર આવતા સંદેશ માત્ર આપણી પૂરતા જ મર્યાદિત છે, જોકે આ એક ગંભીર ગેરસમજ પુરવાર થઈ છે. બન્યું એવું કે તમે જે કાંઈ પ્રવૃત્તિ નેટવર્ક પર કરો તે જે તે કંપનીઓનાં સર્વરોમાં સંગ્રહિત થાય છે અને તેના આધારે તમારું એક પ્રોફાઇલ બને છે. જેને એક કોમોડિટી તરીકે માર્કેટિંગ કંપનીઓ માંહોમાંહે વેચે છે, જેને આધારે તમને ટાર્ગેટ કરીને હવે તો ઓનલાઇન એડવર્ટાઇઝ પણ મૂકવામાં આવે છે. હવે ઘણા વિચારતા થયા છે કે હું જે બાબત વિચારતો હોઉં તેના વિશેની જાહેરાત મને કેમ દેખાય છે? તેનાં મૂળમાં આપણે અજાણે જે તે નેટવર્કને આપી દીધેલી મંજૂરીઓ છે. આજે કોઈ એપ વાપરતી વખતે બહુ ઓછાં લોકો એ દરકાર કરે છે કે તેઓ જે તે એપ વાપરવા માટે શું શું પરવાનગી આપી રહ્યા છે અને આ માહિતીનાં બદલામાં વાપરવા મળતી એપનું એટલું મૂલ્ય છે ખરું?

જોકે, હવે નેટવર્કની ચુંગાલમાંથી છટકવું સહેલું રહ્યું નથી. નેટવર્ક વિના માહિતીનો પ્રસાર શક્ય રહ્યો નથી, એટલે આજે જેમના હાથમાં નેટવર્ક છે તે મહાબલી છે. સોશિયલ નેટવર્કમાં સેંધમારી થાય એટલે જે તે કંપનીઓ આ સેવાઓ બંધ કરી દે છે. ન રહેગા બાંસ ન બજે બાંસુરી એ ન્યાયે તેઓ સમગ્ર જવાબદારીમાંથી હાથ ખંખેરી લે છે. હવે ફેસબુક માની લો કે એક વાર બંધ થવાની જાહેરાત થાય તો પણ કંપનીને તેનાથી મોટો ફરક પડે તેમ માનવાને કારણ નથી, કેમ કે આજે વોટ્સએપ અને મેસેન્જર જેવી બે સૌથી લોકપ્રિય મેસેજિંગ સર્વિસ ફેસબુકની માલિકીની છે. ગુજરાતીમાં આદિ કવિ નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોય રે… એમ આ કંપનીઓનાં નામ જુદાં હોઈ શકે પણ તેમનો ધંધો તો દૃશ્ય-શ્રાવ્ય સંદેશાની આપ-લે કરતાં વિરાટ નેટવર્ક દ્વારા તમને એ નેટવર્કમાં જંતુની જેમ પકડી તમારી વિશેની તમામ માહિતી મેળવી તેનો ફાવે તેમ ઉપયોગ કરવાનો છે.